રાજનારાયણન્, કિ. (જ. 16 સપ્ટેમ્બર 1923, એડઇયેવલ, જિ. ચિદંબરનગર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર અને નિબંધકાર. સાહિત્યિક સામયિક ‘કથાઈ સોલ્લિ’ના તમિલનાડુના સંપાદક. તેમણે 1989-90 દરમિયાન પાડિચેરી યુનિવર્સિટીના દસ્તાવેજીકરણ અને મોજણી-કેન્દ્ર ખાતે લોકવાર્તાના મુલાકાતી પ્રાધ્યાપક અને નિયામક તથા 1998-2002 દરમિયાન નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.

તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેમણે તમિળમાં 29 જેટલા ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કથાવુ’ (1965) અને ‘કિડઈ કુરુનાવેલમ્ પન્નીરન્ડુ સિરુક્થઈકાલમ્’ (1983) તેમના વાર્તાસંગ્રહો છે; જ્યારે ‘ગોપાલ્લા ગ્રામમ્’ (1976) અને ‘ગોપાલ્લા પુરાતુ મક્કલ’ (1990)  એ બંને તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ‘પિન્જુગલ’ (1979) બાળકો માટેની નવલિકા છે. આ ઉપરાંત તેમણે 1981માં ‘માન્તરુલ ઓરુ અન્નાપરવૈ’ (ચરિત્રો); 1982માં ‘વટ્ટારા વળક્કુ ચોલ્લાકરતી’ નામક કરિસલ વિસ્તારની તમિળ બોલીનો કોશ અને 1995માં ‘પેન માનમ્’ નામક મહિલાઓ અંગેનો લોકવાર્તાસંગ્રહ પ્રગટ કર્યાં છે. ‘કરિસલ કટ્ટુ કડુતાસી’ (1988) તેમનો ઉલ્લેખનીય નિબંધસંગ્રહ છે. તેમની ટૂંકી વાર્તાઓ ‘વિલૈવુ ઍન્ડ કરન્ટ’ ફિચર ફિલ્મ માટે અનુકૂળ બની છે.

1978માં બાલનવલિકાઓ માટે તમિલનાડુ સરકાર તરફથી તમિળ વિકાસ અને સંશોધન મંડળ પુરસ્કાર તથા ઇલક્કિયા ચિંતનાઈ ઍવૉર્ડ અને નવલકથા માટે તેમને 1991ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ એનાયત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા