રાઇટ, પીટર (જ. 1916, ચેસ્ટરફીલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1995) : જાસૂસી કામગીરીના નિષ્ણાત અંગ્રેજ અધિકારી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ વૈજ્ઞાનિક અધિકારી તરીકે ઍડમિરલ્ટી રિસર્ચ લૅબોરેટરીમાં જોડાયા. બદલી થયેથી, 1955થી 1976 દરમિયાન તેમણે એમ-15 નામક શાખા એટલે કે પ્રતિ-જાસૂસી સંસ્થામાં કાર્યભાર સંભાળ્યો. ત્યાં તેમણે જાસૂસી કામની અનેકવિધ પ્રયુક્તિઓમાં તથા રશિયાના છૂપા જાસૂસ (moles) શોધી કાઢવાના કાર્યમાં વિશેષ નિપુણતા કેળવી.

નિવૃત્ત થયેથી, તેમણે ટાસ્માનિયામાં વિશાળ ઘેટા-ફાર્મ ખરીદ્યું. ત્યાં ‘સ્પાયકૅચર’ (1987) નામની આત્મકથા લખી; તેમાં તેમણે એવો આક્ષેપ કર્યો કે એમ-15ના ભૂતપૂર્વ ડિરેક્ટર-જનરલ સર રૉજર હૉલિસ રશિયા માટે ઇંગ્લૅન્ડની વળતી જાસૂસી કરનાર વ્યક્તિ (double agent) હતા એટલે કે તેઓ ‘ફિફ્થ મૅન’ હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે એમ15માંનાં જ કેટલાંક તત્વોએ 1960ના મધ્ય દશકા દરમિયાન વિલ્સન સરકારને ઉથલાવી પાડવા કોશિશ કરી હતી.

સલામતીના કારણસર થૅચર સરકારે આ પુસ્તકનું પ્રકાશન-વિતરણ દાબી દેવા ખૂબ પ્રયાસ કર્યા હતા, પણ તેમાં તેમને સર્વાંશે નિષ્ફળતા મળી હતી.

મહેશ ચોકસી