રાઇઝોફોરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેને ઉપવર્ગમુક્તદલા (polypetalae), શ્રેણી વજ્રપુષ્પી (calyciflorae) અને ગોત્ર મીરટેલ્સમાં મૂકવામાં આવે છે. ચેર (mangrove) વનસ્પતિઓ ધરાવતા આ કુળમાં લગભગ 16 પ્રજાતિઓ અને 120 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં 7 પ્રજાતિઓ અને 14 જેટલી જાતિઓ તેમજ ગુજરાતમાં 3 પ્રજાતિઓ અને 3 જાતિઓ નોંધાઈ છે. ઉષ્ણ કટિબંધના દરિયાકાંઠે ભરતીવાળા વિસ્તારમાં કાદવવાળી મૃદામાં તે થાય છે. ભારતમાં ચેરનાં જંગલો નૈસર્ગિક રીતે વિપુલ પ્રમાણમાં છે. ગુજરાતમાં તે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે નૈસર્ગિક રીતે થાય છે. ભારત સરકારે ચેરનાં જંગલોને ‘રક્ષિત વન’ તરીકે જાહેર કર્યાં છે.

આકૃતિ 1 : રાઇઝોફોરેસી : (અ) Rhizophora mucronataની ફળયુક્ત શાખા; (આ) પુષ્પનો ઊભો છેદ; (ઇ) બીજાશયનો આડો છેદ; (ઈ) દલપત્રો  પુંકેસરો સાથે; (ઉ) ફળ; (ઊ) શ્વસનમૂળ; (ઋ) પુષ્પીય આરેખ.

આ કુળની વનસ્પતિઓ ક્ષુપ (shrub) કે વૃક્ષ સ્વરૂપની હોય છે. તેની પ્રકાંડની ગાંઠો ફૂલેલી હોય છે. તેઓ શ્ર્વાસગ્રાહી મૂળ (pneumatophores) ધરાવે છે, જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ અભૂવર્તી (negative gravitropic) વૃદ્ધિ દાખવી, જમીનની બહાર વિકાસ પામી શ્વસન માટે વાતાવરણના ઑક્સિજનનું શોષણ કરે છે. પર્ણો સાદાં, સંમુખ (opposite) કે ભ્રમિરૂપ (whorled), ચર્મિલ (coriaceous) અને દીર્ઘસ્થાયી (persistent) હોય છે. ઉપપર્ણો (stipules) આંતરવૃંતીય (interpetiolar) અને શીઘ્રપાતી (caducous) હોય છે, અથવા પર્ણો અનુપપર્ણીય (exstipulate) હોય છે. પુષ્પવિન્યાસ એકાકી (solitary), કક્ષીય (axillary) અથવા પરિમિત (cymose) પ્રકારનો જોવા મળે છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, ભાગ્યે જ એકલિંગી, એકગૃહી (monoecious), પરિજાયી (perigynous) કે ઉપરિજાયી (epigynous) હોય છે. વજ્રપત્રો 3થી 14, વધતેઓછે અંશે તલસ્થ ભાગેથી જોડાયેલાં, ધારાસ્પર્શી (valvate), દીર્ઘસ્થાયી અને બીજાશયને સ્પર્શે છે.

દલપત્રો વજ્રપત્રોની સંખ્યા જેટલાં, ઘણી વાર નાનાં, સામાન્યત: રસાળ (fleshy) કે ચર્મિલ, મુક્ત, નખરિત (clawed), વિદારિત (lacerate) કે ખાંચવાળાં (emarginate) અને કલિકામાં સંવલિત (convolute) કે અંતર્નત (inflexed) હોય છે. પુંકેસરો દલપત્રોની સંખ્યા કરતાં 2થી 4ગણાં, સામાન્યત: એકશ્રેણીમાં દલપત્ર-સંમુખ યુગ્મમાં આવેલાં અને પરિજાયી કે ઉપરિજાયી ખંડિત બિંબની બહારની ક્ધિાારીએ ગોઠવાયેલાં હોય છે. Kandeliaમાં અસંખ્ય પુંકેસરો હોય છે. તેના તંતુઓ અત્યંત ટૂંકા અને પરાગાશયો અંતર્ભૂત (introse), ચતુષ્ખંડી હોય છે અને સ્ફોટન લંબવર્તી વિપાટનો દ્વારા થાય છે. Rhizophoraમાં પરાગધાનીઓ અસંખ્ય હોય છે. સ્ત્રીકેસરો 2-6, યુક્ત, પરિદલપુંજ(perianth)ના અભિલાગ(adnation)ને અનુલક્ષીને બીજાશય ઊર્ધ્વસ્થ, અર્ધ અધ:સ્થ કે અધ:સ્થ હોય છે અને 26 કોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. સામાન્યત: પ્રત્યેક કોટરમાં બે લટકતાં અધોમુખી (anatropous) અંડકો હોય છે. ભાગ્યે જ સ્ત્રીકેસરોના પડદાઓના વિઘટનથી બીજાશય એકકોટરીય બને છે. પરાગવાહિની એક અને પરાગાસન સ્ત્રીકેસરોની સંખ્યા જેટલા ખંડોમાં વિભાજિત હોય છે. ફળ સામાન્ય રીતે અનષ્ઠિલ (berry), રસાળ અને તેની ટોચ ઉપર દીર્ઘસ્થાયી વજ્ર હોય છે. ફળ ક્વચિત જ પ્રાવર (capsule) કે અષ્ઠિલ (drupe) પ્રકારનું હોય છે.

આકૃતિ 2 : (અ) Bruguiera cylindrica (L.) Bl.

આકૃતિ 2 : (આ) B. gymnorrhiza (Linn.) Sav.

કેટલીક પ્રજાતિઓમાં બીજ ફળમાં હોય ત્યારે જ અંકુરણનો પ્રારંભ થાય છે. તેમાંથી લાંબું અને છેડેથી અણીદાર ભ્રૂણમૂળ ઉત્પન્ન થાય છે. બીજના વજનથી ફળ તૂટી જઈ ડાળી સાથે રહી જાય છે, જ્યારે અંકુરિત બીજનું અણીદાર ભ્રૂણમૂળ કાદવમાં ખૂંપી જાય છે. આવા પ્રકારના અંકુરણને જરાયુજ (viviparous) અંકુરણ કહે છે. આ કુળનું પુષ્પીય સૂત્ર નીચે પ્રમાણે છે :

આ કુળની કેટલીક અગત્યની વનસ્પતિઓ આ પ્રમાણે છે : (1) Rhizophora mucronata Lam. (કાંડેલ); (2) R. apiculata Bl. (નયા કાંડેલ); (3) Bruguiera gymnorhiza (Linn.) Sav. (કકરા, કરાડ); (4) B. sexangula poir. (કેહરારાસિનિયા); (5) B. cylindrica (L.) Bl. (કાકંડન); (6) B. parviflora wight & Arn. (વુરાડા); (7) Ceriops tagel (Perr.) C. B. Robins (ગૉરન); (8) Carallia brachiata (Lour) Merrill (પાનાસી); (9) Kandelia candel (Linn.) Druce. (ગોરિયા).

આ કુળની કેટલીક જાતિઓની છાલ અને પર્ણોમાંથી ટેનિન મેળવવામાં આવે છે અને કાષ્ઠ-પાણીમાં થતા બાંધકામમાં અને મોભમાં, પુલના ગર્ડર, હલેસાં, હોડી, રાચરચીલું અને ખેતીવાડીનાં ઓજારો બનાવવા માટે ઉપયોગી છે.

જૈમિન વિ. જોશી