રાગ દરબારી : શ્રીલાલ શુક્લ(જ. 1925)ની સૌથી જાણીતી હિંદી નવલકથા. 1969ના વર્ષ માટે આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ તેનું નાટ્યરૂપાંતર રંગભૂમિ પર રજૂઆત પામ્યું હતું.

આ નવલકથામાં ભ્રષ્ટાચાર, રાજકીય કાવાદાવા તથા આઝાદી પછી ભારતના ગ્રામજગતમાં પ્રસરેલી સર્વસ્તરીય નિરાશા પરત્વે વેધક કટાક્ષ છે. નવલકથાનો નાયક એક યુવાન વિદ્યાર્થી છે. તેના મનમાં હજુય ઉત્તરપ્રદેશના રમ્ય ગ્રામજીવન વિશે કેટલાક રંગદર્શી ખ્યાલો રમતા હોય છે. તે થોડા વખત માટે પોતાના કાકાને મળવા આવ્યો હોય છે. અહીં આવીને તે લોભ, લોલુપતા અને હિંસાનાં જે નગ્ન દૃશ્યો જુએ છે તથા ગામનાં ગુંડાતત્ત્વો સાથે જે રીતે તેને અથડામણોમાં ઊતરી વેઠવું પડે છે તેનાથી તેના ખ્યાલો તૂટી જાય છે, તેનું ભ્રમનિરસન થાય છે અને હતાશ થઈને, પણ શાણપણ મેળવીને, તે શહેરભેગો થાય છે.

1960માં શરૂ થયેલી આ નવલકથા 1968માં પ્રગટ થઈ હતી અને ભારતીય ગ્રામજીવનની અવનતિના અભ્યાસપૂર્ણ તાદૃશ નિરૂપણ તરીકે વિવેચકોએ તેનો ઉમળકાભેર સત્કાર કર્યો હતો. નવલકથાનો સૂર કટાક્ષલક્ષી છે, પણ તેમાં વાસ્તવિકતાની વિડંબના નથી. કેટલાક વિવેચકોએ કૃતિમાંના નૈરાદૃશ્યને નાસ્તિવાદી વલણ તરીકે મૂલવ્યું છે અને કટાક્ષને આત્મલક્ષી લેખ્યો છે; પરંતુ લેખકની કેટલીક આલોચનામાં ઉગ્રતા હોવા છતાં કર્તાની પોતાના લોકો માટેની હિતચિંતા તથા સુસ્થિર અને સ્વચ્છ વહીવટી તંત્ર માટેની અભિલાષા કથામાં ઠેર ઠેર વ્યક્ત થયાં છે.

મહેશ ચોકસી