રાજાધિરાજ-1 (શાસનકાળ 1018-1052) : દક્ષિણ ભારતના ચોલ વંશનો રાજા. ઈ. સ. 1018માં તેને તેના પિતા રાજેન્દ્ર પહેલા સાથે સંયુક્ત રાજા બનાવવામાં આવ્યો હતો. તેણે 1044થી 1052 સુધી સ્વતંત્ર શાસન કર્યું હતું. 104344માં ચોલ વંશના રાજાધિરાજે મોટા લશ્કર સાથે દખ્ખણમાં આવેલા ચાલુક્યોના રાજ્ય પર આક્રમણ કર્યું. ચાલુક્યોના સામંત વિરછય અથવા બાચ્ચરસે પુંડી નજીક તેનો સખત સામનો કર્યો અને રાજાધિરાજને ત્યાંથી નાસી છૂટવાની ફરજ પડી. તેણે 1044માં અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. તે પછી ચોલ રાજાના લશ્કરે ચાલુક્ય રાજ્ય પર હુમલા ચાલુ રાખ્યા. રાજાધિરાજે ચાલુક્યોના પાટનગર કલ્યાણ તરફ વિજયકૂચ કરી. ત્યાં આગળ લૂંટ કરીને તેનો રાજમહેલ બાળી નાખ્યો. તેણે આ વિજયનો ઉત્સવ ઊજવ્યા બાદ પોતે ‘વિજયરાજેન્દ્ર’નો ખિતાબ ધારણ કર્યો. 1047ના અરસામાં રાજાધિરાજે ફરી વાર ચાલુક્ય વંશના દખ્ખણના રાજા સોમેશ્વર પહેલાના રાજ્ય પર ચડાઈ કરી. તેણે ચાલુક્ય સેનાપતિઓને હરાવ્યા તથા કામ્પીલી કબજે કરી લીધું. ચોલ રાજાના આવા હુમલાના ફલસ્વરૂપે દખ્ખણના લોકોનું સામાન્ય જીવન પણ વારંવાર મુશ્કેલીમાં મુકાતું હતું. ત્યારબાદ બનવાસીના સૂબા ચામુંડરાજે એ જ વર્ષે ચોલોને ત્યાંથી હાંકી કાઢ્યા હતા.

ઈ. સ. 1051-52માં રાજાધિરાજે દખ્ખણમાં સોમેશ્વર પહેલાના ચાલુક્ય રાજ્ય પર ત્રીજી વાર એકાએક આક્રમણ કર્યું. તેણે કોલ્લાપુરમ્ કબજે કર્યું. ઘણાં જૈન દેરાસરો બાળ્યાં તથા જૈન આશ્રયસ્થાનોને નુકસાન કર્યું. સોમેશ્વરે આ દરમિયાન આવશ્યક તૈયારી કર્યા બાદ, બહાદુરીપૂર્વક તેનો સખત સામનો કરી, તેને આગળ વધતો રોક્યો, તેને પાછા ફરવાની ફરજ પાડી તથા તેનો પીછો પકડ્યો. ત્યારબાદ ચાલુક્યો તથા ચોલો વચ્ચે કોપ્પમ નજીક ખૂનખાર જંગ ખેલાયો. આ દરમિયાન સોમેશ્વર પહેલાએ હાથીની પીઠ પર બેસીને લડતા ચોલ વંશના રાજાધિરાજને જીવલેણ ઘા માર્યો અને મારી નાખ્યો. રાજાધિરાજના વંશજોના શિલાલેખોમાં તેનો ‘અનાઈમેરુન્જિના’ અર્થાત્ ‘હાથીની પીઠ ઉપર મૃત્યુ પામનાર’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજાધિરાજના સ્વતંત્ર શાસનકાળ દરમિયાન શ્રીલંકા દ્વારા પજવણી ચાલુ રાખવામાં આવી હતી. તે પજવણી દૂર કરવા વાસ્તે સખત પગલાં ભરવામાં આવ્યાં હતાં. તેમાં શ્રીલંકાની રાજમાતાનું નાક કાપવાનો સમાવેશ થતો હતો. આવાં સખત પગલાં દ્વારા શ્રીલંકામાં ચોલ રાજાની સત્તા જાળવી રાખવામાં આવી હતી.

પુદુચેરીની પાસે આવેલા ત્રિભુવનીમાંથી 1048ની સાલનો શિલાલેખ મળી આવ્યો છે. તેમાં એક વૈદિક કૉલેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની કાયમી આવક માટે 72 વેલી જમીન આપવામાં આવી હતી. તે કૉલેજમાં 260 વિદ્યાર્થીઓ તથા 12 અધ્યાપકો હતા, જે ત્યાં જ રહેતા હતા.

જયકુમાર ર. શુક્લ