રસખાન (જ. 1540, દિલ્હી; અ. 1630) : હિંદી ભક્તકવિ. તેમના જીવન વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. તેમનો જન્મ શાહી પરિવારમાં થયાનું કહેવાય છે. ‘દો સૌ વૈષ્ણવોં કી વાર્તા’ અનુસાર તે ગોસ્વામી વિઠ્ઠલનાથના શિષ્ય હતા અને તેમણે ગોસ્વામી વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગના બોધ પર આધારિત ભગવાન કૃષ્ણનાં ભક્તિગીતો રચ્યાં હતાં; પરંતુ ચંદ્રબલી પાંડેના મતે તેમનાં ગીતો ઉપર જણાવેલ બંને પૈકી એકેય ભક્તિભાવયુક્ત બોધ ધરાવતાં નથી, જોકે તેમનાં ગીતોના વિષયવસ્તુમાં નિ:શંકપણે કૃષ્ણપ્રેમ પ્રગટ થાય છે, જે સૂફી કાવ્યોમાં જોવા મળતા પ્રેમની ઉત્કટતાનું પરિવર્તિત સ્વરૂપ છે.

રસખાન

તેમણે 4 ગ્રંથો આપ્યા છે : (1) ‘સુજાણ રસખાન’ (214 કાવ્યો); (2) ‘પ્રેમ-વાટિકા’ (53 કાવ્યો); (3) ‘દાણ-લીલા’ (11 કાવ્યો) અને (4) ‘અષ્ટાયમ’ (પુસ્તિકા). આ ચારેય ગ્રંથોમાં તેમણે કૃષ્ણ પ્રત્યેનાં અપાર પ્રેમ, ભક્તિ અને પૂજ્યભાવ ઠાલવ્યાં છે. આ બધી કૃતિઓમાં તેમણે કૃષ્ણ અને ગોપિકાઓના પ્રેમના નિરૂપણમાં સુરુચિ તેમજ અસરકારક વ્રજશૈલીનાં દર્શન કરાવ્યાં છે. તેઓ જન્મે મુસ્લિમ હોવા છતાં કૃષ્ણના પ્રેમમાં એટલા બધા મગ્ન બની ગયા કે તેઓ પોતે ‘રસખાણ’ (માઇન ઑવ્ જૉય) બની ગયા, અને એ તખલ્લુસથી જ પછી ઓળખાવા લાગ્યા અને લોકો તેમનું ખરું નામ પણ વીસરી ગયા.

‘પ્રેમ-વાટિકા’માં પ્રેમવિષયક દુહા-સંગ્રહ છે, જ્યારે ‘સુજાણ રસખાન’માં તેમણે કવિત-સવૈયા છંદમાં એકનિષ્ઠ પ્રેમની માર્મિક અભિવ્યંજના કરી છે. કૃષ્ણભક્ત કવિઓની જેમ ગીતિ-કાવ્યોનો આશ્રય લેવાને બદલે તેમણે કવિત-સવૈયાને ભાવાવેશનું માધ્યમ બનાવ્યું છે. તેમની વ્રજભાષા શુદ્ધ, સરળ અને શબ્દાડંબરરહિત છે. તેમનાં કવિત, સવૈયા, કીર્તનોમાં ભાવોર્મિ ને લયકારી હૃદયસ્પર્શી છે.

સુધા શ્રીવાસ્તવ

અનુ. બળદેવભાઈ કનીજિયા