રશિયન ક્રાંતિ (1917) : રશિયામાંથી ઝારશાહી દૂર કરીને સામ્યવાદી શાસન સ્થાપવા થયેલી ક્રાંતિ. વીસમી સદીના પ્રારંભ સુધી રશિયા ઝાર નામે ઓળખાતા શાસકોના આપખુદ, અત્યાચારી તથા શોષણખોર શાસનથી પીડાતું હતું. અઢારમા સૈકાના રશિયાનાં બે શાસકો – પીટર તથા સમ્રાજ્ઞી કૅથરિને રશિયાનું પાશ્ર્ચાત્ય ઢબે આધુનિકીકરણ કરવા વાસ્તે ગણનાપાત્ર સુધારા કર્યા હતા; પરંતુ તેનાથી રશિયામાં રાજકીય, આર્થિક તથા સામાજિક પરિવર્તન થયું નહિ. તેને બદલે, રશિયાના 19મા સૈકાના ઝાર શાસકોએ પોતાના આપખુદ, પ્રત્યાઘાતી તથા શોષણખોર વહીવટથી પ્રજાની આર્થિક દુર્દશા કરી. યુરોપમાં 19મા સૈકામાં પ્રવર્તેલાં રાષ્ટ્રવાદ તથા લોકશાહીની ભાવનાને રશિયામાં પ્રવેશવા ન દેવા માટે ઝાર શાસકોએ નિષ્ફળ પ્રયાસો કર્યા. રશિયામાં થયેલા ઉદ્યોગીકરણને પરિણામે અને જમીનદારોની જોહુકમીને લીધે મજૂરો તથા ખેડૂતોની યાતનાઓ વધી. તેનો નિકાલ કરવામાં ઝારશાહી નિષ્ફળ ગઈ. વીસમી સદીની શરૂઆતમાં સમગ્ર દેશમાં વ્યાપક હડતાળો પડી અને દેખાવો થયા. ઝારે ભૂખ્યા જનોને રોજી તથા રોટી આપવાને બદલે આ લોક-આંદોલનો ક્રૂરતાથી કચડી નાખવા કમર કસી. તેથી કચડાયેલા લોકોનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠ્યો અને ક્રાંતિ ફાટી નીકળી.
રશિયન ક્રાંતિ માટે પણ ફ્રાંસની રાજ્યક્રાંતિની જેમ, રાજકીય દમન, આર્થિક શોષણ, સામાજિક અસમાનતા વગેરે કારણો જવાબદાર હતાં. રશિયાના ઝાર આપખુદ અને અત્યાચારી હોવા ઉપરાંત કાર્યદક્ષ પણ નહોતા અને રાજાના દૈવી અધિકારોમાં માનતા હતા. ક્રિમિયાના યુદ્ધ(1856)માં તથા રશિયા-જાપાન યુદ્ધ(1905)માં રશિયાનો પરાજય થયો. તેથી ઝારશાહીની લશ્કરી નબળાઈ જાહેર થઈ ગઈ. વળી છેલ્લો ઝાર નિકોલસ બીજો (1894-1917), તેની રાણી ઝરીના અને તેના પ્રધાનો રાસ્પુટિન નામના ધૂર્ત અને ચારિત્ર્યહીન પ્રધાનથી પ્રભાવિત થયેલ હતાં. તેની સલાહથી ચાલતા અન્યાયી તથા અત્યાચારી શાસન વિરુદ્ધ દેખાવો કરતા પ્રજાજનો ઉપર ગોળીબારો કરવામાં આવ્યા. લોકોનાં વાણીસ્વાતંત્ર્ય અને વ્યક્તિસ્વાતંત્ર્ય ખૂંચવી લેવામાં આવ્યાં તથા વર્તમાનપત્રો પર કડક અંકુશો મૂકવામાં આવ્યા. તેથી ઝારના તંત્ર સામે લોકોનો રોષ આખરે ક્રાંતિમાં પરિણમ્યો.
રશિયામાં ખેડૂતો અને મજૂરોનું ખૂબ આર્થિક શોષણ થતું હતું. ત્યાં જમીનદારો તથા ઉદ્યોગપતિઓનો ઉપલો વર્ગ અને ખેડૂતો તથા મજૂરોનો નીચલો વર્ગ હતો; પરંતુ મધ્યમ વર્ગ ખાસ ન હતો. જમીનદારો ખેડૂતોનું ભારે શોષણ કરતા હતા. સખત મજૂરી કરવા છતાંય તેઓ જરૂર પૂરતું અનાજ મેળવી શકતા નહોતા. જમીનદારો ખેડૂતોને સખત શિક્ષાઓ પણ કરતા હતા. તેથી ત્રાસી ગયેલા ખેડૂતો ક્રાંતિમાં જોડાયા.
રશિયામાં 19મી સદીના ઉત્તરાર્ધમાં મોટાં કારખાનાં સ્થપાયાં. તેથી મૂડીવાદી વર્ગ ઉદભવ્યો. બીજી બાજુ કંગાલ જીવન જીવતો ગરીબ મજૂરવર્ગ ઊભો થયો. અયોગ્ય નીતિને લીધે મજૂરોમાં બેકારી, ગરીબી, રોગચાળો વગેરે અનિષ્ટો ખૂબ ફેલાયાં. તેને સુધારવામાં ઝારના તંત્રે બેદરકારી સેવી. તેથી મજૂરોએ સંગઠનો રચ્યાં. લેનિન જેવા સમર્થ સામ્યવાદી નેતાનું માર્ગદર્શન મળવાથી ક્રાંતિ થઈ અને મજૂરોએ તેમાં મહત્વનો ભાગ ભજવ્યો.
રશિયામાં આ દરમિયાન સામાજિક ભેદભાવોમાં ખૂબ વધારો થયો હતો. રાજ્યના સર્વ મહત્વના હોદ્દા ઉપલા વર્ગને જ મળતા હતા, જ્યારે નીચલા વર્ગ ઉપર અનેક અંકુશો હતા. ઝાર, તેનાં પરિવારજનો તથા ઉપલો વર્ગ અતિ વૈભવશાળી જીવન જીવતાં હતાં, જ્યારે ઘણો મોટો આમ-સમુદાય ગરીબીમાં સબડતો હતો. આમજનતા અભણ હતી અને અજ્ઞાન, અંધશ્રદ્ધા, વેઠ, વહેમો વગેરે દૂષણોથી દુ:ખી થતી હતી. આ સ્થિતિ સુધારવા ઝારે કોઈ પ્રયાસ ન કર્યો. તેથી ભેદભાવોથી ત્રાસેલા લોકો ક્રાંતિ કરવામાં જોડાઈ ગયા.
ઝાર શાસકોએ યુરોપમાં પ્રસરેલા રાષ્ટ્રવાદ, લોકશાહી તથા સ્વાતંત્ર્યના વિચારોથી રશિયાના લોકોને વંચિત રાખવાના વ્યર્થ પ્રયાસો કર્યા હતા; પરંતુ રશિયાના બુદ્ધિજીવીઓ અને લેખકો પાશ્ર્ચાત્ય ચિંતકોના સંપર્કમાં આવ્યા અને તેમણે પોતાનાં લખાણો દ્વારા આ નૂતન વિચારો પોતાના દેશમાં ફેલાવ્યા. તૉલ્સ્તૉય, દૉસ્તોયેવ્સ્કી, તુર્ગનેવ, ચેખૉવ વગેરેની સાહિત્યકૃતિઓમાં આ નવીન વિચારસરણી પ્રગટી. પુશ્કિન અને માયકૉવ્સ્કી જેવા સમર્થ કવિઓએ દેશમાં રાષ્ટ્રવાદની ભાવના સતેજ કરી.
કાર્લ માર્કસ નામના જર્મન યહૂદી ચિંતક અને લેખકે પોતાનાં પુસ્તકોમાં પ્રગટ કરેલ સમાજવાદના સિદ્ધાંતોનો રશિયાના ક્રાંતિકારી નેતાઓ ઉપર સૌથી વધારે પ્રભાવ પડ્યો. પોતાના ‘દાસ કૅપિટલ’ નામના વિશ્વવિખ્યાત ગ્રંથમાં તેમણે સામ્યવાદી વિચારો સમજાવ્યા. તેમાં તેમણે વર્ગવિગ્રહનો વિચાર વ્યક્ત કરી, હિંસક ક્રાંતિ દ્વારા મૂડીવાદીઓની સરકાર ઉથલાવી નાખીને શ્રમજીવીઓની સરમુખત્યારશાહી સ્થાપવાની હિમાયત કરી. તે અગાઉ ફ્રેડરિક એંગલ્સ સાથે લખેલ ‘કૉમ્યુનિસ્ટ મૅનિફેસ્ટો’માં પણ આ સિદ્ધાંત સમજાવ્યો હતો. રશિયન ક્રાંતિના અગ્રણી લેનિન અને તેમના સાથીઓ ત્રૉત્સ્કી, સ્તાલિન વગેરેને તેમાંથી પ્રેરણા તથા માર્ગદર્શન મળ્યાં.
ઈ. સ. 1904-05માં થયેલા રૂસો-જાપાન વિગ્રહમાં વિશાળ સામ્રાજ્ય ધરાવતા રશિયાની જાપાન જેવા નાના દેશ સામે હાર થઈ. તેથી રશિયાના લોકોનો ઝારશાહીમાં રહેલો વિશ્વાસ નાશ પામ્યો. ઝારની નબળાઈ જાહેર થઈ ગઈ અને દેશવ્યાપી હડતાળો પડી. ઝારના મહેલ પર બંધારણીય સુધારા માગવા ગયેલા લોકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો અને તેમાં સેંકડો લોકો શહીદ થયા. તેથી તે રવિવારનો દિવસ (23 જાન્યુઆરી 1905) ‘લોહિયાળ રવિવાર’ કહેવાયો. તે દિવસથી 1905ની ક્રાંતિ શરૂ થઈ.
પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવા ઝારે 1906માં દૂમા(ધારાસભા)ની ચૂંટણી યોજી. તેમાં ચૂંટાયેલા સભ્યો ઝારને કહ્યાગરા ન હોવાથી ઝારે તે દૂમાને બરખાસ્ત કરી. 1907માં ચૂંટાયેલ બીજી દૂમાની પણ એ જ દશા થઈ. તે વર્ષના અંતે ઝારે નિયમો બદલ્યા, પછી ચૂંટણી યોજી. તેથી ઝારને વફાદાર સભ્યો બહુમતીમાં આવ્યા. તેથી તે દૂમા પાંચ વર્ષ ચાલુ રહી; પરંતુ આમજનતાની સ્થિતિ સુધરી નહિ; તેથી તેઓ અપ્રિય થયા. 1912માં ચૂંટાયેલી ચોથી દૂમા કંઈ પણ ઉપયોગી કાર્ય કરવામાં નિષ્ફળ જતાં ઝારે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેને પણ બરખાસ્ત કરી. તેથી લોકોને લાગ્યું કે ઝાર તેના જુલ્મી શાસનમાં ફેરફાર કરવા માગતો નથી.
આ દરમિયાન અવિચારી ઝાર નિકોલસ બીજાએ રશિયાને મિત્રરાજ્યોને પક્ષે પ્રથમ વિશ્વયુદ્ધમાં સંડોવ્યું. વળી યુદ્ધ વિશેની કશી સમજ ન હોવા છતાં રાસ્પુટિને યુદ્ધનું સંચાલન પોતાના હાથમાં લીધું. તેનાં ગંભીર પરિણામો આવ્યાં. યુદ્ધમોરચે સૈનિકોને શસ્ત્રો કે અનાજનો પુરવઠો નિયમિત પહોંચતો નહોતો; તેથી તેમને ભારે પરાજયો સહન કરવા પડ્યા. સૈનિકોની હાડમારીઓ બેસુમાર વધી ગઈ. તેથી તેઓ ઉપરી-અધિકારીઓના હુકમોનો ભંગ કરવા લાગ્યા.
