રાંચી : ઝારખંડ રાજ્યનો મોટામાં મોટો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 85° 00´ પૂ. રે.ની આજુબાજુનો 7,698 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હઝારીબાગ અને ચત્રા, પૂર્વમાં પુરુલિયા (પ. બં.) અને પશ્ચિમ સિંગભૂમ, દક્ષિણે પશ્ચિમ સિંગભૂમ તથા પશ્ચિમે ગુમલા, લોહરડગા અને પાલામાઉ જિલ્લા આવેલા છે. જિલ્લામથક રાંચી જિલ્લાના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલું છે. જિલ્લાનું નામ રાંચી 1899માં પાડેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : રાંચી જિલ્લાનું ભૂપૃષ્ઠ છોટાનાગપુર ઉચ્ચપ્રદેશ સંકુલના ભાગરૂપ છે. આ જિલ્લાને છોટાનાગપુર ઉચ્ચપ્રદેશનો નીચલો વિસ્તાર અને રાંચીનો ઉચ્ચપ્રદેશ  એ પ્રમાણેના બે વિભાગોમાં વહેંચેલો છે. જિલ્લાનો ઉત્તર ભાગ આવરી લેતા છોટાનાગપુર ઉચ્ચપ્રદેશની ઊંચાઈ 150થી 300 મીટર જેટલી છે. બાકીનો બધો ભાગ રાંચી ઉચ્ચપ્રદેશથી આવરી લેવાયેલો છે, તેની ઊંચાઈ 600 મીટરની છે; પરંતુ તેનું ભૂપૃષ્ઠ અસમતળ છે. કેટલીક ટેકરીઓ સપાટ શિરોભાગવાળી પણ છે. તેનો ઊંચાણવાળો ભાગ રાંચી શહેરથી નૈર્ઋત્યમાં આવેલી આશરે 16 કિમી. લાંબી ડુંગરધારથી બનેલો છે. 1,200 મીટરની ઊંચાઈ ધરાવતું સરુપહાડ શિખર અહીંનું સૌથી ઊંચું શિખર છે. મધ્યના ઉચ્ચપ્રદેશીય ભાગમાં છૂટીછવાઈ ટેકરીઓ આવેલી છે. આ પૈકી રાંચી ટેકરી તથા રાંચીથી દક્ષિણે આવેલી મારાંગ બુરુ બંને આશરે 800 મીટર જેટલી ઊંચાઈવાળી છે.

સુવર્ણરેખા, દક્ષિણ કોયલ (કરકરી) અને શંખ અહીંની મુખ્ય નદીઓ છે. સુવર્ણરેખા રાંચીના ઉચ્ચપ્રદેશમાંના રાતુ નામના સ્થળેથી નીકળે છે અને ત્યાંથી પૂર્વ તરફ વહી રાંચીથી 38 કિમી. દૂર હુંદરુ ખાતે ધોધ રૂપે પડે છે. આ સ્થળે કરાડ હોવાથી આ નદી 100 મીટર નીચે ધોધ રૂપે ખાબકે છે. અહીંનું ધોધનું રમણીય દૃશ્ય પ્રવાસીઓ માટેનું આકર્ષણ બની રહેલું છે.

ખેતીપશુપાલન : ડાંગર અને ઘઉં અહીંના મુખ્ય પાકો છે. આ ઉપરાંત રોકડિયા પાકોમાં તેલીબિયાંનું મહત્વ વધુ છે. અહીંની ટેકરીઓમાંથી નીકળતી નદીઓ ચોમાસાની ઋતુ સિવાય સૂકી રહે છે. કૃત્રિમ સિંચાઈ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. ખેતી માટે પરંપરાગત રીતે કૂવા અને ઝરણાંમાંથી પાણી ઉપયોગમાં લેવાય છે. આઝાદી પછી સિંચાઈ માટે કેટલીક યોજનાઓ કરવામાં આવી છે.

આ જિલ્લામાં ગોચરો પૂરતા પ્રમાણમાં ન હોઈ પશુઓની સંખ્યા પણ ઓછી છે. ખેડૂતો અહીં વધુ સંખ્યામાં બકરાં પાળે છે. અહીંની ગાયોની ઓલાદ સુધારવા પશુદવાખાનાં, ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો વિકસાવાયાં છે. આ જિલ્લામાં મરઘાં-બતકાંના પાલન પર વિશેષ ધ્યાન અપાય છે. આદિવાસીઓમાં કુટિર-ઉદ્યોગ તરીકે તે વિકસ્યો છે.

