રાજતરંગિણી : કાશ્મીરી શૈવ બ્રાહ્મણ કલ્હણે સંસ્કૃત ભાષામાં રચેલું ઐતિહાસિક મહાકાવ્ય. આઠ તરંગોના બનેલા આ મહાકાવ્યમાં કાશ્મીરના ઈ. પૂ. 1100 પહેલાં થયેલા રાજા ગોવિંદથી શરૂ કરી કવિ કલ્હણના સમકાલીન રાજા હર્ષ (10891101) સુધીના રાજાઓનો ઇતિહાસ આલેખાયો છે. તેમાં એકલો ઇતિહાસ નથી, ઉત્તમ કાવ્યતત્વ પણ રહેલું છે.
‘રાજતરંગિણી’ના પ્રથમ ત્રણ તરંગોમાં મહાભારતના યુધિષ્ઠિરના સમસામયિક ગણાયેલા રાજા ગોવિંદના રાજ્યકાળથી આરંભી એ પછીના બાવન જેટલા રાજાઓના રાજ્યઅમલને વર્ણવ્યો છે; પરંતુ તેમાં મુખ્યત્વે પૌરાણિક આધારવાળી માહિતી વધુ છે. ખરેખરા ઇતિહાસની માહિતી ઓછી છે. મહાકાવ્ય હોવાથી કલ્હણે તેમાં અમુક સ્થળે કલ્પનાનો આશરો પણ લીધો છે.
તેના ચોથા તરંગથી ખરેખરા ઇતિહાસની માહિતી કલ્હણે રજૂ કરી છે. ચોથા તરંગમાં કરકોટ વંશના રાજાઓને વર્ણવવામાં આવ્યા છે. એમાં પણ પુરાણગ્રંથોનો આધાર તો છે જ; પરંતુ એમાં વર્ણવાયેલી ઘટનાઓને ઇતિહાસકારોએ પાછળથી ઐતિહાસિક ઘટનાઓ ગણી છે. તેમાં રાજા દુર્લભવર્ધન(600)થી માંડીને રાજા અનંગપીઠ (850) સુધીના રાજાઓનું વર્ણન છે. એ કરકોટ વંશના અંતિમ રાજા અનંગપીઠની રાજા સુખવર્માના પુત્ર અવંતીવર્માના હાથે હાર થઈ ત્યાં સુધીનું વર્ણન છે. પાંચમા તરંગમાં રાજા અવંતીવર્મા અને તેના અનુગામી રાજાઓનું વર્ણન છે. એ પછી છઠ્ઠા તરંગમાં અવંતીવર્માના અનુગામી રાજાઓનું વર્ણન સમાપ્ત થયા પછી રાણી દિદ્દાના રાજ્યકાળ સુધીનું વર્ણન રજૂ થયું છે. સાતમા તરંગમાં રાણી દિદ્દાના ભત્રીજાના રાજ્યાભિષેકથી લોહર વંશના રાજાઓનો ઇતિહાસ આરંભાય છે. 1,711 શ્ર્લોકોમાં એ પછી લોહર વંશના રાજાઓનું વર્ણન છે. અંતિમ રાજાઓનું વર્ણન આઠમા તરંગમાં 3,449 શ્ર્લોકોમાં રજૂ થયું છે; જેમાં રાજા ઉચ્છલથી શરૂ કરી રાજા હર્ષની હત્યા સુધીનું વર્ણન છે. રાજા હર્ષની હત્યા પછી કવિ કલ્હણના પિતા અને રાજા હર્ષના મહામાત્ય ચંપકે સંન્યાસ લીધો. કલ્હણના કાકા કનક કાશી જઈને રહ્યા અને ત્યાં દાનપુણ્ય કર્યાં. તેમના કાકા કનકને તેમના સંગીતગાનથી ખુશ થઈ રાજા હર્ષે લાખ સોનામહોર ઇનામમાં આપેલી. કાકા કનકનું વતન પરિહાસપુર હતું. કલ્હણના પિતા મહામાત્ય ચંપક દર વર્ષે એક સપ્તાહ નંદિક્ષેત્રમાં જઈને ખૂબ દાન કરતા હતા. કવિ કલ્હણનું મૂળ નામ કલ્યાણ હતું. કલ્હણે અલકદત્તનો આશ્રય લીધેલો અને સુસ્સલના પુત્ર રાજા જયસિંહના સમયમાં બે વર્ષમાં જ નિષ્પક્ષ ઇતિહાસ ધરાવતું આ ઉત્તમ મહાકાવ્ય રચેલું.
પ્ર. ઉ. શાસ્ત્રી