રાજડા, મૂળરાજ (જ. 1931, મુંબઈ; અ. 23-9-2012, મુંબઈ) : કલાકાર, દિગ્દર્શક અને લેખક. એમણે પ્રથમ એકાંકી ‘વતેસરની વાત’ લખેલું. તે બાદ પ્રથમ ત્રિઅંકી નાટક ‘તુલસી ઇસ સંસાર મેં’ લખ્યું, પછી ત્રિઅંકી ‘બારમો ચંદ્રમા’માં કામ કર્યું.

આ ઉપરાંત, એમણે ‘અસત્યનારાયણ’, ‘વર વગરનો વરઘોડો’, ‘બૈરી મારી બાપ રે બાપ’, ‘ભાઈબીજ’, ‘ઘડી બેઘડી’, ‘હૂતોહૂતી’, ‘ચકડોળ’, ‘મારી વહુની વહુ કોણ ?’ અને ‘મુછાળાની મઢૂલી’ નાટકો લખ્યાં છે. ‘તુલસી ઇસ સંસારમેં’, ‘અસત્યનારાયણ’, ‘એક મૂરખને એવી ટેવ’, ‘સ્વયંસિદ્ધા’, ‘જેસલ તોરલ’, ‘જગડૂશા’, ‘એવા રે અમે એવા’ વગેરે નાટકોમાં તેમણે કામ કર્યું છે. ‘વતેસરની વાત’ (1969) એકાંકીસંગ્રહ, ‘તુલસી ઇસ સંસારમેં’ ત્રિઅંકી નાટક અને ‘અંતરમાં લાગી આગ’ નવલકથા પ્રગટ થયેલ છે.

હસમુખ બારાડી