રાજ્યોની ભાષાવાર પુનર્રચના

January, 2003

રાજ્યોની ભાષાવાર પુનર્રચના : સામાન્ય રીતે સમવાયતંત્ર, સમૂહતંત્ર કે સંઘ રાજ્યોમાં પ્રારંભે ઘટકો યા એકમોની રચના કરવામાં આવે ત્યારબાદ કેન્દ્રીય એકમની રચના થાય છે. વળી આવી રચના લગભગ કાયમી હોય છે; પરંતુ, ભારતમાં કેટલાંક કારણોસર આમ બન્યું નથી. આઝાદી પૂર્વે બ્રિટિશ શાસન દરમિયાન વિસ્તૃત અને મહાકાય પ્રાંતો અસ્તિત્વમાં હતા. તેમને વિભાજિત કરી નવા પ્રાંતો રચાયા હતા; પરંતુ આ પરિવર્તનમાં વહીવટી સગવડનો જ મુખ્યત્વે વિચાર કરવામાં આવતો હતો.

બંધારણે પ્રારંભે 14 (અને હવે 18) મુખ્ય ભાષાઓ સ્વીકારી હતી અને ત્યારે રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારાયેલી હિન્દીને વહીવટીકાર્યમાં કઈ રીતે અમલમાં મૂકવી તેનો વિવાદ પણ ચાલતો હતો. વધુમાં વિવિધ ભારતીય ભાષાઓ સાથે એક વિશિષ્ટતા સંકળાયેલી હતી કે ભાષાઓ ભૌગોલિક પ્રદેશોમાં કેન્દ્રિત થઈ હતી; આથી ભાષાજૂથો અને ભૌગોલિક પ્રદેશો એક બની રહેતાં. ભાષાવાદ અને પ્રદેશવાદ લગભગ પરસ્પરના સમકક્ષ હતા. આમ દેશના સમગ્ર રાજકીય જીવનમાં ‘ભાષા’ સૌથી સશક્ત પરિબળ હતું અને છે.

લોકશાહીમાં શાસકો અને શાસિતો વચ્ચે નજદીકતા ઊભી કરવાના સાધન લેખે રાજ્યવહીવટ લોકોની ભાષામાં ચાલે તે ઇચ્છનીય અને આવદૃશ્યક છે. ભારતમાં સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ પૂર્વે અને ત્યારબાદ આવી માંગણીઓ વારંવાર ઊઠી હતી. આથી સ્વતંત્ર ભારતમાં રાજ્યોની પુનર્રચનાની તાકીદની આવદૃશ્યકતા હતી.

