રાજ તાડ (royal palm) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા ઍરિકેસી કુળનું એક તાડ-વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Roystonea regia O. F. Cook. Syn. Oreodoxa regia H. B. & K. (ગુ. રાજ તાડ, બાગી તાડ; અં. ક્યૂબન રૉયલ પામ, માઉન્ટ ગ્લૉરી) છે. તે ક્યૂબાનું મૂલનિવાસી છે અને લગભગ 12.0 મી. સુધીની ઊંચાઈ ધરાવતું સુંદર વૃક્ષ છે. તેનું થડ સ્તંભીય, સીધું, લીસું, વચ્ચેથી થોડુંક ફૂલેલું, સિમેન્ટ જેવા રંગનું હોય છે. તેની ટોચ લીલા રંગની હોય છે. થડનો આકાર બૉટલ જેવો હોવાથી તેને ‘બૉટલ પામ’ પણ કહે છે. તેનાં પર્ણો એકપિચ્છાકાર સંયુક્ત અને લગભગ 3.0 મી. લાંબાં હોય છે. પર્ણિકાઓ લગભગ 80 સેમી. લાંબી અને 2.5 સેમી. પહોળી હોય છે. પુષ્પવિન્યાસ નૌકાકાર કાષ્ઠમય પૃથુપર્ણ વડે આવૃત હોય છે અને તે સંયુક્ત માંસલ શૂકી (spadix) પ્રકારનો હોય છે. નર અને માદા પુષ્પ જુદાં જુદાં હોય છે.

ફળ ગોળાકાર-લંબચોરસ (globose-oblong), 1.0 સેમી.થી 1.6 સેમી. લાંબાં અને જાંબલી રંગનાં હોય છે. બીજ પહોળાં, અંડાકાર-ઉપવલયી (ovoid-elliptical) હોય છે અને ભ્રૂણપોષ સમરૂપ હોય છે.

રૉયલ પામ (Roystonea) : (અ) સ્વરૂપ, (આ) પર્ણ, (ઇ) પુષ્પવિન્યાસ, (ઈ) ફળ

આ વૃક્ષનાં થડ જમીનથી 1.0 મી.થી 1.5 મી.ની ઊંચાઈએ સૂર્યના તડકાથી નુકસાન પામે છે અને તેટલો ભાગ બળી જતાં વૃક્ષ મૃત્યુ પામે છે. તેના ઉપાય તરીકે આ વૃક્ષની ફરતે કડવી મેંદી રોપવામાં આવે છે અને તેને બે મીટર સુધી વધવા દેવામાં આવે છે. તેની વૃદ્ધિની શરૂઆતમાં ભેજવાળું વાતાવરણ જરૂરી છે.

તે ઉદ્યાનોમાં સુંદર વૃક્ષવીથિ (avenue) બનાવવા માટે અત્યંત જાણીતું છે. તેનો ટોચ ઉપરનો કોમળ ભાગ ખાદ્ય હોય છે અને શાકભાજી તરીકે વાપરવામાં આવે છે. તેના થડનો વહાણના ધક્કાના થાંભલા બનાવવામાં અને બાંધકામમાં ઉપયોગ થાય છે.

ફળના રસાળ ગર(ફળના કુલ વજનના આશરે 50 %)માંથી લગભગ 3 % જેટલું બદામી-પીળું તેલ પ્રાપ્ત થાય છે. તેનાં પીસેલાં બીજ (પ્રોટીન દ્રવ્ય 6.1 %) સૂવરના ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

R. oleracea O. F. Cook. Syn. Oreodoxa oleracea Mart.ને ‘કૅબેજ પામ’ કહે છે. તે 39 મી. જેટલી ઊંચાઈ ધરાવતો સુંદર તાડ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનો મૂલનિવાસી છે. તેનો ભારતના ઉદ્યાનોમાં શોભનવૃક્ષ તરીકે ઉછેર કરવામાં આવે છે. તેનું થડ નળાકાર હોય છે અને તલભાગ પહોળો હોય છે. તેનાં કુમળાં પર્ણો, થડનો પોચો ગર અને અગ્રકલિકા ખાવાના ઉપયોગમાં લેવાય છે. ગરમાંથી સાબુદાણા બનાવાય છે. થડનો ગટર બનાવવામાં ઉપયોગ થાય છે. પર્ણદંડો બાળકોનાં પારણાં અને ખપાટિયાં (splints) બનાવવામાં વપરાય છે. કાષ્ઠ અત્યંત સખત હોવા છતાં પાતળું હોવાથી તેમાંથી ચાલવાની લાકડીઓ બનાવવામાં આવે છે. ફળમાંથી પ્રાપ્ત થતું તેલ ખાદ્ય હોય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