રાંગેય રાઘવ (જ. 17 જાન્યુઆરી 1923, આગ્રા; અ. 12 સપ્ટેમ્બર 1962, મુંબઈ) : હિંદી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક અને અનુવાદક. તેમનું પૂરું નામ તિરુમલૈ નમ્બાકમ્ વીર રાઘવાચાર્ય હતું. પિતા રંગાચાર્ય તમિળ, ફારસી અને સંસ્કૃતના વિદ્વાન હતા અને કાવ્ય તથા પિંગળશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા હતા. માતા કનકવલ્લી તમિળ, કન્નડ અને વ્રજ ભાષાનાં જાણકાર હતાં. માતાપિતા ઉપરાંત રાઘવ પર બાળપણથી તેમના વેદવિદ ફુઆ દેશિકાચાર્યના તથા તેમનાં વિદુષી ફોઈ અક્કાજીના ઊંડા સંસ્કાર પડ્યા હતા.

તેમનું પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી માધ્યમથી આગ્રામાં થયું. તેમણે અંગ્રેજી સાહિત્ય, દર્શન તથા અર્થશાસ્ત્ર સાથે સ્નાતકની પદવી મેળવી. પછી 1943માં હિંદી સાથે એમ.એ. થયા. 1948માં આગ્રા યુનિવર્સિટીમાંથી ‘ભારતીય મધ્યયુગના સંધિકાળનું અધ્યયન : ગોરખનાથ અને તેનો યુગ’ – એ વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેને માટે તેમણે શાંતિનિકેતન તથા વારાણસીના મણિનાથ મઠનો પ્રવાસ ખેડ્યો. આ સંશોધન-ગ્રંથમાં તેમણે પંડિત હજારીપ્રસાદનું માર્ગદર્શન મેળવ્યું, પાંડુલિપિ પ્રાપ્ત કરીને તેનો અત્યંત વિવેકપૂર્વક ઉપયોગ કર્યો. આ અભ્યાસ દરમિયાન જાણીતી નવલકથા ‘ઘરૌંદા’ની રચના કરી ત્યારથી તેમને પ્રસિદ્ધિ મળી (1946).

1937થી એકમાત્ર લેખક બનવાની મહત્વાકાંક્ષાથી તેમણે અનેક મુશ્કેલીઓ અને પ્રતિકૂળ સંજોગો છતાં, કોઈ પ્રલોભનમાં પડ્યા વિના, જીવન પર્યંત નિરંતર લેખનકાર્ય કર્યા કર્યું. છેક 1956માં તેમણે સુલોચના આયંગર સાથે મુંબઈમાં ખૂબ સાદાઈથી લગ્ન કર્યાં. તેમનાં વિદુષી પત્ની તેમના લેખનકાર્યમાં સતત પ્રેરણારૂપ બની રહ્યાં.

માત્ર 39 વર્ષની વય દરમિયાન રાઘવે 150 જેટલાં મૌલિક અને અનૂદિત પુસ્તકો આપ્યાં. તેમાં 38 નવલકથાઓ, 10 વાર્તાસંગ્રહો, 6 કાવ્યસંગ્રહો, 3 નાટકો તથા 17 ઇતિહાસ અને સંસ્કૃતિ વિષયક ચિંતન અને સાહિત્યવિવેચનના મહત્વપૂર્ણ ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓમાં ‘મુર્દો કા ટીલા’, 1948; ‘બોલતે ખંડહર’, 1955; ‘કબ તક પુકારૂં’, 1957; ‘પંથ કા પાપ’, 1959; અને ‘આખિરી આવાઝ’, 1962 ઉલ્લેખનીય છે. તેમાં લેખકે ગામોમાં પ્રવર્તતા વ્યાપક વ્યભિચાર, ખેડૂતોનું શોષણ તેમજ આઝાદી પછી નેતાઓ દ્વારા બિછાવાતી કરોળિયાની જાળનું આબેહૂબ ચિત્રાંકન કર્યું છે. ‘પંથ કા પાપ’માં વ્યભિચારી અને હીન વ્યક્તિ સમાજમાં સૌથી સફળ વ્યક્તિ બનતી હોય તેવી પરિસ્થિતિનું વ્યંગ્યાત્મક નિરૂપણ છે.

વાર્તાસંગ્રહોમાં ‘સામ્રાજ્ય કા વૈભવ’ (1947); ‘અધૂરી મૂરત’ (1949); ‘ઐયાશ મુર્દે’ (1953); ‘પાંચ ગધે’ (1960) મુખ્ય છે. ‘અજેય ખંડહર’ (1944), ‘મેધાવી’ (1947) અને ‘પાંચાલી’ (1955) કાવ્યકૃતિઓ છે. વળી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ભૂમિકા પર લખેલું નાટક અને બંગાળમાં પડેલા દુષ્કાળ પર લખેલા અહેવાલોનો ‘તૂફાનોં કે બીચ’ નામક સંગ્રહ અભૂતપૂર્વ છે. તેમણે ગ્રીક નાટકોના તથા શેક્સપિયર, ગાલ્સવર્ધીની કૃતિઓના અને દંડી, શૂદ્રક, કાલીદાસ અને વિશાખદત્તની કૃતિઓના અનુવાદો હિંદીમાં આપ્યા છે. તેમની કૃતિઓ સંખ્યાબંધ ભારતીય તથા વિદેશી ભાષાઓમાં અનૂદિત થઈ છે.

તેમણે મહદંશે અન્ય લેખકોના ઉત્તર રૂપે રચેલી કૃતિઓમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના ‘આનંદમઠ’ના ઉત્તરમાં ‘વિષાદમઠ’; ભગવતીચરણ વર્માના ‘ટેઢે મેઢે રાસ્તે’ સામે ‘સીધા સાદા રાસ્તા’; જયશંકર પ્રસાદની ‘કામાયની’ની સ્પર્ધામાં પ્રબંધકાવ્ય ‘મેધાવી’; યશપાલની ‘દિવ્યા’ સામે ‘ચીવર’; રામવિલાસ શર્માની ‘પ્રગતિશીલ સાહિત્ય કી સમસ્યાએં’ સામે ‘પ્રગતિશીલ સાહિત્ય કે માનદંડ’ અને કનૈયાલાલ મુનશીના આર્યવાદ અને રક્તશુદ્ધિના બ્રાહ્મણવાદી સિદ્ધાંતોના ઉત્તરમાં તેમણે રચેલ ‘મહાયાત્રા ખંડ  1, 2’ જેવી ગાથાઓનો સમાવેશ થાય છે. ફિલ્મ-પ્રોડ્યૂસર મિત્ર યશપાલ શર્મા સાથે મુંબઈ જઈને ‘સીતામૈયા’ અને ‘લંકાદહન’ જેવી પૌરાણિક ફિલ્મોની પટકથાઓ અને સંવાદો પણ લખ્યાં હતાં. આમ તેમણે હિંદી સાહિત્યની બધી શાખાઓમાં પદાર્પણ કરીને સાહિત્ય તથા કલાના ક્ષેત્રે તેમની અનન્ય સર્જનશીલ પ્રતિભાનો પરચો કરાવ્યો છે.

ઉત્તર પ્રદેશ સરકાર અને રાજસ્થાન સાહિત્ય અકાદમી તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને દાલમિયા પુરસ્કાર અને ગાંધી પુરસ્કાર જેવા અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા