રત્નપ્રભસૂરિ (બારમી સદી) : આચાર્ય વાદી દેવસૂરિના શિષ્ય, વિશિષ્ટ પ્રતિભાશાળી તાર્કિક કવિ. તેઓ પ્રાકૃત ભાષાના પણ અપ્રતિમ કવિ હતા. એમણે ‘પ્રમાણનયતત્ત્વાલોક’ પર 5,000 શ્લોકપ્રમાણ ‘રત્નાકરાવતારિકા’ નામનો વિવેચનગ્રંથ લખ્યો છે. ‘અવતારિકા’નો પ્રથમ ફકરો કાવ્યમય અનુપ્રાસરચના તથા ગદ્યશૈલીનો સરસ નમૂનો છે. ‘ઇન્દ્રિયપ્રાપ્યકારિતા’નું પ્રકરણ આશરે એક સો (100) વિવિધ છંદોનાં કાવ્યોમાં કરેલી રચના છે, તે કવિ તરીકેની એમની કુશળતા તથા વિદ્વત્તાનો પુરાવો આપે છે. ‘ઈશ્વરકર્તૃત્વનિરાસ’ વિષયમાં એમની શબ્દચાતુરી દ્વારા લાક્ષણિક પ્રતિભાની પ્રતીતિ કરાવી છે. એમણે ઉપદેશમાલાની વિશેષવૃત્તિ રચી છે. એ ‘દોઘટ્ટી’ નામથી ઓળખાય છે. આ વૃત્તિ 11,150 શ્લોકપ્રમાણ છે અને ઈ. સ. 1182માં ભરૂચમાં રહીને તેની રચના કરી છે. એમણે ‘નેમિનાથચરિત’ 13,600 શ્લોકપ્રમાણ પ્રાકૃત ભાષામાં રચ્યું છે. એમણે ‘મતપરીક્ષાપંચાશત’ તથા ‘પાર્શ્વનાથચરિત’ નામની ર્દષ્ટાંતકથા આપ્યાં છે. આચાર્ય વાદી દેવસૂરિએ રચેલા ‘પ્રમાણનયતત્વાલોક’ તથા તેના ઉપરની ‘સ્યાદ્વાદરત્નાકર’ નામની વૃત્તિની રચનામાં તેમને મદદ કરી હતી.
જયકુમાર ર. શુક્લ