રાઇલ, ગિલ્બર્ટ (Ryle, Gilbert) (જ. 1900; અ. 1976) : બ્રિટિશ તત્વચિંતક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તે જ યુનિવર્સિટીમાં પછીથી તેઓ ટ્યૂટર તરીકે જોડાયા હતા અને પછી ‘વેઇનફ્લીટ પ્રોફેસર ઑવ્ મેટાફિઝિકલ ફિલૉસૉફી’ તરીકે તે જ યુનિવર્સિટીમાં તેમણે 1945થી 1968 સુધી સેવાઓ આપી હતી. અંગ્રેજી ભાષામાં ખૂબ જ ઊંચી પ્રતિષ્ઠાવાળા તત્વજ્ઞાનના વિખ્યાત જર્નલ ‘Mind’ના તેઓ 1947થી 1971 સુધી સંપાદક રહ્યા હતા.
તેમનું ખૂબ જ વંચાયેલું અને ચર્ચાયેલું પુસ્તક છે – ‘ધ કૉન્સેપ્ટ ઑવ્ માઇન્ડ’ (1949). મન-વિષયક તત્વજ્ઞાનમાં મનની વિભાવનાનું તાત્ત્વિક વિશ્લેષણ કરતું આ પુસ્તક વીસમી સદીના તત્વજ્ઞાનના કેટલાક મહત્વના ગ્રંથોમાં સ્થાન પામ્યું છે. તેમના બીજા ગ્રંથોમાં ‘ડાયલેમાઝ’ (1954), ‘પ્લેટોઝ પ્રોગ્રેસ’ (1966) અને ‘કલેક્ટેડ પેપર્સ’(બે ખંડોમાં 1971)નો સમાવેશ થાય છે.
વીસમી સદીમાં વિશ્લેષણાત્મક તત્વજ્ઞાનને વિકસાવવામાં રાઇલનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે. તત્વજ્ઞાનની કેટલીક સમસ્યાઓનું તાત્ત્વિક વિશ્લેષણથી વિસર્જન કઈ રીતે થઈ શકે છે તે રાઇલે તેમની વિશ્લેષણપદ્ધતિથી દર્શાવ્યું છે. તત્વચિંતકો સામાન્ય ભાષામાં પ્રયોજાતા શબ્દોનો યથાર્થ ઉપયોગ ન કરતા હોવાથી ગેરમાર્ગે દોરવાય છે તેવું રાઇલે દર્શાવ્યું છે.
ગિલ્બર્ટ રાઇલનું મુખ્ય યોગદાન મન-વિષયક તત્વચિંતન-(philosophy of mind)માં રહ્યું છે. તેમણે ડેકાર્ટના મન-શરીર-સંબંધ અંગેના દ્વૈતવાદ(dualism)નો વિરોધ કર્યો છે. મન શરીરમાં રહે છે અને શરીરથી ભિન્ન છે; છતાં શરીરના વ્યાપારો ઉપર તે પ્રભાવ પાડે છે તેવો વિચાર અંતે તો કોઈ યંત્રની અંદર ભૂત છે અને ભૂત યંત્ર ચલાવે છે તેવો જ છે. રાઇલ તેને ‘Ghost in Machine’નો સિદ્ધાંત ગણે છે. રાઇલ આવા સિદ્ધાંતનો વિરોધ કરીને તેનો અસ્વીકાર કરે છે. તેમણે તેના સ્થાને તાર્કિક વર્તનવાદ રજૂ કર્યો છે.
અલબત્ત, મન-વિષયક (mentalistic) ભાષા અને વિભાવનાઓ (concepts) અવદૃશ્ય પ્રયોજાય છે. પણ મનવાચક બધા શબ્દો કે બધા વિચારો કોઈ અગોચર માનસિક વ્યાપારોનો નિર્દેશ કરે છે તેવું ધારવું રાઇલના મતે યોગ્ય નથી. આવા મનવાચક શબ્દો અને વાક્યોનું રાઇલે વિશ્લેષણ કર્યું છે અને તેનું તેમણે વલણદર્શક શબ્દો કે વાક્યો તરીકે નવું અર્થઘટન કર્યું છે. કેટલાક શબ્દો ઘટનાવાચક છે તો કેટલાક વલણવાચક (dispositional); દા. ત., ‘‘આ કાચનો ગ્લાસ અત્યારે નીચે પડ્યો અને તૂટી ગયો.’’ એ વાક્ય કોઈ ઘટનાનું વર્ણન કરે છે; પણ ‘કાચ તૂટી જાય તેવો (brittle) છે’ એ વાક્યમાં એક ‘ડિસ્પોઝિશન’ કે વલણ જ વ્યક્ત થાય છે. ‘આ પદાર્થ જલદી સળગી જાય તેવો (inflammable) છે.’ તે વાક્યનો અર્થ એવો નથી કે તે ખરેખર અત્યારે સળગી રહ્યો છે. ‘સળગી જાય તેવો’ એ વલણવાચક શબ્દ છે, ઘટનાવાચક નહિ. ‘આ માણસ ધ્રૂમપાન કરનાર વ્યક્તિ (smoker) છે.’ તે વાક્યનો અર્થ એવો નથી કે તે સતત અને અત્યારે પણ ધૂમ્રપાન કરી જ રહ્યો છે. ‘ધૂમ્રપાન કરનાર વ્યક્તિ’, ‘શરાબી વ્યક્તિ’ વગેરે શબ્દો તેને અનુરૂપ તેવી ઘટના વ્યક્તિમાં ન બનતી હોય ત્યારે પણ તે વ્યક્તિ માટે પ્રયોજી શકાય છે. અલબત્ત, ક્યારેક કાચ તૂટી જવાની કે વ્યક્તિ દ્વારા ધૂમ્રપાન કરવાની ઘટનાઓ ઘટતી હોય છે અને તેથી જ વલણવાચક શબ્દો તેવી ઘટનાઓની શક્યતા દર્શાવે છે. કોઈ દિવસ ધૂમ્રપાન ન કરનારી વ્યક્તિને આપણે ‘smoker’ કહેતા નથી. તેથી એમ તો ફલિત થાય જ કે વલણવાચક શબ્દો કે વાક્યોનો આધાર ક્યાંક ઘટનાવાચક શબ્દો કે વાક્યો ઉપર રહેલો છે; તેમ છતાં રાઇલના મત પ્રમાણે કેટલાક વલણવાચક શબ્દો માત્ર જુદી જુદી ઘટનાઓની શક્યતાનું નિર્ધારણ કરી શકાય તેવા (determinable) શબ્દો જ છે. તેના આધારરૂપ કોઈ ચોક્કસ એક જ પ્રકારની ઘટના હોતી નથી; દા. ત., ‘કોઈ વ્યક્તિ પાપડ વેચનાર છે.’ તે વાક્યનો અર્થ એ છે કે સામાન્ય રીતે તે પાપડ વેચે છે અને એવું પણ બને કે અત્યારે તે પાપડ વેચી રહ્યો હોય; પણ કોઈ વ્યક્તિ ‘grocer’ હોય તો તે વ્યક્તિ અત્યારે ‘grocing’ કરી રહી છે તેવું કહેવાતું નથી, કારણ કે ‘grocer’ દુકાનમાં ક્યારેક ખાંડ વેચી રહ્યો હોય તો ક્યારેક ગોળ વેચી રહ્યો હોય અને એમ તેવી અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યો હોય તેવું બને.
રાઇલે આવું વિશ્લેષણ માનસિક ક્રિયાના વાચક શબ્દો અને વાક્યોનું કર્યું છે. વલણવાચક શબ્દોથી અનેક પ્રકારના વર્તનનું નિર્ધારણ કરી શકાય (determinables) છે.
‘આ વ્યક્તિ બુદ્ધિશાળી છે’; ‘આ વ્યક્તિ મહત્ત્વાકાંક્ષી છે’; ‘આ વ્યક્તિ ભાવુક છે’ – એવાં વાક્યોમાં અનુક્રમે ‘બુદ્ધિશાળી’, ‘મહત્ત્વાકાંક્ષી’ કે ‘ભાવુક’ એવા જે શબ્દો આવે છે તે કોઈ એવી અગોચર માનસિક ઘટનાઓનો નિર્દેશ કરતા નથી કે જેનું બાહ્ય નિરીક્ષણ થઈ શકતું ન હોય. અનિરીક્ષણક્ષમ (unobservable) માનસિક ઘટનાઓ, વ્યાપારો કે પ્રક્રિયાઓ ધારવાનું રાઇલને મંજૂર નથી. ‘આ વ્યક્તિ ખૂબ બુદ્ધિશાળી છે’ તેમ કહીએ, ત્યારે તે વ્યક્તિમાં બુદ્ધિ નામની કોઈક અગોચર માનસિક ક્રિયાનો કે શક્તિનો અનુભવ ધારવાની જરૂર નથી. ‘બુદ્ધિશાળી’ એ તો વલણવાચક શબ્દ છે. તેનો અર્થ એ જ કે બીજા કરતાં બુદ્ધિકસોટીઓ ઉપર તે વ્યક્તિના પ્રાપ્તાંકો (scores) ઊંચા આવશે. માનસિક વલણવાચક શબ્દો કોઈ નિરીક્ષણ ન કરી શકાય તેવી અગમ્ય માનસિક ઘટનાઓનો નિર્દેશ કરે છે તેવું ધારવાની રાઇલની દૃષ્ટિએ કોઈ જરૂર નથી. એવું ધારો તો દરેક બાહ્ય શારીરિક ક્રિયાની પાછળ કોઈ અદૃશ્ય માનસિક ક્રિયા ધારવી પડે અને એ સિદ્ધાંત ‘યંત્રમાં ભૂત’નો જ સિદ્ધાંત બની જાય. માનસિક અને અનિરીક્ષણક્ષમ તેમ જ ભૌતિક અને નિરીક્ષણક્ષમ – એવી બે જુદી દુનિયા ધારીને દરેક વસ્તુને બેવડાવવાની જરૂર નથી. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે કલ્પેલાં દૃશ્યો અને કલ્પેલા અવાજો ખરેખરાં દૃશ્યો કે અવાજો કરતાં જુદાં છે અને છતાં તેમને મળતાં આવે છે. રાઇલના મત પ્રમાણે, જેમ નાટકના ભાગરૂપે કોઈ પાત્રનું ખૂન તેમાં થાય તો તે ખૂન જ નથી; તેમ કલ્પેલાં દૃશ્યો, દૃશ્યો જ નથી અને કલ્પિત અવાજો, અવાજો પણ નથી.
વલણવાચક શબ્દોનું વધુ વિશ્લેષણ કરતાં રાઇલના કેટલાક વિવેચકોએ એમ દર્શાવ્યું છે કે જ્યારે એમ કહેવામાં આવે છે કે ‘ખાંડ પાણીમાં ઓગળી જશે’ કે ‘બરફ ગરમીથી પીગળી જશે’, ત્યારે ભલે ‘ઓગળી જાય તેવી વસ્તુ’ કે ‘પીગળી જાય તેવી વસ્તુ’ એવા વલણવાચક શબ્દો પ્રયોજાતા હોય; પણ એમાં કહેવાનો આશય તો એવો જ હોય છે કે ‘જો ખાંડને પાણીમાં નાખશો તો તે ઓગળી જશે.’ અથવા તો ‘જો બરફને તડકે મૂકશો તો તે પીગળી જશે.’ હવે પ્રશ્ર્ન એ છે કે વલણવાચક શબ્દોની પાછળ વસ્તુની કોઈક પ્રકારની વર્તમાન કે ગુણધર્મ-અવસ્થા ન ધારવામાં આવે તો ઉપર દર્શાવેલાં શરતી વાક્યો શા માટે સાચાં છે તેનો ખુલાસો કરવો મુશ્કેલ બની જાય છે. બરફ તડકે મૂકવામાં આવે તો પીગળી જાય અને સાબુ તડકે મૂકવામાં આવે તો ન પીગળી જાય તે બાબતનો ખુલાસો આપતાં એમ કહેવું જ પડશે કે બરફની સંરચનામાં અત્યારે જ કેટલાંક તત્ત્વો એવાં રહેલાં છે કે જો અમુક પરિસ્થિતિમાં તે બરફ મુકાય તો તે અવદૃશ્ય પીગળી જાય. ‘જો કાચનો ગ્લાસ નીચે પડે તો તૂટી જાય’ એમ કહેવામાં આવે તો તેનો અર્થ તો એ જ છે કે અત્યારે જ કાચના ગ્લાસમાં કશુંક એવું તો છે જ કે જેને લીધે જો એ નીચે પડે તો તૂટી જાય. જો ગ્લાસમાં કશુંક એવું બંધારણ અત્યારે જ પ્રવર્તતું ન હોય તો પછી એ જ્યારે નીચે પડે ત્યારે તૂટી જાય તેવું શા માટે માનવું પડે ? કાં તો એમ કહેવાય કે ગ્લાસ નીચે પડતો ન હતો ત્યારે પણ તેનું બંધારણ એવું હતું કે જો તે નીચે પડે તો તે તૂટી જાય અથવા તો પછી એમ મનાય કે કાચમાં નીચે પડ્યા પહેલાં કશું જ એવું બંધારણ ન હતું અને જેવો તે નીચે પડવા માંડ્યો કે તુરત જ તે તૂટવા માંડ્યો. આ બીજો વિકલ્પ તો કોઈને સ્વીકાર્ય જ ન હોય. તેનો અર્થ એમ થયો કે વલણવાચક શબ્દોનો આધાર વસ્તુના કાયમી આંતરિક બંધારણ (structure) ઉપર રહેલો છે. વલણવાચક શબ્દો શરતી વિધાનોના રૂપમાં રજૂ થઈ શકે છે એ ખરું, પણ એવાં શરતી વિધાનોનો આધાર ક્યાંક તો વસ્તુના નિરુપાધિક વર્તમાન બંધારણમાં ધારવો જ પડે; દા. ત., વારંવાર લાગણીવશ વર્તન કરનારને આપણે ‘ભાવુક (sentimental)’ સમજીએ, પણ તેનો અર્થ એવો તો નથી જ કે ‘ભાવુક’ શબ્દને અનુરૂપ ક્યારેય કોઈ વ્યક્તિમાં કોઈ વર્તમાન ઘટના કે અવસ્થા જ પ્રવર્તતી ન હોય. ‘ભાવુક’ શબ્દ જરૂર વલણવાચક છે, પણ એ વલણવાચક શબ્દના પ્રયોગ (dispositional attribution) પાછળ કોઈક આધારરૂપ ઘટના કે પ્રક્રિયા તો ધારવી જ પડશે. રાઇલનો એવો મત છે કે મન-વિષયક ભાષાના વલણાત્મક શબ્દોની પાછળ તેના આધારરૂપે કોઈ માનસિક ક્રિયા ક્યારેય ઘટતી નથી. આવો મત વલણવાચક શબ્દોના વધુ વિશ્લેષણથી પડી ભાંગે છે તેવું આર્મસ્ટ્રૉંગ અને બીજા વિવેચકોનું માનવું છે.
રાઇલનો તાર્કિક વર્તનવાદ ઘણાંને સ્વીકાર્ય નથી, છતાં તેમનું વલણવાચક વિધાનોનું વિશ્લેષણ ઘણી રીતે અગત્યનું જણાયું છે.
ભૌતિકવાદી આર્મસ્ટ્રૉંગે પોતે પણ રાઇલની જેમ જ ડેકાર્ટના દ્વૈતવાદનો અસ્વીકાર કર્યો છે, પણ આર્મસ્ટ્રૉંગ રાઇલનો એ મત સ્વીકારતા નથી કે વલણવાચક શબ્દોની પાછળ તેના આધારરૂપે કોઈ અવસ્થા, પ્રક્રિયા કે ઘટના જ નથી હોતી. રાઇલની સામે આર્મસ્ટ્રૉંગે વલણવાચક શબ્દો અંગેનો વાસ્તવિકતા-વિષયક (realistic) અભિગમ રજૂ કર્યો છે.
રાઇલના વલણવાચક વિશ્લેષણ અંગે મુખ્ય બે પ્રશ્ર્નો થાય છે : (1) શું બધી મનવિષયક વિભાવનાઓ કેવળ વલણવાચક (dispositional) જ હોય છે ? શું ક્યાંય માનસિક ઘટનાઓ, અનુભવો કે વ્યાપારો ક્યારેય અનુભવાતા હોતા નથી ? દા. ત., દાંતની પીડાનો અનુભવ અને તે પીડા વ્યક્ત કરતું વર્તન – એ બંને શું જુદાં નથી ? અને (2) ધારો કે બધી મન-વિષયક વિભાવનાઓ વલણવાચક વિભાવનાઓ જ હોય, તોપણ તેવી વલણવાચક વિભાવનાઓ દર્શાવતા શબ્દપ્રયોગો(dispositional attribution)ની પાછળ તેના આધારરૂપ કોઈ માનસિક ક્રિયા કે અવસ્થા હોતી જ નથી ? દા. ત., દાંતની પીડાનો અનુભવ શું માત્ર તે પીડા કે વેદના વ્યક્ત કરતાં ઉચ્ચારણો અને તેને લગતાં શારીરિક હાવભાવો કે હલનચલનો સિવાય કશું જ નથી ?
રાઇલ માને છે કે મનવિષયક વિધાનો આખરે તો વર્તનવિષયક વિધાનોમાં નિ:શેષ રીતે રૂપાન્તરિત કરી શકાય છે. આ મત તાર્કિક વર્તનવાદ (logical behaviourism) તરીકે ઓળખાય છે. રાઇલે કહ્યું છે કે મન ભૌતિક દ્રવ્ય (substance) નથી, માટે તે અભૌતિક દ્રવ્ય છે તેવું ન કહેવાય; કારણ કે મન ખરેખર તો કોઈ પ્રકારનું દ્રવ્ય કે તત્વ જ નથી. જડ વસ્તુ-વિષયક વિધાનો અને મન-વિષયક વિધાનો વ્યાકરણની દૃષ્ટિએ સરખાં જણાય, તોપણ તે બંનેનું તર્કશાસ્ત્ર જુદું જ છે. બંને તદ્દન ભિન્ન વિચારકોટિનાં વિધાનો છે. બંનેને એક જ વિચારકોટિનાં ગણી લેવાં તે જ વિચારકોટિવિષયક ભૂલ (catagory mistake) છે. રાઇલની સામે આપત્તિ એ જ છે કે મન અને શરીર તદ્દન ભિન્ન પદાર્થો ન હોય, તોપણ ક્યાંક માનસિક ઘટનાઓ કે વ્યાપારોને તો માનવાં જ પડશે.
મધુસૂદન બક્ષી