રાજ્યસભા : ભારતીય સંસદનું ઉપલું ગૃહ, જે સમવાયતંત્રનાં ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની સંસદ રાષ્ટ્રપ્રમુખ સહિત લોકસભા અને રાજ્યસભાનાં બે ગૃહોથી રચાયેલી છે. લોકસભા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી રચાય છે અને રાજ્યસભા વિશેષે ભારતીય સમવાયતંત્રનાં ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ઘટક રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો રાજ્યસભાના પ્રતિનિધિઓ ચૂંટે છે. આ અર્થમાં તે પરોક્ષ રીતે ચૂંટાતું ગૃહ છે. વસ્તીના ધોરણે ફાળવવામાં આવેલા પ્રમાણ અનુસાર રાજ્યો પ્રતિનિધિઓ ચૂંટે છે, આમ આ ગૃહ અસમાન પ્રતિનિધિત્વ ધરાવે છે. ગૃહની અધિકતમ સંખ્યા 250 સભ્યોની છે, જેમાં 12 સભ્યો ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિમાય છે. સામાન્ય રીતે કલા, વિજ્ઞાન, સાહિત્ય અને વિશિષ્ટ સમાજસેવાના ક્ષેત્રના સભ્યોને આ નિમણૂકોમાં સ્થાન પ્રાપ્ત થાય છે.

આ ગૃહ સંસદનું કાયમી ગૃહ છે એટલે કે સમગ્ર ગૃહ ક્યારેય બરખાસ્ત થતું નથી. ગૃહની મુદત છ વર્ષની છે; જેમાં દર બીજા વર્ષે ગૃહના એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાઈ આવે છે. વાસ્તવમાં પક્ષપ્રથાના વિકાસને કારણે પક્ષના દંડકની સૂચના અનુસાર વિધાનસભ્યો મતદાન કરે છે. આથી રાજ્યસભાની બેઠકો રાજકારણીઓ માટેની ‘નિશ્ચિત બેઠકો’ બની ગઈ છે, જેમાં અપેક્ષિત ઉમેદવારને પક્ષ ચૂંટણીમાં વિજયી બનાવી શકે છે. આથી રાજ્યસભાની ચૂંટણી કેટલીક વાર ઓછા કે બિનલોકપ્રિય આગેવાનને સંસદમાં ઘુસાડવા માટેનો મુખ્ય માર્ગ બની જાય છે.

હોદ્દાની રૂએ ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ આ ગૃહના અધ્યક્ષ (ચૅરમૅન) હોય છે. તેમને આ કાર્યમાં મદદરૂપ થવા માટે ગૃહ નાયબ અધ્યક્ષ(ડેપ્યુટી ચૅરમૅન)ને ચૂંટે છે. મુખ્યત્વે આ હોદ્દેદારો ગૃહની કાર્યવહીનું સંચાલન કરે છે.

રાજ્યસભાના સભ્યપદ માટેના ઉમેદવારની લાયકાતો નિશ્ચિત કરાયેલી છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ, 30 વર્ષ કે તેથી વધુ વય ધરાવતો હોવો જોઈએ. કેન્દ્ર કે રાજ્યમાં તે સવેતન સરકારી હોદ્દો ન ધરાવતો હોય તેમજ લોકસભાના ઉમેદવાર માટે નિશ્ચિત થયેલી અન્ય લાયકાતો ધરાવતો હોવો જોઈએ. કોઈ ઉમેદવાર એકસાથે બંને ગૃહમાં ચૂંટાય તો તે પોતાની ઇચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે.

રાજ્યસભા સ્થાન અને સત્તાની દૃષ્ટિએ મહત્ત્વનું ગૃહ હોવા છતાં લોકસભાની તુલનામાં તે ઓછું મહત્ત્વ ધરાવે છે; જેમ કે, નાણાકીય ખરડાઓ પરની ચર્ચા માટે તેને 14 દિવસનો સમય આપવામાં આવે છે. 14 દિવસમાં તે પોતાનો નિર્ણય ન જણાવે તો તેણે ખરડો પસાર કર્યો છે તેમ માની લેવામાં આવે છે. કેન્દ્રરાજ્ય સરકારો વચ્ચેના સંબંધો કે સમવાયતંત્ર બાબતે તેને લોકસભા કરતાં થોડીક વિશેષ સત્તાઓ પ્રાપ્ત થયેલી છે; કારણ તે સમવાયી અંશો અભિવ્યક્ત કરતું નોંધપાત્ર ગૃહ છે. અન્યથા કોઈ પણ ખરડો બંને ગૃહોની મંજૂરી મેળવે પછી જ રાષ્ટ્રપ્રમુખની સંમતિ માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી, મહાઅભિયોગનો આરોપ યા કટોકટીની જાહેરાત જેવી બાબતોમાં બંને ગૃહો સમાન સત્તાઓ ધરાવે છે.

સામાન્ય રીતે ગૃહનું કામકાજ તેના એક દશાંશ જેટલા સભ્યોની હાજરીથી હાથ ધરી શકાય છે. ગૃહે વર્ષમાં ઓછામાં ઓછી બે બેઠકો યોજવી જરૂરી હોય છે તેમજ બે બેઠકો વચ્ચે છ માસથી વધુ સમયગાળો રાખી શકાય નહિ. આમ આ ગૃહ સમવાયતંત્રના અંશોને પ્રગટ કરતું મહત્ત્વનું ગૃહ છે.

રક્ષા મ. વ્યાસ