રાજ્યવર્ધન (દ્વિતીય) (શાસનકાળ : ઈ. સ. 604 – આશરે 606) : પુષ્પભૂતિ વંશના પ્રભાકરવર્ધનનો જ્યેષ્ઠ પુત્ર અને હર્ષવર્ધનનો ભાઈ. ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના પ્રભાકરવર્ધનનાં યશોમતી રાણીથી થયેલ ત્રણ સંતાન તે રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને પુત્રી રાજ્યશ્રી. ઉત્તરાધિકારી રાજ્યવર્ધન(જન્મ આશરે ઈ. સ. 586માં)ને પ્રારંભથી જ સંસાર તરફ વિરક્તિ હતી. તેના યુવરાજકાળ દરમિયાન મહત્ત્વની બે ઘટના ઘટી : બહેન રાજ્યશ્રીનાં લગ્ન અને હૂણો સાથેનો સંઘર્ષ. હૂણો સાથેના ચડાઈ-અભિયાનમાં જ્યારે તે ઉત્તરાપથમાં હતો ત્યારે પિતા(મહારાજ)ની ગંભીર માંદગીના સમાચાર મળતાં તે શીઘ્ર ગતિએ પરત આવવા છતાં પિતાના અવસાન ને તેમની ઉત્તરક્રિયા પણ સમાપ્ત થઈ ગયા બાદ રાજધાની પહોંચી શક્યો. પ્રારંભથી જ વિરક્ત રાજ્યવર્ધને હવે રાજ્યગાદી અનુજ હર્ષને સોંપી સંન્યાસ ગ્રહણ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. એ દરમિયાન એકાએક બહેન રાજ્યશ્રીના સંવાહક નામના દૂતે પ્રવેશી માલવરાજ દેવગુપ્તે ગ્રહવર્મા(રાજ્યશ્રીના પતિ)ને હણી રાજ્યશ્રીને કેદ કરી કનોજના કારાવાસમાં પૂરી દીધાના દુ:ખદ સમાચાર આપતાં તેમનો નિવૃત્તિભાવ તુરત નષ્ટ થઈ ગયો ને હર્ષને રાજધાનીમાં રહી વ્યવસ્થા સંભાળવાની સૂચના આપી સ્વયં દશ હજારની અશ્વસેના લઈ માલવરાજ પર આક્રમણ કરવા કૂચ કરી. આ આક્રમણ દરમિયાન તેમણે માલવરાજને મારી વિજય મેળવ્યો. આ પછીથી રાજધાની પરત આવી ઉત્તરાધિકારી તરીકે ગાદી સંભાળી સુચારુ ઢંગથી શાસન ચલાવવું શરૂ કર્યું, ત્યાં ગૌડરાજ શશાંકે દૂત મોકલી તેને પોતાની પુત્રી પરણાવવાનું પ્રલોભન આપી શિબિરમાં આમંત્રિત કર્યો. જ્યારે તે અનુચરો સાથે ભોજન કરી રહ્યો હતો, ત્યારે જ તેને દગાથી હણી નાખવામાં આવ્યો. બાંસખેડા તામ્રપત્ર લેખમાં તેને ‘પરમસૌગત’ કહેલ છે. બાણભટ્ટે તેમના ‘હર્ષચરિતમ્’માં આ બધી બાબતોનું કાવ્યપ્રચુર વર્ણન કરેલ છે.
હસમુખ વ્યાસ