રાજપીપળા (દેશી રાજ્ય) : ભારત સ્વતંત્ર થતા પહેલાં દક્ષિણ ગુજરાતમાં આવેલું દેશી રાજ્ય. પ્રાચીન કાળમાં નાંદીપુર અને ત્યારબાદ નાંદોદ તરીકે જાણીતું હાલનું રાજપીપળા પાટણ કરતાં પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી (ઈ. સ. પાંચમી સદી) ભરૂચના ગુર્જર રાજાઓએ નાંદીપુરનો પ્રદેશ જીતી લીધો હતો. લાટમાં ગુર્જરો તથા ચાલુક્યોના તામ્રપત્રોમાં તેમની રાજધાની તરીકે નાંદીપુરનો ઉલ્લેખ થયો છે. શરૂઆતનાં દાનશાસન મહારાજ દદ્દ પ્રશાન્તરાગનાં છે. તેમાં તેના પૂર્વજો તરીકે તેના પિતામહ સામંત દદ્દનાં અને પિતા તરીકે જયભટ વીતરાગનાં પરાક્રમો વર્ણવ્યાં છે. આ સામંત દદ્દ ગુર્જર દેશ(હાલનું ગુજરાત નહિ, પરંતુ દક્ષિણ રાજસ્થાનમાં હાલના ભીનમાલ)ના પ્રતીહાર વંશના રાજા હરિશ્ર્ચંદ્રનો સૌથી નાનો પુત્ર હતો. સામંત દદ્દ ઈ. સ. 570થી 595ના અરસામાં શાસન કરતો હતો. આ વંશના પ્રતાપી રાજા દદ્દ બીજા(ઈ. સ. 629-642)નાં પાંચ દાનશાસન મળ્યાં છે. તેનું બીજું નામ પ્રશાંતરાગ હતું. તેનાં બે દાનશાસન અક્રૂરેશ્વર વિષય(અંકલેશ્વર જિલ્લા)ને લગતાં છે. તેમાં તેનું પાટનગર નાંદીપુર દર્શાવ્યું છે. એના પુત્ર જયભટ બીજાના પુત્ર દદ્દ ત્રીજાએ વલભીના મૈત્રક વંશના રાજા પાસેથી ભરૂચનો પ્રદેશ જીતીને ઈ. સ. 677માં ભૂમિદાન આપ્યું. તેણે રાજધાની નાંદીપુરથી બદલીને ભરુકચ્છ(ભરૂચ)માં રાખી. ત્યારબાદ આ વંશમાં જયભટ 3જો, અહિરોલ તથા જયભટ 4થો રાજાઓ થઈ ગયા. નાંદીપુર આ રાજ્યનો એક વિષય (જિલ્લો) હતો. આ વંશના દાનશાસનમાં જણાવેલું નાંદીપુર એ જ નાંદોદ હોવાની પ્રતીતિ થાય છે. આ ગુર્જરવંશની સત્તા ઈ. સ. 736 બાદ થોડાં વર્ષમાં નાશ પામી. ઈ. સ. 788થી 967 સુધી સમસ્ત લાટમાં દખ્ખણના રાષ્ટ્રકૂટોની સત્તા પ્રવર્તી. આ રાજ્યમાં નાંદોદ પ્રદેશનો સમાવેશ થયો હશે એ નિશ્ચિત છે. રાષ્ટ્રકૂટોની સત્તા અસ્ત પામતાં લાટ દેશમાં ચાલુક્ય (સોલંકી) રાજાઓની સત્તા પ્રવર્તી. માળવાનરેશ બલ્લાલ અને અજમેરનો રાજા ગુજરાત ઉપર ચડાઈ કરવા નીકળ્યા, ત્યારે સોલંકી રાજા કુમારપાળે નાંદીપુરના સૈન્યને બલ્લાલ સામે મોકલ્યું હતું. આમ કુમારપાળના સમય(ઈ. સ. 1143-1172)માં અહીં સોલંકીઓનું રાજ્ય હતું. સોલંકી રાજા ભીમદેવ બીજાના સમય(1178-1242)માં નાંદોદ પ્રદેશ પર વૈજવાપાયન રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. આ વંશમાં ચાચિગદેવ, સોયલદેવ અને જેસલદેવ નામે રાજા થયા. તે પછીના વંશ વિશે માહિતી મળતી નથી.

મોખડાજી ગોહિલ નામના સરદારે તેરમી સદીના અંતે સૌરાષ્ટ્રના ઘોઘામાં રાજ્ય સ્થાપ્યું હતું. તેની બે રાણીઓમાંની એક રાજપીપળાના પરમાર રાજાની દીકરી હતી. તેનો પુત્ર સમરસિંહજી પોતાના અપુત્ર મામાના વારસદાર તરીકે રાજપીપળાનો રાજા બન્યો. આમ ચૌદમી સદીમાં રાજપીપળાની ગાદી પરમારમાંથી ગોહિલ વંશમાં આવી. સમરસિંહના બે પુત્રો ઉગ્રસેન અને ભાણસિંહ વહેલા અવસાન પામવાથી ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં ભાણસિંહનો પુત્ર ગેમલસિંહ રાજપીપળાનો રાજા બન્યો.

ગુજરાતના સુલતાન અહમદશાહે રાજપીપળા પર હુમલો કરીને કબજે કરવાથી ગેમલસિંહ 1418માં નાસી ગયો. તેના પુત્ર વિજયપાલે થોડા સમય બાદ રાજપીપળા ફરી જીતી લીધું. એના મૃત્યુ પછી એનો પાટવીકુંવર હરિસિંહ ગાદીએ બેઠો. અહમદશાહે રાજપીપળા પર ફરી હુમલો કર્યો. તેથી ત્યાંના શાસક હરિસિંહ, ઈડરના રાવ પૂંજા, ચાંપાનેરના રાવળ ત્રંબૅંકદાસ અને ઝાલાવાડના છત્રસાલની સંયુક્ત સેનાએ મુસલમાનોનો બહાદુરીથી પ્રતિકાર કર્યો; પરંતુ 1432માં રાજપૂતોનો પરાજય થયો. મુસલમાનોએ નાંદોદ-રાજપીપળામાં લૂંટ કરી. હરિસિંહ જંગલમાં નાસી ગયો અને 1443માં તેણે ફરી વાર રાજપીપળા જીતી લીધું.

મહમૂદશાહ બેગડા(1459-1511)ના રાજ્યકાળ દરમિયાન રાજપીપળા ફરી વાર મુસલમાનોની સર્વોપરિતા હેઠળ ગયું. તેના શાસકોએ નિશ્ચિત ખંડણી પ્રતિવર્ષ આપવી પડતી. મહમૂદ બેગડાના અવસાન પછી રાજપીપળાના શાસકો સ્વતંત્ર થઈ ગયા. સમ્રાટ અકબરના વિજયથી ગુજરાતની સલ્તનતનો અંત આવ્યો (1573) અને ગુજરાતમાં મુઘલ સૂબેદારોનું શાસન શરૂ થયું ત્યારે રાજપીપળામાં ભૈરવસિંહ રાજા હતો. તેની સાથે ઠરાવ્યા મુજબ રાજપીપળાના શાસકોએ મુઘલોને પ્રતિવર્ષ રૂપિયા 35,550ની રકમ ખંડણી પેટે આપવી પડતી, જે ઔરંગઝેબના અવસાન (1707) પછી અનિયમિત થઈ અને આખરે બંધ થઈ ગઈ.

ભૈરવસિંહનું 1583માં અવસાન થયા બાદ પૃથુરાજ રાજપીપળાની ગાદીએ બેઠો. તે સગીર વયનો હોવાથી રાજ્યનું શાસન તેનો દીવાન નાગર બ્રાહ્મણ વચ્છ ત્રવાડી કરતો. તેણે 3,000નું અશ્વદળ અને 7,000નું પાયદળ તૈયાર કરીને લૂંટારુઓનો ત્રાસ દૂર કરી રાજ્યમાં શાંતિ અને સલામતી સ્થાપી. તેથી વેપારનો વિકાસ થયો અને રાજ્યની સમૃદ્ધિ વધી.

ઔરંગઝેબના અવસાન (ઈ. સ. 1707) બાદ ગુજરાતમાં મુઘલ સત્તા નબળી બની તથા ગુજરાતમાં મરાઠાઓની સત્તા પ્રવર્તી. અઢારમી સદીની શરૂઆતમાં વૈરસિંહ પહેલો રાજપીપળાનો રાજા હતો. તેના સમયમાં રાજપીપળા મરાઠાઓની સર્વોપરિતા હેઠળ આવ્યું. વૈરસિંહ પહેલાના મૃત્યુ (1715) બાદ તેનો પુત્ર જીતસિંહ ગાદીએ બેઠો. તેણે મરાઠાઓને હાંકી કાઢ્યા અને રાજધાની રાજપીપળાથી નાંદોદ લઈ ગયો. તેણે તેના અવસાન (1754) પર્યંત રાજ્યનો સારો વહીવટ કર્યો. તેના પુત્ર પ્રતાપસિંહના શાસનકાળમાં વડોદરાના દામાજીરાવ ગાયકવાડે રાજપીપળાનાં ચાર પરગણાં ભાલોદ, ગોવાલી, વરિની તથા નાંદોદની આવકના 50 ટકા પર પોતાનો અધિકાર મેળવ્યો (1763). ત્યારબાદ 1764માં પ્રતાપસિંહના પુત્ર રાયસિંહે તેની ભત્રીજી દામાજીરાવ સાથે પરણાવી. તેથી દામાજીએ ઉપર્યુક્ત ચાર પરગણાંની 50 ટકા આવક જતી કરી, તેને બદલે વાર્ષિક રૂપિયા 40,000 ખંડણી પેટે લેવાનું ઠરાવ્યું. ફતેસિંહ ગાયકવાડે 1781માં રાજ્ય પર ચડાઈ કરી ખંડણીની રકમ વધારીને રૂપિયા 49,000 કરી.

રાયસિંહ પાસેથી 1786માં તેના નાના ભાઈ અજબસિંહે રાજ્ય ઝૂંટવી લીધું. ભાઈઓના કુસંપનો લાભ લઈને 1793માં ગાયકવાડે ખંડણીની રકમ વધારીને રૂપિયા 70,000ની કરી. વળી સાગબારાના ભીલ સરદાર ઉમેદ વસાવાએ બંડ કરી પાંચ ભિલોડી પરગણાં કબજે કરી, ગુજરાત-ખાનદેશનો વેપારી માર્ગ બંધ કરી દેવાથી રાજ્યની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો.

અજબસિંહનું 1803માં અવસાન થતાં, તેના નાના પુત્ર નહારસિંહે સત્તા હસ્તગત કરી; પરંતુ લશ્કરની સહાય વડે મોટા પુત્ર રામસિંહે રાજગાદી મેળવી. પરંતુ તે વિલાસી હોવાથી રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ. તેથી ગાયકવાડે 1805માં રાજપીપળા પર ચડાઈ કરી. રામસિંહે ગાયકવાડને નજરાણા પેટે રૂપિયા દોઢ લાખ તથા વાર્ષિક ખંડણી રૂપિયા 96,000 આપવાનું કબૂલ્યું. રામસિંહ નબળો હોવાથી ગાયકવાડે તેને ગેરલાયક ઠરાવી તેના પુત્ર પ્રતાપસિંહને ગાદીએ બેસાડ્યો. તે પછી રામસિંહ મૃત્યુ પામ્યો. નહારસિંહે રજૂઆત કરી કે પ્રતાપસિંહ રામસિંહનો સાચો પુત્ર નથી. નહારસિંહે પોતાનો દાવો આગળ ધરી પરગણાંઓમાં લૂંટ કરવા માંડી. ગાયકવાડે લવાદી કરી અને પોતાનું વર્ચસ્ જાળવી રાખવા ચુકાદો લંબાવ્યો. તેથી નહારસિંહે બ્રિટિશ સરકાર સમક્ષ પોતાના હક્કની રજૂઆત કરી. નાયબ રેસિડન્ટ વિલોબીનો ચુકાદો નહારસિંહની તરફેણમાં આવ્યો, પરંતુ તે અંધ અને વૃદ્ધ હોવાથી નવેમ્બર, 1821માં તેનો પુત્ર વેરીસાલજી ગાદીએ બેઠો. ગાયકવાડે રાજપીપળા રાજ્ય પરથી પોતાના સર્વે અધિકારો ઉઠાવી લીધા તથા તેના બદલામાં ગાયકવાડને વાર્ષિક રૂ. 65,000 ખંડણી પેટે આપવાનું વેરીસાલે સ્વીકાર્યું (1823). વેરીસાલ બીજો સગીર હોવાથી રાજ્યનો વહીવટ વિલોબીને સોંપવામાં આવ્યો.

વિલોબીએ ભીલકવાડાના જાગીરદાર બાજી દૈમા, રોહોઆના સામંત રાયસિંહ અને સાગબારાના ભીલ સરદાર કુંવર વસાવાનાં બંડોને કચડી નાખ્યાં. બહારવટિયા નાસિરખાન અને ઉમેદખાન તથા ધનકા લૂંટારાની ટોળીઓને લશ્કર દ્વારા અંકુશમાં લીધી અને રાજ્યમાં શાંતિ અને સલામતી સ્થાપી. વિલોબીએ ભીલ સરદારોને અંકુશમાં લઈને ખાનદેશ સાથેનો વેપારી માર્ગ ખુલ્લો કર્યો. તેથી વેપાર વધ્યો, ઉદ્યોગોને ઉત્તેજન મળ્યું અને રાજ્યની આવકમાં વધારો થયો (1827).

વેરીસાલજી બીજો પુખ્ત વયનો થતાં 1837માં તેને રાજ્યનો વહીવટ સોંપી દેવામાં આવ્યો. એક સમજૂતી અનુસાર ગાયકવાડે તેનાં પરગણાંઓ પરનો પોતાનો અધિકાર જતો કર્યો. તેના બદલામાં વેરીસાલે રાજ્યની સરહદનું કર્નાલી ગામ વડોદરાને સોંપ્યું. તેના અનુસંધાનમાં 1852માં રાજપીપળા રાજ્યે ગાયકવાડને પ્રતિવર્ષ રૂ. 13,351ની રકમ બ્રિટિશ સરકારની મારફતે આપવાનું સ્વીકાર્યું.

1857ના વિપ્લવ સમયે રાજા વેરીસાલ બ્રિટિશ સરકારને વફાદાર રહેવા છતાં સિબંદી (સામંતે રાખેલી સેના) સિપાઈઓએ જુલાઈ 1857માં બ્રિટિશ સરકાર વિરુદ્ધ બળવો કર્યો. રેવાકાંઠાના બ્રિટિશ પોલિટિકલ એજન્ટ બર્કલીના સૈન્યની મદદ વડે આ બળવાને દબાવી દેવામાં આવ્યો. ઑગસ્ટ, 1857માં નાંદોદના સૈયદ મુરાદઅલીએ આશરે 400 આરબ, સિંધી તથા મકરાણી સિપાઈઓ ભેગા કરીને બ્રિટિશ રાજ વિરુદ્ધ બંડ કર્યું. કોળી અને ભીલ લોકોની મદદ મેળવીને તેણે નાંદોદ સહિત કેટલાંક ગામડાં કબજે કર્યાં. બ્રિટિશ સરકારની લશ્કરી સહાય મળતાં મુરાદઅલી હારીને નાસી ગયો. નવેમ્બર 1858માં તાત્યા ટોપે લશ્કર સહિત ગુજરાતમાં પ્રવેશતાં રાજપીપળાના સૈનિકો તથા ભીલ અને કોળી લોકોએ તેને નોંધપાત્ર મદદ કરી હતી.

વેરીસાલે બ્રિટિશ સરકારની મંજૂરી લઈને પોતાના કુંવર ગંભીરસિંહને 1859માં પોતાની સાથે સંયુક્ત વહીવટદાર નીમ્યો; પરંતુ તેઓ બંને વચ્ચે વિખવાદ થવાથી 1867માં વેરીસાલને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યો. તેના બીજે વર્ષે તેનું અવસાન થયું. ગંભીરસિંહે 1875માં મુંબઈમાં પ્રિન્સ ઑવ્ વેલ્સની મુલાકાત લીધી તથા 1877માં વાઇસરૉય લિટને યોજેલ દિલ્હી દરબારમાં હાજરી આપી. રાજ્યમાં 1884માં ગેરવહીવટ થવાથી બ્રિટિશ સરકારે ત્યાંનો વહીવટ સંભાળી લઈને બ્રિટિશ અધિકારી નીમ્યો. બ્રિટિશ વહીવટ 1897માં ગંભીરસિંહના અવસાન પર્યંત ચાલુ રહ્યો. આ દરમિયાન રાજ્યની આર્થિક પ્રગતિ થઈ.

ગંભીરસિંહના અવસાન બાદ તેનો પુત્ર છત્રસિંહ ગાદીએ બેઠો. તેના સમયમાં અંકલેશ્વર અને નાંદોદ વચ્ચે 60 કિમી.નો રેલમાર્ગ બાંધવામાં આવ્યો. 1915માં તેના મૃત્યુ બાદ તેનો પુત્ર વિજયસિંહ ગાદીએ બેઠો. તેના સમયમાં રાજ્ય માટે આલીશાન મકાનો બાંધવામાં આવ્યાં તથા રાજપીપળા અને ઝઘડિયામાં 1926માં નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી. ત્યાં મફત પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ જૂન, 1948માં રાજપીપળા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ મે, 1960માં તે ગુજરાતનો એક ભોગ બન્યું.

જયકુમાર ર. શુક્લ