રાજગુરુ, સત્યનારાયણ (જ. 1903, પરાલખેમુંડી, ઓરિસા) : ઊડિયા ભાષાના અગ્રણી ઇતિહાસવિદ, શિલાલેખવિજ્ઞાની અને સંશોધનકાર. તેમણે કૉલેજનું શિક્ષણ મેળવ્યું ન હતું, પરંતુ પોતાના અથાક પ્રયાસોથી તેમણે સંસ્કૃતની પ્રશિષ્ટ કૃતિઓ, તત્વજ્ઞાન, ઉચ્ચારશાસ્ત્ર, ઇતિહાસ તથા શિલાલેખવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1928માં તેમનો સંશોધનલેખ ‘કોરશંદ કૉપર પ્લેટ ગ્રાન્ટ ઑવ્ વિશાખવર્મા’ બિહાર ઍન્ડ ઓરિસા રિસર્ચ સોસાયટીના સામયિકમાં પ્રગટ થતાંવેંત તેમને પુષ્કળ ખ્યાતિ સાંપડી. ત્યારબાદ તેમણે અંગ્રેજી અને ઊડિયા સામયિકોમાં હજારો અભ્યાસપૂર્ણ લેખો લખ્યા છે.

ઓરિસા સરકારના સંગ્રહાલય-નિયામક (curator) (1950-62) તથા શિલાલેખવિજ્ઞાની (1963-67) તરીકે તેમણે ‘ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ્ ઓરિસા’ના અનેક ગ્રંથોનું સંપાદન કર્યું; તેમાં ઓરિસાનાં ઇતિહાસ તથા સંસ્કૃતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અંગ્રેજી તથા ઊડિયા ભાષામાં લખાયેલા તેમના સંશોધનલેખોમાં ઓરિસાનાં પુરાતત્વવિદ્યા, કલા અને સ્થાપત્ય, ઉડીસી સંગીત, લિંગરાજ મંદિરના શિલાલેખ તથા કવિ જયદેવ જેવા વિવિધ વિષયો આવરી લેવાયા છે. તેમના કેટલાક મૌલિક સંશોધનને નેધરલૅન્ડ્ઝના ‘બિબ્લિયૉથિકા ઇન્ડિકા’ ગ્રંથમાં સ્થાન મળ્યું છે.

તેમણે લખેલાં નાટકોમાં ‘રાધાભિષેક નાટક’, ‘રાણા ચંદ’, ‘હંબીર’ તથા ‘ખારાબેલા’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે એક નવલકથા ‘કર્મક્ષેત્ર’ અને એક કાવ્ય ‘મનોરમા’ લખ્યાં છે. વિશ્વનાથ કવિરાજ-રચિત સંસ્કૃત નાટક ‘ચંદ્રકલા’ તેમણે શોધી કાઢીને તેનું સંપાદન કર્યું હતું.

1974માં ઇતિહાસ તથા શિલાલેખવિજ્ઞાન-ક્ષેત્રની તેમની સેવા બદલ તેમને ‘પદ્મશ્રી’નું સન્માન અપાયું હતું; બહેરામપુર યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની માનાર્હ ડિગ્રી આપી હતી. આ ઉપરાંત ઓરિસા સાહિત્ય અકાદમી, કલિંગ સાહિત્ય સમાજ તથા ઉત્કલ હિતૈષિની સમાજ જેવી ઘણી સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થાઓએ તેમની વિદ્વત્તાને સન્માની હતી.

તેમની અન્ય મહત્વની કૃતિઓમાં ‘નાગ ઇતિહાસ’, ‘ઓડિસા ઇતિહાસ’, ‘કલિંગરા આત્મકથા’, ‘ઊડિયા લિપિરા ક્રમવિકાસ’, ‘ઊડિયા ઉપભાષા’ તથા ‘પ્રસ્તાવ ચિંતામણિ’ (સંપાદન) અને ‘ધી ઇન્ડિયન એપિગ્રાફી’(અનુવાદ)નો સમાવેશ થાય છે.

મહેશ ચોકસી