વિશ્વયુદ્ધ દરમિયાન ઝારના વહીવટી તંત્રની ખામીઓ જાહેર થવા લાગી. ઝારે પોતે બે વરસમાં ચાર મુખ્ય પ્રધાનો, ત્રણ વિદેશપ્રધાનો તથા છ ગૃહપ્રધાનો બદલ્યા. તેનાથી પરિસ્થિતિ સુધરી નહિ. દેશમાં લોકોને અનેક દુ:ખો ભોગવવાં પડ્યાં. ચીજવસ્તુઓના ભાવ પુષ્કળ વધ્યા. કિસાનો તથા કામદારોને આવશ્યક વસ્તુઓ મેળવવાની પણ મુશ્કેલીઓ પડવા લાગી; પરંતુ ઝારે પ્રજાને રાહત આપવાને બદલે તેમના ઉપર ગોળીઓ ચલાવી. તેથી લોકોનો ક્રોધાગ્નિ એકાએક ભભૂકી ઊઠ્યો અને સમગ્ર દેશમાં ‘ઝારશાહી નાબૂદ હો’, ‘યુદ્ધમાંથી ખસી જાઓ’, ‘કામદાર એકતા ઝિંદાબાદ’નાં સૂત્રો ગાજતાં થયાં. આ દરમિયાન ઝારના એક કુટુંબી ઉમરાવે રાસ્પુટિનની હત્યા કરી. તેથી લોકોનો રોષ વધુ ઉગ્ર બન્યો.
આ પરિસ્થિતિમાં, પેત્રોગ્રાદ(સેંટ પીટર્સબર્ગનું યુદ્ધસમયનું નામ)ના કામદારોએ 1917ના માર્ચમાં એક વ્યાપક હડતાળ પાડી. તેમને કચડી નાખવા મોકલેલા લશ્કરે તેમના ઉપર ગોળીબાર કરવાનો ઇન્કાર કર્યો અને ક્રાંતિની શરૂઆત થઈ. તે સમયે દૂમાની બેઠક ચાલુ હતી અને ઝાર પોતે યુદ્ધમોરચા ઉપર હતો. દૂમાના અધ્યક્ષે ઝારને તાર દ્વારા જણાવ્યું કે પાટનગરમાં અરાજકતા ફેલાઈ છે; ત્યારે ઝારે દૂમાને બરખાસ્ત કરતો હુકમ મોકલ્યો; પરંતુ દૂમાએ તેના હુકમની અવગણના કરી. હડતાળિયા કામદારોએ પેટ્રોગ્રાડ અને મૉસ્કોમાં સરકારી મકાનોનો કબજો લીધો. પાટનગર તરફ આવવા નીકળેલા ઝારને રસ્તામાં લશ્કરે રોક્યો. ઝારે દૂમાના પ્રતિનિધિઓની માંગણીથી પોતાના નાના ભાઈ ગ્રાન્ડ ડ્યૂક માઇકલની તરફેણમાં ગાદીત્યાગ કર્યો; પરંતુ માઇકલે ઝારપદ લેવાનો ઇનકાર કરવાથી દૂમાએ ઝારપદ નાબૂદ કર્યું. તેમણે પ્રિન્સ લ્વોવના પ્રમુખપદે એક કામચલાઉ સરકારની રચના કરી. આ રીતે, રશિયામાં ત્રણ સદીઓથી ચાલ્યા આવતા રોમેનૉફ રાજવંશનો અંત આવ્યો. ત્યારબાદ લશ્કરના કબજામાં રહેલા ઝાર અને તેનાં પરિવારજનોની હત્યા કરવામાં આવી. આ ક્રાંતિ માર્ચ મહિનામાં, વસંતઋતુમાં થઈ હોવાથી તે ‘વસંતક્રાંતિ’ તરીકે જાણીતી થઈ.
દૂમાએ રચેલી કામચલાઉ સરકારે રાજકીય કેદીઓને મુક્ત કર્યા, બંધારણસભાની રચના કરી તથા વાણી અને લેખનનું સ્વાતંત્ર્ય આપ્યું. આ સરકારમાં મધ્યમ અને ઉપલા વર્ગના પ્રતિનિધિઓ હતા; પરંતુ તેમાં કિસાનો અને કામદારોનું પ્રતિનિધિત્વ ન હતું. મેન્શેવિકોએ આ સરકારને સાથ આપ્યો, પણ બૉલ્શેવિકોએ તેનો વિરોધ કર્યો. થોડા સમય બાદ કેરેન્સ્કી કામચલાઉ સરકારના વડા બન્યા.
