રાંકે, લિયોપોલ્ડ વૉન (જ. 21 ડિસેમ્બર 1795, વીહ, થુરિંગિયા, જર્મની; અ. 23 મે 1886, બર્લિન) : 19મી સદીના અગ્રણી જર્મન ઇતિહાસકાર. તેમણે લાઇપઝિગ અને બર્લિનમાં અભ્યાસ કરીને 1818માં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી.
1818થી 1825 સુધી રાંકેએ ફ્રૅન્કફર્ટની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. 1825થી બર્લિન યુનિવર્સિટીમાં ઇતિહાસમાં એસોસિયેટ પ્રોફેસર અને 1834થી 1871 સુધી પ્રોફેસર તરીકે તેમણે શીખવ્યું. તેમણે વિયેના, વેનિસ, રોમ અને ફ્લૉરેન્સના દફતરભંડારો તપાસ્યા. તેઓ મૂળ સ્રોતોના આધારે જ ઇતિહાસ લખતા તેથી તેમના ગ્રંથો કાયમ માટે આધારભૂત ગણાયા. આધુનિક ઐતિહાસિક વિવેચન અને સંશોધનનો તેમણે પાયો નાખ્યો. તેઓ ઇતિહાસના વિવિધ વિષયો વિશે પરિસંવાદો યોજતા. તેમાં તલસ્પર્શી ચર્ચાઓ થતી. તેમાં હાજરી આપતા તેમના વિદ્યાર્થીઓ જાણીતા ઇતિહાસકારો બન્યા. 1824માં
તેમનું પ્રથમ પુસ્તક History of the Romans and Germanic Nations, 14941535 પ્રગટ થયું. આ પુસ્તકે તેમને પ્રથમ કક્ષાના ઇતિહાસકાર તરીકેની પ્રતિષ્ઠા અપાવી. તેમણે પ્રશિયા, ફ્રાંસ, ઇંગ્લૅન્ડ, જર્મની સહિત વિવિધ દેશોના ઇતિહાસ, અગ્રણી રાજપુરુષો તથા સેનાપતિઓનાં વૃત્તાંતો સહિત 55 ગ્રંથો લખ્યા છે. તેમાં History of Pope તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. રાંકે પોતાના સમયના મહાન ઇતિહાસકાર હતા. તેમના પોતાના ગ્રંથાલયમાં 25,000 ગ્રંથો હતા. તેમના ઇતિહાસ-લેખનમાં શાસકો, સેનાપતિઓ, ધર્મગુરુઓ વગેરેના હેવાલો; રાજકીય, વહીવટી, લશ્કરી તથા ધાર્મિક હકીકતોનું વિવરણ મુખ્ય છે. જોકે આર્થિક-સામાજિક જેવી બાબતો તથા સામાન્ય માનવીઓના ઉલ્લેખો નહિવત્ છે.
જયકુમાર ર. શુક્લ