રાજા દિનકર કેળકર મ્યુઝિયમ

January, 2003

રાજા દિનકર કેળકર મ્યુઝિયમ : ભારતનું એક પ્રેરણાદાયી સંગ્રહસ્થાન. આ મ્યુઝિયમમાં ભારતીય કલાને વરેલા સ્વ. દિનકર કેળકરનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. તેમણે 60 વર્ષ સુધી અવિરત પ્રવાસ ખેડીને ભારતનાં અતિ અંતરિયાળ ગામો અને નગરોમાંથી કલાત્મક ચીજવસ્તુઓ ખરીદી લાવી મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં તેનો સંગ્રહ કર્યો હતો. તેમના સંગ્રહની એકેએક ચીજવસ્તુ તેમની ધીરજ અને કલારસિક મનોવૃત્તિની દ્યોતક છે. એથી કલાત્મક નમૂનાઓનાં અભ્યાસ અને સુરક્ષિતતાના સંબંધમાં તેમનું પ્રદાન દંતકથારૂપ બની ગયું છે.

આ સંગ્રહસ્થાનમાં મુખ્યત્વે રોજિંદા જીવનની કલાના નમૂનાઓ સંગ્રહવામાં આવ્યા છે, જેમ કે ગામડાના જમીનદાર, ખેડૂતવર્ગ, વેપારી અને દુકાનદારોના ઘર-વપરાશની દીવીઓ, ફાનસો, ચીમનીઓ, ઘડા વગેરે વાસણો, હુકો, સૂડા-સૂડીઓ, પેનસ્ટૅન્ડો જેવી વસ્તુઓ. આવી વસ્તુઓની કામગીરી કે ઉપયોગની બાબતો પણ દર્શાવવામાં આવી છે. વળી વપરાશની સાદી ચીજો પર સુશોભન અને ડિઝાઇન અંગે કલાકારનો હાથ ફરવાથી તે નમૂના કેવા અનન્ય બની રહ્યા છે, તેનો અહીં સચોટ રીતે ખ્યાલ મળે છે.

કાષ્ઠકોતરણીના વિભાગમાં રાજસ્થાન, ગુજરાત અને દક્ષિણ ભારતમાંથી મેળવેલ ભાતીગળ બારણાં છે. એ બારણાં પર આડી સાખ તથા અંદરના ભાગે ખૂલે એવું પ્રવેશદ્વાર હોય છે. સાખ પર દેવીની આકૃતિ કોતરેલી જણાય છે. કેટલાંકમાં ગણેશ અને લક્ષ્મીની મૂર્તિઓ પણ કોતરવામાં આવેલ હોય છે. થાંભલાઓ પર પણ ભાતભાતની કોતરણી જોવા મળે છે.

વિવિધ કદનાં તાળાં તથા કૂંચીઓના આકાર પણ જોવા જેવા હોય છે. તાળાં-કૂંચીઓમાં કૂતરા, ઘોડા, વીંછીના આકારો ઘડીને જુદી જુદી કળો સાથેની ટેકનિક પ્રદર્શિત કરાઈ હોય છે. એ જ રીતે વૈવિધ્યસભર સૂડીઓ અને સૂડાઓનો સંગ્રહ પણ આકર્ષક છે. તેના પર જુદા જુદા આકાર અને કદ ઉપરાંત દેવદેવીઓ, મિલનરત યુગલોની તથા ઘોડેસવારો વગેરેની ડિઝાઇનો જોવા મળે છે. જાતજાતની કોતરણીવાળી પાનદાનીઓ પણ ત્યાં છે. લટકતાં ઝુમ્મરમાં મૂકવાના તેલ-દીવા, આંગણામાં લટકાવવાના દીવા તેમજ દેવદેવીની આરતીનાં વૈવિધ્ય-સભર સાધનો ધ્યાનાકર્ષક છે.

આ સંગ્રહસ્થાનમાં ભારતીય કાપડના નમૂનાઓ, પપેટકલા, સંગીતનાં અનેકવિધ વાદ્યો તેમજ અન્ય સાધનો પ્રદર્શિત કરાયાં છે. મહારાષ્ટ્રની ચિત્રકથાઓનો સંગ્રહ રસપ્રદ છે. ગ્રામીણ કથાકારો દ્વારા ગીત-સંગીત સાથે મહાભારત અને રામાયણની કથા કરતી વેળા વપરાતા સુશોભનો(ચિત્રો)વાળા વીંટા મહત્વના છે. આ ચિત્ર-કથાઓમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશનાં પપેટોની પરંપરા પણ ખાસ ધ્યાન ખેંચે છે.

બળદેવભાઈ કનીજિયા