રાગલે : કન્નડ ભાષાનો ‘માત્રા’ નામનો બહુ જાણીતો છંદ. દસમી સદી પછી તે પ્રચલિત બન્યો હતો. તેનાં નામકરણ તથા ઉદભવ ચર્ચાનો વિષય બન્યાં છે.

રાગલે એ ક્ન્નડ સ્વરૂપ છે અને તેનું સંસ્કૃત સ્વરૂપ ‘રાધટા’ હોવાનું  મનાયું છે. ‘રાધટા’ અને ‘રાગલે’ મૂળ સંસ્કૃત શબ્દ ‘અર્ધટ્ટા’નાં જ રૂપો છે. પ્રાકૃતમાંથી આવેલા ‘રાગડા ધ્રુવક’ નામના છંદ સ્વરૂપમાંના ‘રાધટા’ શબ્દનું ‘રાગલે’ શબ્દ તદભવ રૂપ છે; પરંતુ તે બાબતે કોઈ આખરી નિર્ણય શક્ય નથી. એટલું કહી શકાય કે રાગલે કોઈ કડી કે શ્લોક નથી, પરંતુ તેનો એક ઘટક છે અને તેમાં વિવિધ સંખ્યામાં પંક્તિઓ તથા માત્રા-ગણના પ્રકારો હોય છે. તેના ઉદભવ વિશે ઘણી ચર્ચા અને શંકા પ્રવર્તે છે. કેટલાક વિદ્વાનો માને  છે કે ક્ન્નડ સાહિત્યના કેટલાક પ્રકારના રાગલે કાં તો લોકસાહિત્યની રચનાઓમાંથી ઉદભવ્યા છે અથવા તો તેના અનુકરણરૂપે રચાયા છે.

દશમી, અગિયારમી અને બારમી સદીના પંપા, પોન્ના, રન્ના, નાગવર્મા, દુર્ગાસિંહ, શાંતિનાથ તથા નયસેન જેવા ચંપૂ-કવિઓએ કેટલાક પ્રકારના રાગલેનો ઉપયોગ કર્યો છે. અપભ્રંશના ‘કડવક’ના અનુકરણના કારણે તથા સ્વતંત્ર શોધકબુદ્ધિને પરિણામે કન્નડ રાગલે સુંદર અને મનોહર બન્યા છે. તેમાં વિષય-નાવીન્ય બહુ નથી, પણ તેમની શૈલીમાં ‘માર્ગ’ની ગહનતા તથા ‘દેશી’ની મધુરતાનું સુંદર મિશ્રણ છે. આ છંદને પરિણામે ક્ન્નડમાં પ્રાકૃતના ‘તાલવૃત્તિ’ના લય તથા રણકાર ઉમેરાયા છે.

બારમીથી ચૌદમી સદી વચ્ચેના ચંપૂ-કવિઓ નેમિચન્દ્ર, રુદ્રભટ્ટ, અચન્ના, બંધુવર્મા, દેવકવિ તથા ગુણવર્માએ વિવિધ પ્રકારના રાગલેનો પ્રયોગ કર્યો છે. આ બધા કવિઓએ કાવ્યમાં રાગલેનો વર્ણન માટે ઉપયોગ કર્યો છે; જ્યારે બંધુવર્માએ તેનો કથા-નિરૂપણ માટે પણ ઉપયોગ કર્યો છે.

મધ્યકાલીન કન્નડ સાહિત્યમાં રાગલે છંદના વિસ્તૃત ઉપયોગમાં હરિહરનો મુખ્ય ફાળો છે. તેમણે એક આખી કૃતિ માટે આ છંદનો સળંગ ઉપયોગ કર્યો છે અને એ રીતે કાવ્યના એક નવા પ્રકારના તેઓ સ્થાપક અને પ્રણેતા બની રહ્યા. વર્ણનાત્મક કાવ્યો માટેની રાગલેની સાનુકૂળતા જોઈ તેમણે એ છંદમાં 50 ઉપરાંત કૃતિઓ રચી. છંદ:શાસ્ત્રની દૃષ્ટિએ હરિહરના રાગલેના ઉત્સાહ, લલિત અને મંદનિલા – એમ 3 પ્રકારો પડાયા છે. વિષયની જરૂરત પ્રમાણે પંક્તિઓની સંખ્યામાં અચોક્કસ રીતે વધારો થતો રહ્યો છે. વાર્તા ટૂંકી હોય ત્યારે જ હરિહરે આખી કૃતિમાં સળંગ રાગલેનો પ્રયોગ કર્યો છે; અન્યથા સુદીર્ઘ વસ્તુ માટે તેમણે રાગલે તથા ગદ્યનો વારાફરતી કલાત્મક ઉપયોગ કર્યો છે.

હરિહર પછી તેમનાં વિષયવસ્તુ, શૈલી અને ભાષાના અનુકરણ રૂપે કેટલાક વીરશૈવ કવિઓએ રાગલેમાં ટૂંકી રચનાઓ સર્જી. કેટલાક શિલાલેખોમાં પણ રાગલે જોવા મળ્યા છે એ નોંધપાત્ર છે. આંધ્રપ્રદેશમાંથી મળેલ એક સંસ્કૃત તામ્રપત્રમાં લલિત રાગલે જોવા મળ્યો છે.

આધુનિક સમયના પ્રારંભિક ગાળામાં કન્નડના લલિત રાગલેમાં અંગ્રેજી બ્લૅન્ક વર્સની કેટલીક છંદ-વિષયક લાક્ષણિકતાઓનો ઉપયોગ કરી ‘સરલ’ રાગલે પ્રયોજવામાં આવ્યો છે.

મહેશ ચોકસી