બંધારણના ઘડતરકાળ દરમિયાન ભાષાકીય ધોરણે રાજ્યો રચવાની માંગ પ્રબળ બનતી જતી હતી. આ પ્રશ્નના સંદર્ભમાં બંધારણસભાએ ન્યાયમૂર્તિ એસ. કે. ધારના અધ્યક્ષપદે એક પંચની નિમણૂક જૂન, 1948માં કરી હતી. આ પંચે તેનો અહેવાલ તે જ વર્ષના ડિસેમ્બર માસમાં સુપરત કર્યો હતો. આ જ વર્ષમાં કૉંગ્રેસ પક્ષે જયપુર અધિવેશનમાં ભાષાવાર રાજ્યરચનાના સંદર્ભમાં જે. વી. પી. (જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભિસીતારામૈયાનું બનેલું) પંચ નીમ્યું હતું. ઉપર્યુક્ત બંને પંચોના અહેવાલમાં ભાષાકીય પ્રાંતરચનાના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો હોવા છતાં આવી રચના પ્રતિકૂળ હોવાથી ભવિષ્યમાં આ અંગે ફેરવિચાર કરવાનું આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. આ આશ્ર્વાસન છતાં પ્રશ્ન ફરી ફરી ઉખેડવામાં આવતો હતો. આથી 1953માં રાજ્યોની ભાષાવાર પુનર્રચના માટેનું પંચ નીમવામાં આવેલું, જેમાં હૃદયનાથ કુંજરુ (અધ્યક્ષ તરીકે) તથા ન્યાયમૂર્તિ ફઝલ અલી અને કે. એમ. પનિક્કર એ બે સભ્યો તરીકે નિમાયા હતા. 1955માં રજૂ થયેલ તેના અહેવાલમાં વહીવટી સગવડ, આર્થિક સ્વાયત્તતા, સાંસ્કૃતિક સામ્ય અને ભાષાનાં ધોરણોના માપદંડથી 16 ઘટક રાજ્યો અને 3 કેન્દ્રશાસિત વિસ્તારોની રચના અંગે ભલામણ કરવામાં આવી હતી; જેમાં મુંબઈ, પંજાબ અને હૈદરાબાદ સિવાયનાં બધાં રાજ્યોની રચનાની ભલામણ મુખ્યત્વે ભાષાના આધારે થઈ હતી. આથી અન્ય રાજ્યોમાં અસંતોષ પ્રજ્વલિત થયો. પરિણામે હૈદરાબાદનું વિભાજન કરી આંધ્ર, મૈસૂર અને મહારાષ્ટ્રમાં જે તે ભાષી પ્રદેશો જોડી દેવાનું નક્કી થયું તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈનાં ત્રણ રાજ્યોને બદલે વિદર્ભ સહિત દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો હતો. આમ 16ને બદલે 14 ઘટક રાજ્યો અને 6 કેન્દ્રશાસિત વિસ્તારો ધરાવતો રાજ્ય પુનર્રચના ધારો 1956માં સંસદે પસાર કર્યો. દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાં આંદોલન થતાં મે, 1960માં ગુજરાત અને મહારાષ્ટ્રનાં બે અલગ રાજ્યોની રચના કરવામાં આવી. એ જ રીતે પહાડી પ્રદેશોમાં પણ વિવાદો સર્જાયા. 1962થી પહાડી વિસ્તારોમાં આ સબબે આંદોલન શરૂ થયાં. ઑલ પાર્ટી હિલ લીડર્સ કૉન્ફરન્સ (APHLC) 1962ની ચૂંટણીઓમાં શક્તિશાળી પક્ષ તરીકે ઊભરી આવ્યો. પરિણામે 1963માં નાગાલૅન્ડના અલગ રાજ્યની રચના થઈ. આવાં જ કારણોસર પંજાબનું વિભાજન કરી 1966માં પંજાબ અને હરિયાણા  એમ બે અલગ રાજ્યોની રચના થઈ અને ચંદીગઢને કેન્દ્રશાસિત વિસ્તાર ઘોષિત કરવામાં આવ્યો. 1967ની ચૂંટણીમાં ફરી ઑલ પાર્ટી હિલ લીડર્સ કૉન્ફરન્સે બહુમતી હાંસલ કરી અને તેથી 1968માં આસામની પુનર્રચનાનું માળખું ઘડાયું. આ જ વર્ષે ‘પહાડી પ્રજાઓની રાજકીય અપેક્ષાઓની પૂર્તિ રૂપે’ આસામ અને મેઘાલયની રચના થઈ. 1971માં ઉત્તર-પૂર્વ રાજ્યોની વધુ એક વાર પુનર્રચના કરવામાં આવી. આથી આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, ત્રિપુરા અને મણિપુર – એમ પાંચ રાજ્યો (ખરેખર 3 નવાં રાજ્યો) રચાયાં, મિઝોરમ અને અરુણાચલ  બે કેન્દ્રશાસિત વિસ્તારો એથી અસ્તિત્વમાં આવ્યા.

ભારતના રક્ષિત રાજ્ય સિક્કિમની પ્રજાના ભારે બહુમતીભર્યા ચુકાદાને આધારે 1975માં સિક્કિમ ઘટક રાજ્ય તરીકે ભારતીય સંઘમાં જોડાયું.

કેન્દ્રશાસિત વિસ્તાર મિઝોરમ અને અરુણાચલ ફેબ્રુઆરી, 1987માં અનુક્રમે 23મું અને 24મું રાજ્ય બન્યાં. મે, 1987માં ગોવા ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું. આ રાજ્યની રચના પછી લાગતું હતું કે રાજ્ય પુનર્રચનાના વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું છે, પરંતુ વાસ્તવિકતા જુદી જ હતી. પ્રાદેશિક ભક્તિ અને પ્રાદેશિક અસ્મિતાની વિભાવનાઓને બળ મળ્યું હતું. પ્રદેશવાદ ભારતીય રાજકારણનું શક્તિશાળી પરિબળ બન્યું હતું. નાનાં રાજ્યોની રચનાને રાજકારણીઓનું સમર્થન મળતું તો બીજી તરફ નિરપેક્ષ રાજકીય અભ્યાસીઓ પણ નાનાં રાજ્યોની તરફેણ કરતા હતા. આ સમગ્ર સંદર્ભમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં નાનાં રાજ્યોની માંગ તીવ્રતર બનતી જતી હતી; જેના પરિણામે નવેમ્બર, 2000માં વધુ ત્રણ નવાં રાજ્યોની રચના થઈ. મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ વિસ્તાર જુદો તારવીને 26મા રાજ્ય તરીકે તેની રચના થઈ, એ સાથે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાંચલ 27મું અને બિહારમાંથી વનાંચલ (ઝારખંડ) 28મું રાજ્ય રચાયું.

ઉપર્યુક્ત રાજ્યોની રચનાથી ગુરખાલૅન્ડ, તેલંગણા, બોડોલૅન્ડ, લડાખ, વિદર્ભ, કચ્છ, મિથિલાંચલ, હરિતપ્રદેશ, ગોરાલૅન્ડ જેવાં અલગ રાજ્યો માટે નાનાંમોટાં આંદોલનો વેગ પકડે તેમ બને. આ સંદર્ભમાં નવાં રાજ્યોના પુનર્ગઠન માટે એક બૉર્ડ સ્થાપવાની પણ માંગ ઊઠી છે. સમગ્રતયા પ્રશ્ન નાના કે મોટા રાજ્યનો હોવા કરતાં રાજકીય નિષ્ઠા અને સંનિષ્ઠ વહીવટનો છે, રાજકીય હવામાન અને રાજકારણીઓની દાનતનો છે. આ અંગે એક અભિપ્રાય એવો છે કે કેન્દ્ર સરકાર નાનાં રાજ્યોની રચના દ્વારા સંકીર્ણતા-સંકુચિતતા(parochialism)નો અતિરેક કરી રહી છે. કેટલી હદ સુધી રાજ્યોનું નાનું કદ સક્ષમ (viable) અને ઇચ્છનીય ગણી શકાય એ પ્રશ્ન અહીં સૌથી મહત્વનો છે. આમ પ્રદેશવાદ ભારતીય રાજકારણનું શક્તિશાળી પરિબળ છે. તેનાથી ખરેખર પ્રાદેશિક અસ્મિતા પોષાય છે કે પ્રાદેશિક સંકુચિતતા  એ તપાસનો તેમજ ઊંડા અભ્યાસનો વિષય છે. વળી એથી નદીઓનાં પાણીની વહેંચણી જેવી લાંબા ગાળાની સમસ્યાઓ પ્રાદેશિક સંઘર્ષોને ઉત્તેજન પૂરું પાડે છે. આ વ્યાપક સંદર્ભોમાં નવાં રાજ્યોની રચનાના પ્રશ્ર્નો સઘન રીતે વિચારવાના રહે છે.

રક્ષા મ. વ્યાસ