રાજા રાધિકારમણ પ્રસાદસિંગ (જ. 1890, સૂર્યપુર, શાહબાદ, બિહાર; અ. 1971) : હિંદીના સાહિત્યકાર. તેમની સર્વપ્રથમ વાર્તા ‘કાનોં મેં કંગન’ પ્રખ્યાત સામયિક ‘ઇન્દુ’માં પ્રગટ થતાવેંત 1913માં તેમને બહોળી ખ્યાતિ સાંપડી. તેઓ જયશંકર પ્રસાદ પરંપરાના લેખક હતા. નવલકથા, ટૂંકી વાર્તા, નાટકો તથા સંસ્મરણો જેવાં તેમનાં તમામ ગદ્ય લખાણોમાં આદર્શવાદ ભારોભાર વણાયેલો જોવા મળે છે. પોતાના સમયના સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક પ્રસંગોથી રંગાયેલું ભાવનાજગત તેમાં ઠેર ઠેર પથરાયેલું છે. ગાંધીજીનો આદર્શવાદ એ તેમની પ્રેરણા છે. હિંદુ-મુસ્લિમ સંઘર્ષ, અસ્પૃશ્યતા, સ્ત્રીઓને થતા અન્યાય જેવા કેટલાક પ્રશ્ર્નોનું નિવારણ કરવા તેમણે સતત મથામણ કરી છે.
તેમનું કથાજગત વિશાળ છે અને તેમાં સમાજના તમામ વર્ગો તથા સ્તરોનાં પાત્રોની બહુવિધતા જોવા મળે છે. અલબત્ત, કેટલાંક પાત્રો ગુણ-દુર્ગુણના પ્રતિનિધિરૂપ લાગે છે. તેમની મોટાભાગની કૃતિઓમાં દુર્ગુણ અને અન્યાય પર સદગુણ અને ન્યાયનો વિજય થતો હોય છે. અલબત્ત, તેમની ઉત્તરકાલીન કૃતિઓમાં તેઓ વાસ્તવલક્ષી અભિગમ અને વિશેષ વેધક જાગરુકતા અપનાવે છે. મનોવિશ્ર્લેષણના અભ્યાસી ન હોવા છતાં, તેઓ પોતાનાં પાત્રોના ચિત્તભાવોનું વેધક અવગાહન કરી શક્યા છે. તેમનાં પાત્રો આદર્શવાદી છતાં ઘણા વાસ્તવિક મનુષ્યનાં લક્ષણોથી અંકિત છે.
1963માં તેમને ‘પદ્મભૂષણ’નું સન્માન અપાયું હતું. અખિલ ભારતીય હિંદી સાહિત્ય સંમેલને 1970માં તેમનું ‘સાહિત્ય- વાચસ્પતિ’ની માનાર્હ ઉપાધિ વડે સન્માન કર્યું હતું. 1969માં મગધ યુનિવર્સિટીએ ડી. લિટ્.ની માનાર્હ ડિગ્રી તેમને આપી હતી.
‘ગલ્પ કુસુમાંજલિ’ (1911-12), ‘ગાંધી ટોપી’ (1938) એ ટૂંકી વાર્તાના સંગ્રહો તથા ‘રામ-રહીમ’ (1936), ‘પુરુષ ઔર નારી’ (1939), ‘સુરદાસ’ (1942), ‘ચુંબન ઔર ચાંટા’ (1957) એ નવલકથાઓ તથા ‘ટૂટા તારા’ એ સંસ્મરણો તેમની મુખ્ય કૃતિઓ છે.
મહેશ ચોકસી