ઉદ્યોગો : આઝાદી પછીનાં વર્ષોમાં આ જિલ્લામાં ખાણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વિકસે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. અહીં બૉક્સાઇટ, ચૂનાખડકો અને ચિનાઈ માટીનું ખનનકાર્ય ચાલે છે. લાખનું ઉત્પાદન અહીં વર્ષોથી ચાલે છે. હાતિયા ખાતે આવેલું હેવી એંજિનિયરિંગ કૉર્પોરેશન અહીંનો મહત્વનો ઉદ્યોગ છે. આ ઉપરાંત જેન્સન ઍન્ડ નિકોલસન (ઇન્ડિયા) લિ., તાતા આયર્ન ઍન્ડ સ્ટીલ કં. લિ., તાતા રૉબિન્સફ્રેસર લિ., તાતા યોડોગાવા લિ., ટાટા એંજિનિયરિંગ ઍન્ડ લૉકોમોટિવ કં. લિ., ટિનપ્લેટ કં. ઑવ્ ઇન્ડિયા લિ., એસોસિયેટેડ સિમેન્ટ કં., ઇન્ડિયન ઍલ્યુમિનિયમ કં., ગવર્ન્મેન્ટ વૅક્સિન ઇન્સ્ટિટ્યૂટ, હાઇ ટેન્શન ઇન્સ્યુલેશન ફૅક્ટરી, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ ફૅક્ટરી, ઇન્ડિયન ઑક્સિજન લિ., મહાલક્ષ્મી ફાઇબર્સ લિ., નાલંદા સિરૅમિક્સ લિ., ઉષા માર્ટિન બ્લૅક કં., ઉષા બેલ્ટ્રોન લિ., કૅથલિક પ્રેસ, એ. એમ. આરાથૂન પ્રા. લિ., રાંચી ડિસ્ટિલરી, હિન્દપીરી લાખની ફૅક્ટરી, છોટાનાગપુર એંજિનિયરિંગ વકર્સ વગેરે જેવા ઉદ્યોગગૃહો પણ કાર્યરત છે.

વેપાર : લાખ, બટન, સાબુ, બેકરી, સિમેન્ટ, રાચરચીલું, લાખવાળાં માટીનાં પાત્રો, ઍલ્યુમિના પાઉડર, ઑક્સિજન, હાથસાળનું કાપડ, લોખંડ-પોલાદનો સામાન, લોખંડની યંત્રસામગ્રી જેવી ચીજવસ્તુઓનું અહીં ઉત્પાદન લેવાય છે. અહીંથી લાખ, સિમેન્ટ, કોલસો, ચૂનાખડક, ચોખા, શાકભાજી, ચા, ચામડાં, હાડકાં, લાકડાં, હાથસાળનું કાપડ, કૃષિસાધનો અને ઓજારોની નિકાસ થાય છે; જ્યારે ઘઉં, ખાદ્યતેલ, ચોખા, ફળો, મકાઈ, મીઠું, કેરોસીન, દૂધ, દોરા, કાપડ, કાગળ, લોખંડના સળિયા અને પતરાંની આયાત કરવામાં આવે છે. રાંચી, પાલકોટ, ગોવિંદપુર અને બંદુ અહીંનાં મુખ્ય વેપારી મથકો છે. માલની હેરફેર રેલમાર્ગો અને સડકમાર્ગો દ્વારા તથા કેટલાક ભાગોમાં બળદગાડાં દ્વારા થાય છે.

વાહનવ્યવહારપ્રવાસન : આ જિલ્લામાં આશરે 1,000 કિમી.ની લંબાઈના રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્યમાર્ગો, જિલ્લામાર્ગો તેમજ રેલમાર્ગોની ગૂંથણી સારી રીતે વિકસેલી છે. રાંચી શહેર પાસે હિનુ ખાતે હવાઈ મથક આવેલું છે. રાંચીથી પટણા, કોલકાતા, દિલ્હીની દૈનિક હવાઈ સેવા ઉપલબ્ધ છે. જિલ્લામાં બરન્ડા, બસનગઢ, ચાકાહટુ, દેરાંગ, ઇટાકી (ઇટાકી ઠાકુરગાંવ), જગન્નાથપુર, ઝરિયા (ઝરિયાગઢ), કૈમ્બો, રાતુ, ભોરા, ચલકાડ, કેરો, ઊલીહટુ, ગૌતમધારા (જોહના ધોધ), હુન્દરુધોધ તથા રાંચી મહત્વનાં પ્રવાસ-મથકો ગણાય છે. અહીં વારતહેવારે મેળા ભરાય છે તથા ઉત્સવો ઊજવાય છે.

રાંચીનગરનો હાર્દભાગ

વસ્તી : 2001 મુજબ જિલ્લાની વસ્તી 27,83,577 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 67 % અને 33 % જેટલું છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે; જ્યારે બૌદ્ધ, જૈન અને શીખોની વસ્તી ઓછી છે. જિલ્લામાં હિન્દી, બંગાળી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 45 % જેટલું છે. અહીં નગરો ઉપરાંત 71 % જેટલાં ગામડાંઓમાં શિક્ષણની વ્યવસ્થા છે. એ જ રીતે નગરો ઉપરાંત 18 % ગામડાંઓમાં તબીબી સેવાઓ ઉપલબ્ધ છે. રાંચી ખાતે આકાશવાણી મથક છે. આ શહેરમાંથી ત્રણ વર્તમાનપત્રો બહાર પડે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક ઉપવિભાગમાં અને 20 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 2,057 (19 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

રાંચી (શહેર) : ઝારખંડ રાજ્યના રાંચી જિલ્લાનું શહેર અને વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 23° 21´ ઉ. અ. અને 85° 20´ પૂ. રે. તે આશરે 710 મીટરની ઊંચાઈએ છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશ પર સુવર્ણરેખા નદીને કાંઠે વસેલું છે. તે છોટાનાગપુર વિભાગનું પણ મુખ્ય મથક છે. અગાઉના વખતમાં તેનો ઉનાળુ પાટનગર તરીકે ઉપયોગ થતો હતો. તે ઊંચાઈએ આવેલું હોવાથી ઉનાળા તેમજ શિયાળા ઓછા ઉગ્ર રહે છે. તેની આબોહવા ખુશનુમા રહેતી હોવાથી તે ખૂબ જાણીતું બનેલું છે. તે રેલમાર્ગ અને સડકમાર્ગોથી સંકળાયેલું છે. વળી આજુબાજુના પ્રદેશ માટે તે રેલ તથા સડકમાર્ગોનું જંકશન હોવાથી અહીં ઉત્પન્ન થતી લાખ અને યંત્રસામગ્રી જેવી ઔદ્યોગિક પેદાશો તેમજ ચા અને કપાસ જેવી કૃષિપેદાશોનું મુખ્ય વેપારી મથક બની રહેલું છે. તેનું સ્થાન મોકાનું હોવાથી ઔદ્યોગિક મથક તરીકે વિકસ્યું છે. જિલ્લાના ઘણાખરા ઉદ્યોગો (લાખ ઉત્પાદન, રેશમકીટપાલન, ભારે યંત્રસામગ્રી) અહીં સ્થપાયેલા છે. અહીં લશ્કરી છાવણી, રેડિયમ અને લાખનાં સંશોધન-મથકો આવેલાં છે. 1960માં સ્થપાયેલી રાંચી યુનિવર્સિટીનું આ મુખ્ય મથક છે. કાયદાની, તબીબી અને શિક્ષક તાલીમી જેવી કૉલેજો પણ આવેલી છે. અહીં નૅશનલ કોલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, હેવી એન્જિનિયરિંગ કૉર્પોરેશન અને હિન્દુસ્તાન સ્ટીલ કંપનીનાં મુખ્ય મથકો તથા બે મેન્ટલ હૉસ્પિટલો છે. અહીંનાં જૈન મંદિરો, ટાગોર હિલ અને રાંચી ડૅમ પ્રવાસીઓ માટેનાં આકર્ષણકેન્દ્રો છે. રાંચી શહેરની વસ્તી 6,14,454 (1991) જેટલી છે.

ઇતિહાસ : ઈ. પૂ. ત્રીજી સદીમાં અને ત્યારબાદ આ પ્રદેશ મૌર્ય સમ્રાટ અશોકના અને તે પછી તે વંશના રાજાઓના શાસન હેઠળ હતો. ત્યારબાદ કલિંગના રાજા ખારવેલ તથા ઈ.સ.ની ચોથી સદીમાં સમુદ્રગુપ્તે આ પ્રદેશ ઉપર સત્તા સ્થાપી હતી. પાંચમી સદીથી છોટાનાગપુરના નાગ વંશના રાજાઓ આ પ્રદેશના શાસકો હતા. બારમીથી પંદરમી સદી દરમિયાન ઝારખંડ કોઈ બહારની સત્તાના પ્રભાવ હેઠળ નહોતું. ‘આઈને અકબરી’માં જણાવ્યા મુજબ 1585માં અકબરે આ પ્રદેશ જીતીને બિહારના સૂબામાં (પ્રાંતમાં) ભેળવી દીધો. અકબરના અવસાન (1605) બાદ આ પ્રદેશ સ્વતંત્ર થઈ ગયો હતો, અને છોટાનાગપુરના રાજાની સત્તા હેઠળ આ વિસ્તાર લાંબા સમય સુધી રહ્યો હતો.

ઈ.સ. 1765માં સમ્રાટ શાહઆલમ બીજાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસાની દીવાની સત્તા સોંપી ત્યારે બિહારના ભાગ તરીકે છોટાનાગપુરનો તેમાં સમાવેશ થયો હતો. 1780માં ચૅપમન છોટાનાગપુરનો વહીવટદાર બન્યો. તેના સમયમાં, 1789માં આદિવાસીઓએ તામારમાં કરેલ બળવો સખત હાથે કચડી નાખવામાં આવ્યો. 183132માં આદિવાસીઓએ બ્રિટિશ સરકારના જુલમ વિરુદ્ધ બળવો કર્યો, જે કૅપ્ટન વિલ્કિન્સને દબાવી દીધો. ખ્રિસ્તી મિશનરીઓએ આ પ્રદેશમાં લોકોને શિક્ષણ આપીને તેમનું ધર્મપરિવર્તન કરાવવા માંડ્યું.

1857ની 30મી જુલાઈના રોજ હજારીબાગની દેશી કંપનીના સિપાઈઓએ બળવો કર્યો. દોરંદામાં સરકારી કચેરીઓ, અદાલતો અને કેટલાક બંગલાને આગ ચાંપી, જેલના કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. ત્યાં સપ્ટેમ્બરમાં બળવો દબાવી દેવામાં આવ્યો.

બિરસા મુંડાની આગેવાની હેઠળ ખેડૂતોએ 1887માં મહેસૂલ ભરવાનો ઇન્કાર કરી, જમીનદારો સામે સશસ્ત્ર બળવો કર્યો. બળવો દબાવી દઈ બિરસાને જેલમાં પૂરવામાં આવ્યો. તે 1900માં જેલમાં મરણ પામ્યો.

દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ગણેશચંદ્ર ઘોષના નેતૃત્વ હેઠળ રાંચી જિલ્લાના લોકોએ નોંધપાત્ર ભાગ લીધો હતો. ચંપારણના ગળીના ખેડૂતો ઉપર થતા જુલમ અંગે વાતચીત કરવા ગાંધીજી 1917માં બિહાર અને ઓરિસાના લેફ્ટેનન્ટ ગવર્નરને રાંચીમાં મળ્યા હતા. અસહકારની ચળવળ(1920-22)માં આ પ્રદેશના લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. સવિનય કાનૂનભંગની ચળવળ (1930-32) તથા ‘હિંદ છોડો’ ચળવળ(1942)માં ભાગ લઈને જિલ્લાના લોકોએ હડતાળો પાડી, સરઘસો કાઢ્યાં તથા વાહનવહેવારની ભાંગફોડ કરીને ધરપકડો વહોરી હતી. 1947માં આઝાદી મળ્યા બાદ આ જિલ્લાએ વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરવા માંડી.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