રાજગુરુ, શ્રીધર ગણેશ

January, 2003

રાજગુરુ, શ્રીધર ગણેશ (જ. 3 ડિસેમ્બર 1928, અહમદનગર, મહારાષ્ટ્ર) : ખેલકૂદ અને બાલસાહિત્યના મરાઠી લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી એમ.એ., એમ.એડ., પીએચ.ડી. તથા ડી.પી.એડ.ની પદવીઓ મેળવી હતી. નવરોજી વાડિયા કૉલેજમાં તેઓ અધ્યાપક હતા અને ત્યાંથી નિવૃત્ત થયા. તેમણે શિશુરંજનના સેક્રેટરી; બાલકુમાર સાહિત્ય સંમેલનના ઉપપ્રમુખ; થિયેટર અકાદમીના સ્થાપક સભ્ય; અને પ્રોગ્રેસિવ ડેમોક્રૅટિક ઍસોસિયેશનના સેક્રેટરી તરીકે સેવાઓ આપી હતી.

તેમણે મરાઠીમાં 22 જેટલા ગ્રંથો આપ્યા છે; જેમાં રમતગમતના સાહિત્યને લગતા તેમના નીચેના ગ્રંથો ઉલ્લેખનીય છે : ‘છોટ્યા સહલી, છોટે ખેળ’ (1974); ‘મુલાંસાઠી ખેળ’ (1976); ‘શલ્ય ખેળ’ (1988); ‘ખેળ અમુચે ગમતીચા’ (1989); ‘સ્પર્ધા, શર્યતિ, સામને’ (1993) અને ‘લંગડી’ (1993). ‘વંદેમાતરમ્’ (1993) તેમનો નિબંધસંગ્રહ છે, જ્યારે ‘દિવ્ય દિવ્ય દિપ્પટકાર’ (1995) તેમનો એકાંકી નાટ્યસંગ્રહ છે. 1994માં તેમણે ‘શૂર શહાણ્યા મુલાંચ્યા કથા’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો છે. રંગભૂમિ-જૂથ સાથે તેમણે ઇંગ્લડ, અમેરિકા અને જર્મની, ઇટાલી તથા પૅરિસનો પ્રવાસ ખેડ્યો હતો.

શ્રીધર ગણેશ રાજગુરુ

તેમને નાટ્યદર્પણ તરફથી 1985માં ગણેશ સોલંકી ઍવૉર્ડ અને 1992માં નાટ્ય પરિષદ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા