રાજ્યાભિષેક : રાજા તરીકે નિમાયેલ વ્યક્તિને રાજધર્મ સાથે સંકળાયેલા તેના અધિકારો જાહેરમાં પ્રદાન કરવા માટેનો વિધિ. સર્વસામાન્ય રીતે આ વિધિ ધાર્મિક સ્વરૂપ ધારણ કરે છે. અભિષેક એટલે પવિત્ર જળનું સિંચન. તેથી રાજ્યાભિષેકની વિધિમાં અન્ય પ્રચલિત ઔપચારિકતાઓ સાથે રાજગાદી ગ્રહણ કરનાર વ્યક્તિના મસ્તક પર પવિત્ર નદીઓના જળનું સિંચન કરવાની અને તે દ્વારા તેના રાજા તરીકેના અધિકારો સાથે ઈશ્વરીય તત્વ જોડવાનો વિધિ પણ કરવાની પ્રથા ભારતમાં પ્રાચીન કાળથી ચાલતી આવી છે. ઋગ્વેદમાંથી સાંપડતા ઉલ્લેખો જોતાં રાજ્યાભિષેકની પ્રથા ભારતમાં વેદકાળથી અમલમાં હતી એમ કહી શકાય. વિજય પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી દેવોએ ઇન્દ્રને રાજા તરીકે નીમ્યા અને તેનાં અધિકારસૂત્રો ઇન્દ્રને પ્રદાન કરવા માટે રાજ્યાભિષેકની વિધિ કરી હતી. તેને ‘ઐન્દ્રમહાભિષેક’ તરીકે વર્ણવવામાં આવે છે. મનુસ્મૃતિ મુજબ પ્રજાના રક્ષક તરીકે રાજાના આચરણમાં ઈશ્વરીય તત્વ દાખલ થાય, રાજા અન્યથી શ્રેષ્ઠ ગણાય અને તેની આજ્ઞાઓનું પ્રજા દ્વારા આપોઆપ પાલન થયાં કરે તે માટે રાજ્યાભિષેકનો વિધિ અનિવાર્ય ગણવામાં આવે છે. ‘અગ્નિપુરાણ’, ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ’ તથા ‘રાજધર્મકૌસ્તુભ’ જેવા પ્રાચીન ધર્મગ્રંથોમાં રાજ્યાભિષેકના વિધિનું વર્ણન વિગતવાર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે રામાયણમાં રામના તથા મહાભારતમાં યુધિષ્ઠિરના રાજ્યાભિષેકનું વર્ણન વિસ્તારથી કરવામાં આવેલું છે. મહારાષ્ટ્રમાં મરાઠા શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીને રાજ્યાભિષેક પછી જ રાજાનાં અધિકારસૂત્રો પ્રદાન કરવામાં આવ્યાં હતાં. ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન પણ દેશી રિયાસતોના મનોનીત/નિયુક્ત કે વારસાગત રીતે ગાદી પર બેસનારા રાજાઓનો રાજ્યાભિષેક કરવાની પ્રથા ચાલુ હતી. વડોદરા રિયાસતના રાજા સયાજીરાવ ગાયકવાડ અને મૈસૂર રિયાસતના રાજા કામરાજ વાડિયારને રાજ્યાભિષેક પછી જ ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઇંગ્લૅન્ડનાં હાલનાં મહારાણી એલિઝાબેથ-બીજાને રાજ્યાભિષેક પછી જ સત્તાનાં સૂત્રો સોંપવામાં આવ્યાં હતાં.

યુરોપમાં ખ્રિસ્તીકાળ પૂર્વે પણ રાજ્યાભિષેકની પ્રથા હતી એવા ઉલ્લેખ ઇતિહાસમાં સાંપડે છે. તે પ્રથા મુજબ રાજા તરીકે નિયુક્ત થયેલી વ્યક્તિને અગ્રણી નાગરિકો પોતાના ખભા પર બેસાડીને જાહેર સ્થળે લાવતા અને ત્યાં ભેગી થયેલ મેદનીની આસપાસ તેને ફેરવવામાં આવતી અને પછી જ તેને રાજદંડના પ્રતીક તરીકે ભાલો અને અન્ય વસ્તુઓ આપવામાં આવતાં. ઈ. સ. 800માં પોપ દ્વારા પવિત્ર રોમન સામ્રાજ્યના સમ્રાટને રાજ્યાભિષેક દ્વારા અધિકારસૂત્રો પ્રદાન કરવામાં આવ્યાં હતાં. ઈ. સ. 973માં એડગરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો અને તેના ભાગ તરીકે તેની પાસેથી રાજધર્મના સોગંદ લેવડાવવાનો વિધિ જાહેરમાં કરવામાં આવ્યો હતો. યુરોપમાં ખ્રિસ્તી ધર્મનો સાર્વત્રિક પ્રચાર થયા પછી જે જે રાજાઓના રાજ્યાભિષેક થયા હતા તે દરેકમાં તે અંગેનો વિધિ બાઇબલના જૂના કરાર મુજબ હાથ ધરવાની પ્રથાની શરૂઆત થઈ. ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1066માં રાજા હૅરલ્ડનો રાજ્યાભિષેક પ્રથમ વાર લંડન ખાતેના વેસ્ટમિન્સ્ટર પ્રાસાદમાં યોજવામાં આવ્યો હતો, જે પ્રથા આજે પણ ચાલુ છે. 1307માં રાજા એડવર્ડ અને 1603માં પહેલા જેમ્સના રાજ્યાભિષેકના આ સમગ્ર ગાળા (1307-1603) દરમિયાન ઇંગ્લડમાં રાજ્યાભિષેકના વિધિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ 1603 પછી અને છેક વીસમી સદીમાં રાણી એલિઝાબેથ-બીજાના 1953માં થયેલ રાજ્યાભિષેકના વિધિની કેટલીક ઔપચારિકતાઓમાં સામાન્ય ફેરફારો જ કરવામાં આવ્યા હતા, જે ઇંગ્લડની રૂઢિચુસ્તતાનો એક દાખલો ગણાય.

યુરોપના અન્ય દેશો, જ્યાં એક યા બીજા સ્વરૂપે રાજાશાહી હજુ સુધી ટકી રહી છે તે દેશોમાં પણ રાજ્યાભિષેકની પ્રથા ચાલુ રાખવામાં આવી છે. આવા દેશોમાં સ્વીડન, નૉર્વે અને હોલૅન્ડનો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે