રાઉતરાય, સચી (સચ્ચિદાનંદ) (જ. 13 મે 1916, ગુરુજંગ, જિ. પુરી, ઓરિસા) : ઊડિયા ભાષાના કવિ. કોલકાતા અને કટકમાં શિક્ષણ. વિદ્યાર્થી અવસ્થામાં આઝાદીની લડતમાં જોડાયા; બે વાર જેલ ભોગવી. વિદ્યાર્થીકાળમાં જ અગિયાર વર્ષની વયે લેખનનો પ્રારંભ. 1939 અને 1942માં તેમનાં કાવ્યો પર પ્રતિબંધ. પ્રેસ ઍક્ટ હેઠળ દંડ પણ થયો.
1952માં કોલંબો પ્લાન હેઠળ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ખાતે ઔદ્યોગિક સંબંધો તથા સામાજિક કલ્યાણની તાલીમ. 1955માં જિનીવા ખાતેના ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનિઝેશન ખાતે પણ એ જ પ્રકારની તાલીમ. કોલકાતા ખાતેની મિલમાં ચીફ લેબર ઑફિસર અને પછી એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે કામગીરી (1942–62). 1962માં રાજીનામું આપી લેખન-કારકિર્દીને જીવન સમર્પિત. સાહિત્યિક ત્રૈમાસિક ‘દિગંત’ના તંત્રી તરીકે કામગીરી. 1967માં કટક ખાતે દિગંત મ્યુઝિયમ તથા સંશોધન-કેન્દ્રની સ્થાપના.
ઊડિયા અને અંગ્રેજીમાં 50 ઉપરાંત પ્રકાશનો. આ સતત સક્રિય રહેલા સર્જકના મહત્વના કાવ્યસંગ્રહોમાં ‘બાજી રાઉત’ (1938–42), ‘પાલીશ્રી’ (1941), ‘પાંડુલિપિ’ (1947), ‘અભિયાન’ (1948), ‘સ્વગત’ (1958), ‘કવિતા–1962’, ‘કવિતા–1969’, ‘કવિતા–1974’, ‘કવિતા–1983’ અને ‘કવિતા–1985’ મુખ્ય છે. ‘કવિતા–1962’ બદલ તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1963ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો.
તેમણે એક જ નવલકથા ‘ચિત્રગ્રીવા’ (1935) લખી છે, પણ એ પ્રતિ-નવલકથા જેવી કૃતિ દ્વારા તેમણે કથા-સાહિત્યક્ષેત્રે નવ-પ્રવાહનાં મંડાણ કર્યાં. તેમના વાર્તાસંગ્રહોમાં ‘મસાનીર ફૂલ’ (1947), ‘માટીરા તાજ’ (1947) તથા ‘છાય’નો સમાવેશ થાય છે. આધુનિક ઊડિયા કવિતા અને અન્ય વિષયો પર તેમણે નિબંધો પણ લખ્યા છે. તેમનાં કેટલાંક જાણીતાં કાવ્યો તથા વાર્તાઓ અંગ્રેજીમાં અનુવાદ પામી પ્રગટ થયાં છે.
ઓરિસા સાહિત્ય અકાદમીના અધ્યક્ષ (1978–81) તથા પ્રવાસી ઊડિયા ઑર્ગેનિઝેશન, કોલકાતાના અધ્યક્ષ; કેન્દ્રીય સાહિત્ય અકાદમીની સામાન્ય સમિતિના સભ્ય (1956–58) તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો હતો.
તેમને મળેલાં પુરસ્કાર-સન્માનમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવૉર્ડ (1963) ઉપરાંત સોવિયેત લૅન્ડ નહેરુ એવૉર્ડ (1965), સંબલપુર યુનિવર્સિટી તરફથી ભારત નાયક એવૉર્ડ (1983) તથા જ્ઞાનપીઠ એવૉર્ડ (1986) મુખ્ય છે. વળી ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’નું બિરુદ અને આંધ્ર યુનિવર્સિટી તથા બહેરામપુર યુનિવર્સિટી તરફથી માનાર્હ ડી. લિટ્.ની ઉપાધિ પણ તેમને મળેલ છે.
આધુનિક ઊડિયા સાહિત્યના તેઓ અગ્રણી સર્જક અને નવયુગ- પ્રવર્તક લેખાય છે.
મહેશ ચોકસી