રાઇસવાઇક (Rijswijk) : હેગના અગ્નિભાગમાં આવેલું, પશ્ચિમ નેધરલૅન્ડ્ઝના ઝુઇદ હોલૅન્ડ પ્રાંતનું શહેર. ભૌગોલિક સ્થાન : 52° 04´ ઉ. અ. અને 4° 20´ પૂ. રે. આ શહેર માત્ર નિવાસી સ્થળ હોવા ઉપરાંત ત્યાં પ્રયોગશાળાઓ, ફળોની હરાજીનું બજાર તથા આજુબાજુ તેલના કૂવા આવેલાં છે. ઉપેનબર્ગનું હવાઈ મથક પણ અહીં નજીકમાં જ છે.

એક તરફ ફ્રાન્સના લૂઈ ચૌદમા અને બીજી તરફ ઇંગ્લૅન્ડ, નેધરલૅન્ડ્ઝ, સ્પેન, હોલી રોમન સામ્રાજ્યના લિયૉપોલ્ડ પહેલા વચ્ચે 1697માં રાઇસવાઇકની સંધિ થવાથી તેમની વચ્ચે ચાલતા યુદ્ધનો અંત આવ્યો. આ સંધિ મુજબ યુદ્ધ અગાઉના સામાન્ય સંજોગો પુન: સ્થાપિત કરાયા. જ્યાં સંધિપત્ર પર સહીઓ થયેલી એવા અગાઉના ન્યૂબર્ગ કિલ્લાના સ્થળે આ ઘટનાની સ્મૃતિને જાળવી રાખવા માટે 1792માં 21 મીટર ઊંચો સ્મારક-સ્તંભ બનાવાયો છે. 1991 મુજબ આ શહેરની વસ્તી આશરે 60,000 જેટલી છે.

જાહ્નવી ભટ્ટ