સ્વિટ્ઝર્લૅન્ડમાં દેશવટો ભોગવતા લેનિન સ્વદેશ પાછા ફર્યા. તેમણે શ્રમજીવીઓનાં સંગઠનોને સત્તા કબજે કરવા સક્રિય બનાવ્યાં, કામચલાઉ સરકારનો વિરોધ કર્યો અને શ્રમજીવીઓની સરમુખત્યારશાહી સ્થાપવા પ્રતિક્રાંતિ કરવાનો આદેશ આપ્યો. તેમણે બૉલ્શેવિકો દ્વારા સત્તા હસ્તગત કરવાની યોજના ઘડી. તેથી કામચલાઉ સરકારે લેનિન સહિત બૉલ્શેવિક નેતાઓની ધરપકડનાં વૉરન્ટ કાઢ્યાં. લેનિન ફિનલૅન્ડ નાસી જઈને ત્યાંથી ક્રાંતિનું સંચાલન કરવા લાગ્યા. ત્રૉત્સ્કીના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી સમિતિએ નવેમ્બર 1917માં પોલીસમથકો, સરકારી ઑફિસો, બૅન્કો, તાર-ટપાલ-ઑફિસો, રેલવે વગેરેનો કબજો લીધો. કેરેન્સ્કીએ સત્તાત્યાગ કર્યો. લેનિન દેશમાં પાછા ફર્યા અને તેમના નેતૃત્વ હેઠળ બૉલ્શેવિકોએ સત્તાનાં સૂત્રો હાથમાં લીધાં. આ રીતે રશિયામાં સામ્યવાદી સરકારની સ્થાપના કરવામાં આવી.
આ ક્રાંતિના પરિણામે રશિયામાંથી 300 વર્ષથી ચાલતી ઝારશાહી નાબૂદ થઈ તથા ત્યાં સામ્યવાદી શાસન સ્થપાયું. આ ક્રાંતિની રશિયા ઉપરાંત યુરોપ તથા દુનિયાના દેશોમાં પણ અસરો થઈ. ઝારશાહીને બદલે કિસાનો તથા કામદારોના પ્રતિનિધિઓની બનેલી સોવિયેત સરકારની સ્થાપના થઈ. આ શ્રમજીવીઓની સરકારે કાર્લ માર્કસે સે રજૂ કરેલા સિદ્ધાંતો મુજબ જમીનદારી પ્રથા અને મૂડીવાદી અર્થવ્યવસ્થા નાબૂદ કર્યાં. ત્યાં એકમાત્ર સામ્યવાદી પક્ષ રહ્યો, બાકીના પક્ષો નાબૂદ થયા. લેનિન નવી રચાયેલી સરકારના વડા બન્યા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયાને નીકળી ગયેલું જાહેર કર્યું તથા જર્મની સાથે સંધિ કરી. તેમાં રશિયાએ ઘણું આર્થિક અને પ્રાદેશિક નુકસાન વેઠ્યું. તેમના આ પગલાને લીધે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ વગેરે મિત્રરાષ્ટ્રો વિરોધી બન્યાં અને તેમણે રશિયાના પ્રત્યાઘાતીઓને ઉશ્કેરીને આંતરવિગ્રહ શરૂ કરાવ્યો. રશિયામાં 1918થી 1921 સુધી આંતરવિગ્રહ ચાલુ રહ્યો; પરંતુ લેનિનની સરકારે મક્કમતાપૂર્વક પ્રતિક્રાંતિકારી પરિબળોનો નાશ કર્યો. લેનિને 1918માં સમાજવાદી ઢબની સમાજવ્યવસ્થાનું ધ્યેય ધરાવતું નવું બંધારણ અમલમાં મૂક્યું. સરકારે ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને ઉત્પાદનનાં મોટાં સાધનોની માલિકી રાજ્યની પાસે રાખી, શરૂઆતમાં થોડા ઉદ્યોગો ખાનગી માલિકી પાસે રહેવા દેવામાં આવ્યા. કામદારોને ઉદ્યોગોમાં ભાગીદારો બનાવીને તેનો વહીવટ તેમની સમિતિઓને સોંપવામાં આવ્યો. જમીનો, કારખાનાં, જંગલો, ખાણો, રેલવે વગેરે રાજ્યની માલિકીનાં બન્યાં. 1924માં લેનિનનું અવસાન થયા બાદ સ્તાલિન તેમના અનુગામી બન્યા.
લેનિનના અવસાન બાદ સ્તાલિન અને ત્રૉત્સ્કી વચ્ચે સત્તાપ્રાપ્તિ વાસ્તે સ્પર્ધા થઈ. ત્રૉત્સ્કી રશિયા સહિત દુનિયાના બીજા દેશોમાં પણ સામ્યવાદી ક્રાંતિ ફેલાવવા માગતા હતા. સ્તાલિન માનતા હતા કે ક્રાંતિ રશિયામાં સ્થિર થાય ત્યારબાદ દુનિયાનાં અન્ય રાષ્ટ્રોમાં સામ્યવાદ ફેલાવવો જોઈએ. આ સંઘર્ષમાં સ્તાલિન સફળ થયા અને સરકારના વડા બન્યા. ત્રૉત્સ્કીને દેશનિકાલ કરવામાં આવ્યા અને આખરે તેમની હત્યા કરવામાં આવી.
સ્તાલિનની આગેવાની હેઠળ સોવિયેત સંઘ દ્વારા ત્રણ પંચવર્ષીય યોજનાઓનો અમલ કરીને શિક્ષણ, સંસ્કૃતિ, ટૅક્નૉલોજી, વિજ્ઞાન, ખેતીવાડી, ઉદ્યોગો, વેપાર, વાહનવ્યવહાર વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ સાધવામાં આવ્યો. તે સાથે દેશમાંથી બેકારી, ભૂખમરો, અસમાનતા તથા નિરક્ષરતા નાબૂદ કરવામાં આવ્યાં. આ રીતે રશિયાની ક્રાંતિથી ઘણુંખરું બધાં ક્ષેત્રોમાં રશિયાની કાયાપલટ થઈ ગઈ હતી.
રશિયન ક્રાંતિએ દર્શાવી આપ્યું કે સમાજમાં આર્થિક સમાનતા ન આવે ત્યાં સુધી ગરીબોને માત્ર મતાધિકાર આપીને લોકશાહી સ્થાપવાનો કોઈ અર્થ નથી, કારણ કે ગરીબો પોતાના મતાધિકારનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકતા નથી. આ ક્રાંતિએ દરેક દેશમાં લોકોનું ધ્યાન સમાજના શોષિત વર્ગ તરફ દોર્યું. તેથી પ્રત્યેક દેશમાં મજૂર કલ્યાણ અંગેના કાયદા ઘડવામાં આવ્યા. રશિયાએ અપનાવેલી પંચવર્ષીય યોજનાઓની સિદ્ધિઓથી આકર્ષાઈને ભારત સહિત દુનિયાના અનેક દેશોએ આર્થિક આયોજન અપનાવ્યું. રશિયામાં સામ્યવાદીઓની સફળતા જોઈને દુનિયાભરમાં કિસાનો, કામદારો તથા શોષિતોમાં ઉત્સાહ વધ્યો, તેથી અનેક દેશોમાં સામ્યવાદી પક્ષો સ્થપાયા તથા મજૂર આંદોલનોને વેગ મળ્યો. રશિયાની સામ્યવાદી સરકારે તે પ્રવૃત્તિને વિવિધ પ્રકારે સહાય કરી. તેના ફલસ્વરૂપે યુરોપમાં યુગોસ્લાવિયા, પોલૅન્ડ, ચેકોસ્લોવેકિયા, હંગેરી, આલ્બેનિયા, રુમાનિયા, બલ્ગેરિયા તથા એશિયામાં ચીન, મૉંગોલિયા, ઉત્તર વિયેતનામ તથા ઉત્તર કોરિયામાં સામ્યવાદી સરકારો સ્થપાઈ. તેથી દુનિયાના દેશો મૂડીવાદી તથા સામ્યવાદી જૂથોમાં વહેંચાઈ ગયા અને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ ‘ઠંડા યુદ્ધ’ની પરિસ્થિતિ પણ સર્જાઈ.
જયકુમાર ર. શુક્લ