રાજ્યશ્રી (જ. આશરે ઈ. સ. 590) : થાણેશ્વરના રાજા પ્રભાકરવર્ધનની પુત્રી અને સમ્રાટ હર્ષની બહેન. તેનાં લગ્ન કનોજના મૌખરિવંશના શાસક ગ્રહવર્મા સાથે થયેલાં. લગ્નસમયે તે માત્ર 12-13 વર્ષની હતી તો ગ્રહવર્મા આધેડ વયના હતા. સ્પષ્ટતયા આ એક રાજકીય લગ્ન-સંબંધ હતો. આનાથી થાણેશ્વર અને કનોજ વચ્ચે મૈત્રી સ્થપાઈ. ભારતનાં આ બંને શક્તિશાળી રાજ્યોનો આ પ્રકારનો સંબંધ ગુપ્ત રાજાઓને પસંદ ન પડ્યો, કેમ કે બંને વચ્ચે લાંબા સમયથી શત્રુતા હતી. આથી માળવાના રાજા દેવગુપ્ત અને ગૌડ દેશના શાસક શશાંકે (જે સ્વયં ગુપ્તવંશનો હતો ને પાટલિપુત્રના ગુપ્ત સમ્રાટના મહાસામન્ત તરીકે રાજ્ય કરતો હતો.) મળી કનોજ પર આક્રમણ કર્યું ને મૌખરિ સમ્રાટ ગ્રહવર્માને હણી નાખ્યો; એટલું જ નહિ, રાજ્યશ્રીને બંદી બનાવી કનોજના કારાવાસમાં પૂરી દેવાઈ. આ સમાચાર થાણેશ્વર મળતાં રાજ્યશ્રીના મોટા ભાઈ રાજ્યવર્ધને (દ્વિતીય) તુરત દશ હજારની અશ્વ-સેના લઈ, માલવરાજ દેવગુપ્ત ઉપર આક્રમણ કરી તેને હણી નાખ્યો. તે પછી રાજ્યશ્રીને બંધનમુક્ત કરી દેતાં તે કેટલાક અનુચરો સાથે વિંધ્યાચલનાં જંગલોમાં છુપાઈ ગઈ. આ દરમિયાન રાજ્યવર્ધનની હત્યા થતાં હર્ષે ગાદી સંભાળી ને પોતાની પ્રિય બહેનની શોધમાં તે સ્વયં નીકળી પડ્યો. શોધતાં-શોધતાં એક સમયના મિત્ર બૌદ્ધ આચાર્ય દિવાકર મિત્રના આશ્રમે જઈ પહોંચતાં ત્યાં એક ભિક્ષુએ તેને બાળવયની કોઈ શોકાકુલ સ્ત્રી અગ્નિપ્રવેશ અર્થાત્ સતી થવાની તૈયારી કરી રહ્યાના સમાચાર આપતાં તે (હર્ષ) દિવાકર મિત્ર સાથે તુરત જ ત્યાં જઈ પહોંચ્યો અને જોયું તો તે તેની બહેન રાજ્યશ્રી જ હતી ! બંનેએ તેને સમજાવી, સતી થતાં રોકી, આશ્રમે પાછી આણી. તેમની પાસેથી હર્ષે સઘળી વિગત જાણી. ત્યાંથી તેઓ રાજધાનીએ આવ્યાં. ત્યાં રાજ્યશ્રીએ કાષાય વસ્ત્રો ધારણ કરી ભિક્ષુણી બનવાની ઇચ્છા વ્યક્ત કરી; પણ હર્ષ અને દિવાકર મિત્રે તેને સમજાવી અને પછી હર્ષે શત્રુઓ સામે બદલો લેવાની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ ન કરે ત્યાં સુધી દિવાકર મિત્ર રાજ્યશ્રીની સાથે રહી ધર્મોપદેશ કરે એમ નક્કી કર્યું. આ પછી રાજ્યશ્રી નિ:સંતાન હોઈ કનોજના મંત્રીઓના આગ્રહથી તે રાજ્યને પણ હર્ષે પોતાના રાજ્યમાં ભેળવી રાજ્યશ્રી સાથે રહી તે રાજ્યોનું સંચાલન કર્યું. રાજ્યશ્રી ચતુર-હોશિયાર હતી. હર્ષવર્ધન પણ રાજકાજમાં અવારનવાર તેની સલાહ લેતો હતો.

હસમુખ વ્યાસ