રાજ્યવર્ધન (પ્રથમ)

January, 2003

રાજ્યવર્ધન (પ્રથમ) (શાસનકાળ ઈ. સ. 549 – આશરે 600) : પુષ્પભૂતિ વંશનો થાણેશ્વરનો બીજો રાજા. હર્ષના બાંસખેડા અને મધુવન તામ્રપત્રો તેમજ સોનપત અને નાલંદા  મુદ્રા-મહોર પરથી થાણેશ્વરના પુષ્પભૂતિ રાજવંશના પ્રારંભિક રાજાઓની જે સૂચિ મળે છે, તેમાં પ્રથમ નામ છે નરવર્ધનનું. આનો ઉત્તરાધિકારી વજ્રિણીદેવીનો પુત્ર, તે રાજ્યવર્ધન (પ્રથમ). અભિલેખોમાં તેને ‘પરમાદિત્યભક્ત’ કહ્યો છે. સામાન્ય રીતે આ વંશ શિવ-ઉપાસક હતો, પણ છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં ખાસ કરીને પશ્ચિમોત્તરમાં સૂર્યપૂજાનો અધિક પ્રચાર હોઈ થાણેશ્વરનો રાજવંશ પણ આનાથી પ્રભાવિત થયો હોય ને વંશપરંપરાગત શિવ-ઉપાસનાના સ્થાને સૂર્ય-ઉપાસના તેણે ગ્રહણ કરી હોય. રાજ્યવર્ધનની ઉપાધિ ‘મહારાજ’ની હતી; જે પૂર્ણ પ્રભૂતાસૂચક ઉપાધિ ન હતી. અર્થાત્ એક સામન્તથી વિશેષ મહત્ત્વનું માત્ર તે પદ ગણાતું. તેમણે હૂણ અથવા ગુપ્તોનું પ્રભુત્વ સ્વીકારેલ. તેના પર મૌખરિઓનું પણ વર્ચસ્ રહ્યાનું મનાય છે. રાણી અપ્સરાદેવીથી ઉત્પન્ન ઉત્તરાધિકારી આદિત્યવર્ધને પણ ‘મહારાજ’ની ઉપાધિ ધારણ કરેલ. તેમના જીવન અને કાર્ય વિશે આથી વિશેષ કંઈ માહિતી પ્રાપ્ત થતી નથી. તે પણ ‘પરમાદિત્યભક્ત’ હતો.

હસમુખ વ્યાસ