રાજારામ (જ. 1664; અ. 2 માર્ચ 1700, સિંહગઢ) : ભોંસલે કુટુંબના છત્રપતિ શિવાજી અને સોયરાબાઈનો પુત્ર. શિવાજીનું મૃત્યુ થતાં (એપ્રિલ 1680) માતા સોયરાબાઈની મદદથી નાની ઉંમરમાં જ તેને ગાદી મળી હતી. શિવાજીનો તેમની બીજી પત્ની સઈબાઈથી થયેલો પુત્ર શંભાજી તેમનો જ્યેષ્ઠ પુત્ર અને ગાદીનો વારસદાર હતો; પરંતુ તે કેફી પદાર્થો લેનાર અને વ્યભિચારી હોવાથી શિવાજીએ જ તેને પન્હાળાના કિલ્લામાં નજરકેદ રાખ્યો હતો; પરંતુ પિતાના મૃત્યુના સમાચાર મળતાં તે બહાર આવ્યો અને કારભારીઓ, સેનાપતિઓ અને સૈનિકો તરફદાર બનતાં રાયગઢ ઉપર કબજો જમાવ્યો. રાજા બની બેઠેલા રાજારામ અને તેની માતા સોયરાબાઈને કેદ કર્યાં. રાયગઢમાં જ તેનો રાજ્યાભિષેક થતાં (20 જુલાઈ 1680) રાજારામની પ્રથમ કારકિર્દીનો માત્ર ત્રણેક માસમાં જ અંત આવ્યો.

શિવાજીના અનુગામી તરીકે શંભાજીએ નવ વર્ષ (1680-89) સત્તા ભોગવી. દરમિયાન મુઘલ બાદશાહ ઔરંગઝેબ મરાઠા રાજ્યને ખતમ કરવા જાતે જ દખ્ખણમાં આવ્યો અને તેની સામેના સંઘર્ષમાં શંભાજી ટકી શક્યો નહિ. તે હાર્યો, કેદ પકડાયો અને તેનો વધ કરવામાં આવ્યો (1689).

શંભાજીનો વધ થતાં રાજારામ ફરી સત્તા ઉપર આવ્યો અને છત્રપતિ બન્યો (1689-1700). બીજી વખત સત્તા મેળવવામાં તેની પત્ની તારાબાઈનો તેને સાથ મળ્યો હતો. શંભાજીનો યેસુબાઈથી થયેલો પુત્ર એટલે રાજારામનો ભત્રીજો શાહુ ગાદીનો દાવેદાર હતો, પરંતુ તેને અને તેની માતા યેસુબાઈને તેમજ તેમના તરફદારોને પકડીને ઔરંગઝેબને સોંપવામાં આવ્યાં હતાં. સત્તાપ્રાપ્તિ પછી તરત જ મુઘલ-મરાઠા સંઘર્ષ ચાલુ રહ્યો હતો. તેમના રાજાના ક્રૂરતાપૂર્વક થયેલા વધથી મરાઠા પ્રજા જાગ્રત બની અને પોતાના વિસ્તારોમાંથી મુઘલોને ખસેડવા કટિબદ્ધ બની. સ્વાતંત્ર્ય માટેનો આ સંઘર્ષ પચીસ વર્ષ ચાલ્યો. અંતે મરાઠા વિજયી બન્યા, પણ શિવાજીએ મેળવેલું અને જાળવેલું મરાઠા રાજ્ય વેરવિખેર થઈ ગયું.

રાજારામે તેના છત્રપતિપદના કાળ દરમિયાન તેના પિતાના કારભારની નીતિ ચાલુ રાખી હતી, પરંતુ પિતાના જેવી પ્રતિભા તેનામાં નહોતી. પિતાએ શરૂ કરેલી ‘સરંજામી પ્રથા’ તેણે ચાલુ રાખી. રાજ્યવહીવટની ધુરા પ્રથમથી જ તેણે બ્રાહ્મણ અધિકારીઓને સોંપી દીધી હતી, જેઓ ‘પ્રતિનિધિ અને અમાત્યોનાં પદ’ ભોગવતા હતા. પરિણામે રાજારામે એક શાસક અને સેનાનાયક તરીકેનું મહત્ત્વ ગુમાવી દીધું હતું. અધિકારીઓ કપરી જવાબદારી ઉઠાવતા : મુઘલોનાં આક્રમણો ખાળવાં, આંતરિક બળવાખોરોને ડામવા અને કારભાર સંભાળવો. તેમાં પણ અયોગ્ય પ્રધાનો છત્રપતિને દિલથી વફાદાર નહોતા રહ્યા. તેમની વફાદારી મેળવવા તેમને જાગીરો અપાતી યા તેમનાં સગાંઓને અન્ય લાભો અપાતા. ક્યારેક તો એવી જાગીરો અપાતી જે ખરેખર દુશ્મનના કબજામાં હોય. મેળવનારે સ્વપ્રયત્ને તે હાંસલ કરી લેવી પડતી, પરિણામે એવી જાગીરો મેળવવામાં અધિકારીઓને રસ ન રહ્યો. રાજ્યની આવક પણ ઘટતી ગઈ હતી. મરાઠા રાજાશાહી પતનોન્મુખ બની ગઈ હતી અને માત્ર અધિકારીઓ, સેનાપતિઓની દયા પર જ નભી રહી હતી. રાજારામે ખંડેરાવ દાભાડેને બાગલાણમાંથી ચોથ અને સરદેશમુખી ઉઘરાવવા નીમ્યો હતો. તેણે સૂરત જિલ્લામાંથી પણ ચોથ ઉઘરાવી હતી. પિતાની જેમ તેણે પણ સૂરત લૂંટવાની યોજના ઘડી હતી (1699), પરંતુ સિંહગઢ નજીક મુઘલ લશ્કરે તેને અટકાવ્યો હતો. તેના સમયમાં મુઘલોએ સેનાપતિ ઝુલ્ફિકારખાનની આગેવાની હેઠળ રાજધાની રાયગઢને ઘેરો ઘાલ્યો. રાજારામને સલામતી વાસ્તે કુટુંબ સહિત રાયગઢ છોડવું પડ્યું. તે પછી મરાઠા સરદારોએ ગેરીલા પદ્ધતિ દ્વારા મુઘલોને હંફાવ્યા. રાયગઢ જીતવાની મુઘલોની યોજના નિષ્ફળ ગઈ; પરંતુ દરવાજાના અધિકારી સૂર્યાજીએ જાગીરની લાલચથી દરવાજો ખોલી દેવાથી રાયગઢનું પતન થયું (નવેમ્બર 1689). તે પછી રાજારામે કર્ણાટકમાં આવેલા જિન્જીના કિલ્લામાં રાજધાની રાખી. મુઘલોએ 1690માં જિન્જીના કિલ્લાને પણ ઘેરો ઘાલ્યો. મરાઠાઓએ ઓચિંતા હુમલા કરી તેને ઘેરી લીધો. છેવટે રાજારામે તેની પાસેથી મોટી રકમનો દંડ લઈને જવા દીધો. રાજારામના સરદાર સંતાજીએ કેટલાક વિજયો મેળવ્યા બાદ, બળવો કરવાથી રાજારામે તેને સેનાપતિપદેથી પદભ્રષ્ટ કર્યો. તે પછી 1698માં જિન્જીના પ્રખ્યાત કિલ્લાનું પતન થયું. ત્યારબાદ રાજારામે સાતારા જઈ ત્યાંથી વહીવટ કરવા માંડ્યો. સાતારા નવી રાજધાની બન્યું. રાજારામે મરાઠાઓને પુન: સંગઠિત કરવા મહારાષ્ટ્રમાં વારંવાર પ્રવાસ ખેડ્યો. સતત રઝળપાટને કારણે તે બીમાર પડ્યો અને યુવાન વયે અવસાન પામ્યો.

મોહન વ. મેઘાણી