રાજા, ભલીન્દ્રસિંઘ

January, 2003

રાજા, ભલીન્દ્રસિંઘ : ભારતમાં ઑલિમ્પિક ચળવળને પ્રોત્સાહન આપનાર તથા રમતગમતના સફળ આયોજક. 1960માં તેઓ ભારતીય ઑલિમ્પિક સંઘ(Indian Olympic Association)ના પ્રમુખ ચૂંટાયા હતા અને વર્ષો સુધી પ્રમુખ તરીકે તેમણે ભારતમાં ઑલિમ્પિક રમતોત્સવ પ્રતિ સદ્ભાવના જાગ્રત થાય તે માટેના પ્રયત્નો કર્યા હતા. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ‘ઑલિમ્પિક ભાવના’ વિકસાવવાના ફળસ્વરૂપે તેમની આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ(International Olympic Committee)માં ભારતના પ્રતિનિધિ તરીકે પસંદગી કરવામાં આવી હતી. વિશ્વમાં ઑલિમ્પિક રમતોત્સવનું સમગ્ર આયોજન અને સંચાલન આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ કરે છે. આ સંપૂર્ણપણે બિનરાજકીય સંસ્થા છે. તેમાં ઑલિમ્પિક ભાવનાના વિકાસમાં સતત નિષ્પક્ષ સેવા કરનાર લોકોની જ સભ્ય તરીકે પસંદગી થાય છે. એ રીતે રાજા ભલીન્દ્રસિંઘની પસંદગી થવાથી ફક્ત તેમને જ નહિ, પરંતુ ભારતને પણ સંમાન મળ્યું હતું. તેઓ 1947થી 1992 સુધી આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના સભ્ય રહ્યા હતા. એટલાં વર્ષો સુધી સભ્યપદ ટકાવી રાખવું એ કોઈ નાની સિદ્ધિ નહોતી. 16 જુલાઈ 2001ના રોજ મૉસ્કો મુકામે થયેલ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની મીટિંગમાં રાજા ભલીન્દ્રસિંઘના સુપુત્ર રણધીરસિંઘની ભારતના પ્રતિનિધિ તરીકે પસંદગી થઈ હતી. આ રીતે પિતા તેમજ પુત્રની પસંદગી આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિમાં સભ્ય તરીકે થઈ હોય તેવી આ ફક્ત ભારતની જ નહિ, પરંતુ વિશ્વ રમતગમતનીયે એક વિશેષ ઘટના છે.

ભારતીય ઑલિમ્પિક સંઘના પ્રમુખ તરીકે તેમણે ભારતમાં રમતગમતના વિકાસ માટે તનતોડ મહેનત કરી હતી. ભારતીય ઑલિમ્પિક સંઘના નેજા હેઠળ તેમણે કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું સફળ આયોજન પણ કર્યું હતું. ઑલિમ્પિક રમતોત્સવમાં જે ભારતીય ટુકડી ભાગ લેવા જાય છે તેની પસંદગીમાં ભારતીય ઑલિમ્પિક સંઘની મુખ્ય ભૂમિકા હોય છે. એટલે આ સંઘના પ્રમુખ તરીકે રાજા ભલીન્દ્રસિંઘે આ ભૂમિકા પણ ખૂબ જ સારી રીતે નિભાવી હતી અને ઑલિમ્પિક રમતોત્સવમાં ભારતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેવા માટે જાય તેવા તેમના સતત પ્રયત્નો રહ્યા હતા. આ રીતે ભારતમાં તથા વિશ્વમાં ઑલિમ્પિક ભાવનાના વિકાસમાં રાજા ભલીન્દ્રસિંઘનો ફાળો નોંધપાત્ર છે.

પ્રભુદયાલ શર્મા