રાજપીપળા : નર્મદા જિલ્લાનું વડું વહીવટી મથક, તાલુકામથક, મહત્વનું નગર અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 21° 50´ ઉ. અ. અને 73° 32´ પૂ. રે.. રાજપીપળાના રાજવીનો દરબારગઢ એક પીપળાના વૃક્ષની નજીક હતો, તેથી તે ‘રાજના પીપળા’ તરીકે ઓળખાતો થયેલો; કાળક્રમે તેના પરથી આ સ્થળનું નામ રાજપીપળા રૂઢ થઈ ગયું હોવાનું જણાય છે; પરંતુ તે અગાઉ ‘નાંદીપુર’, ‘નાંદીપુરી’, ‘નંદપુર’, ‘નંદપ્રદ’ જેવાં નામો તેને માટે પ્રચલિત હતાં. આજે તે ‘નાંદોદ’ નામથી પણ ઓળખાય છે. 2001ની વસ્તીગણતરી મુજબ નર્મદા જિલ્લાની વસ્તી 5,14,083 જેટલી છે. 1991ની વસ્તીગણતરી મુજબ રાજપીપળા નગરની વસ્તી 33,113 જેટલી છે.
રાજપીપળાના ઈશાન અને નૈર્ઋત્ય ભાગો ટેકરીઓ અને તેમના તળેટી પ્રદેશથી બનેલા છે. અહીંની જમીનો બેસાલ્ટ ખડકોના ઘસારાની પેદાશ છે. ડુંગરોનો ઢાળવાળો ઉચ્ચપ્રદેશ અને તળેટીનાં મેદાનો ખેતીલાયક છે. ધોવાણની અસરને કારણે જમીનો છીછરા આવરણવાળી, પથરાળ અને પ્રમાણમાં ઓછી ફળદ્રૂપ છે. જમીનોેમાં જરૂરી નાઇટ્રેટ, પૉટાશ અને ફૉસ્ફેટનું પ્રમાણ ઓછું છે. આ વિસ્તાર સમુદ્રથી દૂર આવેલો હોવાથી આબોહવા વિષમ રહે છે. અહીંનું જુલાઈનું સરેરાશ તાપમાન 40°થી 42° સે. જેટલું રહે છે. જાન્યુઆરીનું દિવસ અને રાત્રિનું સરેરાશ તાપમાન અનુક્રમે 28° સે. અને 12° સે. જેટલું રહે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન અહીં સરેરાશ 983 મિમી. જેટલો વરસાદ પડે છે. નર્મદા નદી રાજપીપળાની ઉત્તરમાંથી પસાર થાય છે. નર્મદાની સહાયક નદી કરજણને કાંઠે તે વસેલું છે.
ખાણકાર્ય : રાજપીપળાના આજુબાજુના વિસ્તારમાંથી અકીક, બેન્ટોનાઇટ, ડૉલોમાઇટ, બેસાલ્ટ, લિગ્નાઇટ અને ચિરોડી અને ચૂનાખડકો મળે છે.
વનસ્પતિ-જીવન : અહીં ભેજવાળાં પાનખર અને સૂકાં પાનખર જંગલો આવેલાં છે. આ જંગલોમાં સાગ, સાદડ, સીસમ, શીમળો, કાકડ, મોદડ, તણછ, બિયો, બહેડાં, આમળાં, ટીમરુ, ખેર, ખાખરો, વાંસ, લીમડો અને બોરડી જેવાં વૃક્ષો જોવા મળે છે. આ ઉપરાંત આયુર્વેદિક ઔષધોમાં વપરાતી હરડે, બહેડાં, અરડૂસી, ગરમાળો, નગોડ, કડાયો, કુંવાડિયો, અઘેડો, આસન, ગળો, ચણોઠી અને મરડાશિંગી જેવી વિવિધ વનૌષધિઓ પણ મળે છે. રાજપીપળા ખાતે તેનું ઉદ્યાન પણ છે. અહીંની આજુબાજુના સમતળ ભાગોમાં આંબા, રાયણ, મહુડા, વડ, પીપળ, પીપળો જેવાં વૃક્ષો પણ જોવા મળે છે.
પ્રાણીઓ : અહીંનાં પાલતુ પ્રાણીઓ પૈકી ગાય, ભેંસ, બળદ અને બકરાં મુખ્ય છે. વન્ય પ્રાણીઓમાં વાઘ, દીપડા, રીંછ, ચીતળ, કાળિયાર, વરુ અને જરખનો સમાવેશ થાય છે. પક્ષીઓમાં મોર, ઘોરાડ, સુરખાબ અને સારસ મુખ્ય છે.
ખેતી : રાજપીપળાની આજુબાજુના પ્રદેશમાં ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રાગી, મગફળી, કપાસ, અડદ, મગ, ચણા, તુવેર અને શેરડીની ખેતી થાય છે. ઉકાઈ બંધ તથા નાની સિંચાઈ યોજના અને કૂવાઓ દ્વારા ખેતરોને પાણી પૂરું પડાય છે. અહીં વરસમાં બે પાક લેવાય છે.
અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી અને પશુપાલન છે. જંગલોમાં કોલસા પાડવાનું કામ, ટીમરુનાં પાન, ગુંદર અને ઔષધિઓ એકત્ર કરવાનું કામ મુખ્યત્વે અહીંના આદિવાસીઓ કરે છે. ખનનકાર્ય દ્વારા થોડા લોકોને રોજી મળી રહે છે. નદીઓ અને મોટાં તળાવો દ્વારા માછલીઓ પકડવાનું કામ પણ થાય છે. નાંદોદ તાલુકામાં કેટલીક ઔદ્યોગિક વસાહતો પણ ઊભી કરવામાં આવી છે. અહીંનું નર્મદા વૅલી કેમિકલ ઇન્ડસ્ટ્રિઝનું કારખાનું ટૅનિન અને કાથાનું ઉત્પાદન કરે છે. હાથવણાટ, ચર્મોદ્યોગ, છાપકામ, સુથારીકામ વગેરે અહીંના પરંપરાગત લઘુઉદ્યોગો છે. જિન-પ્રેસ, તેલમિલ, સાબુ, કોલસા પાડવાના તથા રાચરચીલું બનાવવાના એકમો પણ છે. 63 કિમી. લાંબા અંકલેશ્વર-રાજપીપળા નૅરોગેજ રેલમાર્ગ દ્વારા અહીંના લોકોને અવરજવરની સુવિધા મળે છે. રાજપીપળા તેનું અંતિમ મથક છે. રાજ્ય ધોરી માર્ગથી તે અંકલેશ્વર, ભરૂચ, સૂરત અને વડોદરા સાથે સંકળાયેલું રહે છે. રાજપીપળા ભરૂચથી 63 કિમી. અંતરે આવેલું છે.
અહીં સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા, દેના બૅંક, યુનિયન બૅંક અને જમીન વિકાસ બૅંકની શાખાઓ આવેલી છે. તે ઉદ્યોગ-એકમો, વેપાર, ખેડૂતો તથા જરૂરિયાતવાળાઓને ધિરાણ કરીને પ્રોત્સાહન આપે છે.
રાજપીપળામાં 18 જેટલી પ્રાથમિક-માધ્યમિક શાળાઓ; વિનયન, વિજ્ઞાન અને વાણિજ્યની એક એક કૉલેજ, ગ્રૅજ્યુએટ બેઝિક ટ્રેનિંગ કૉલેજ, ફૉરેસ્ટ રેન્જર માટેની કૉલેજ, બાલમંદિરો અને પુસ્તકાલય તથા આયુર્વેદિક ઔષધિઓનું ઉદ્યાન છે. આ નગર ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય નામે શારીરિક પ્રશિક્ષણની કૉલેજ આવેલી છે.
આ નગરમાં વડિયા અને છત્રવિલાસ મહેલો; લાલ ટાવર; વિવિધ દેવ-દેવીઓ પૈકી હરિસિદ્ધિ માતા, વૈતાલ, સરસ્વતી, શિવ, રામ, પંચમુખી હનુમાન, કાકાબળિયા, જલારામ અને સાંઈબાબાનાં મંદિરો તેમજ જૈન મંદિરો અને મસ્જિદો જોવાલાયક છે. શહેરને ફરતો કોટ તથા ટેકરી પરનો કિલ્લો મધ્યકાલીન છે.
ઈ. સ. 629થી 641ના ગાળા દરમિયાન રાજપીપળા ગુર્જરોની રાજધાનીનું સ્થળ હતું. ગુર્જરો પછી અહીં પરમાર વંશની સત્તા હતી. છેલ્લો પરમાર રાજા અપુત્ર હોવાથી તેણે મોખડાજી ગોહિલના પુત્ર અને પોતાના ભાણેજ સમરસિંહને દત્તક લીધેલો. ગોહિલ વંશનો આ રાજા અર્જુનસિંહ નામ ધારણ કરીને રાજપીપળાની ગાદીએ બેઠો હતો. ગુજરાતના સુલતાનો સાથે તેને અનેક વાર લડાઈઓ કરવી પડેલી. રાજપીપળાનું આ ભૂતપૂર્વ દેશી રાજ્ય પ્રથમ વર્ગનું રાજ્ય ગણાતું હતું. તેનું ક્ષેત્રફળ 1,518 ચોકિમી. જેટલું હતું અને 1941માં તેની વસ્તી આશરે 2.50 લાખ જેટલી હતી.
શિવપ્રસાદ રાજગોર