રસગંગાધર

January, 2003

રસગંગાધર : ભારતીય અલંકારશાસ્ત્રનો જગન્નાથે રચેલો ગ્રંથ. શાહજહાંએ જેમને ‘પંડિતરાજ’ની પદવી આપી હતી તે જગન્નાથે આ ગ્રંથને પાંચ આનનોમાં લખવા ધારેલો, પરંતુ આ ગ્રંથનાં બે આનનો જ પ્રાપ્ત થાય છે અને તેમાં પણ બીજું આનન અપૂર્ણ રહ્યું છે. આમ છતાં અધૂરો ગ્રંથ પણ અલંકારશાસ્ત્રનો પ્રતિનિધિ-ગ્રંથ ગણાયો છે. ખાસ કરીને કાવ્યના અલંકારો વિશે બીજા આનનમાં રજૂ થયેલી ચર્ચા અતિશય મૂલ્યવાન છે.

‘રસગંગાધર’ના પ્રથમ આનનમાં કાવ્યનું લક્ષણ, કાવ્યહેતુ, કાવ્યના પ્રકારો વિશે ચર્ચા કર્યા પછી રસની વ્યાખ્યા અને આચાર્ય ભરતની રસની વ્યાખ્યા વિશેના વિવિધ આઠ મતો રજૂ કર્યા છે. એ પછી નવમા શાંત-રસને સ્વીકારીને ભક્તિ-રસ, વત્સલ-રસ વગેરેનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. એ પછી સ્થાયી ભાવો, વિભાવો, અનુભાવો, શૃંગાર વગેરે રસો, રસોનો વિરોધ, રસના દોષો, શબ્દ અને અર્થના ગુણો, વ્યભિચારી ભાવો, રસાભાસ, ભાવનાં ઉદય સંધિ શબલતા વગેરેની ઉત્કૃષ્ટ ચર્ચા તેના ‘રસગંગાધર’ નામને યથાર્થ ઠેરવે છે.

ત્યારબાદ બીજા આનનમાં ધ્વનિના ભેદો, અભિધાશક્તિના નિયામકો, અભિધા અને લક્ષણા એ શબ્દશક્તિઓ અને તેના પ્રકારો વગેરેની ઉત્તમ ચર્ચા રજૂ કરવામાં આવી છે. એ પછી ઉપમા વગેરે 70 જેટલા અલંકારોની માર્મિક ચર્ચા રજૂ થઈ છે, જે આ ગ્રંથનો શિરમોર ગણી શકાય તેવો ભાગ છે. ફક્ત ઉત્તર અલંકારની ચર્ચામાં એક ઉદાહરણનાં ત્રણ ચરણો લખ્યા પછી એ ગ્રંથ અધૂરો રહ્યો છે.

અલંકારો વિશે પ્રમાણભૂત ચર્ચા કરતો આ ગ્રંથ જગન્નાથે નવ્ય-ન્યાયની શૈલીમાં લખ્યો છે. તમામ મુદ્દાઓમાં જગન્નાથે પોતે રચેલાં ઉદાહરણો આપ્યાં છે અને એનું લેખકને ગૌરવ છે. પહેલાં તે પ્રસ્તુત મુદ્દાનું નવ્યન્યાયની શૈલીએ લક્ષણ આપી, તે પછી લક્ષણનું પદકૃત્ય કરી ( = પદની લક્ષણમાં સાર્થકતા સમજાવી), તેનાં સ્વરચિત ઉદાહરણો આપી, અંતે પુરોગામીઓના મતોનું ખંડન કરે છે. ગ્રંથના પ્રત્યેક વાક્યમાં સુંદર ગદ્યની ઝલક અને વિવેચનની સૂક્ષ્મ સૂઝ ડોકાયા વિના રહેતી નથી. ભલભલા પુરોગામીની તમા રાખ્યા વિના જગન્નાથે તેમનું ખંડન કર્યું છે. આ ગ્રંથ જગન્નાથને ઉત્તમ વિવેચકની સાથે ઉત્તમ કવિ તરીકે સિદ્ધ કરે છે. દર્પીલા અને મધુર કાવ્યના કવિનો આ ભીમકાંત ગ્રંથ નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી નાગેશ ભટ્ટની ‘ગુરુમર્મપ્રકાશ’ નામની ટીકા સાથે સર્વપ્રથમ પ્રગટ થયો હતો. હિંદી, મરાઠી અને ગુજરાતીમાં આ ગ્રંથનો અનુવાદ થયો છે.

પ્ર. ઉ. શાસ્ત્રી