રતિ : પ્રેમ અને સૌંદર્યના દેવતા કામદેવની પત્ની. રતિનો ઉલ્લેખ પ્રાચીન કાળથી વેદ, શતપથ બ્રાહ્મણ અને ઉપનિષદોમાં પણ મળે છે. પરંપરામાં એને સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી ગણવામાં આવે છે. પૌરાણિક પરંપરામુજબ તે દક્ષની પુત્રી અને શતપથ બ્રાહ્મણ અનુસાર એ ગંધર્વ કન્યા હોવાનું મનાય છે. જોકે દક્ષ અને ગંધર્વ આ બંને જાતિઓ વસ્તુતઃ વિલાસી જાતિઓ તરીકે પંકાયેલી છે. રતિનું બીજું નામ ‘માયાવતી’ મળે છે. કામદેવને લગતી કથાઓમાં કામદેવની સહચારિણી બતાવી છે. શિવે કામદેવને ભસ્મ કર્યો એ પ્રસંગમાં માયાવતી રૂપે ઉપસ્થિત રહેલી રતિના શોણિતપુરના દૈત્યરાજ બાણાસુર અને કોટરા નામની દૈત્યાણીથી જન્મ થયાનો ઉલ્લેખ મળે છે. ભસ્મ થયેલ કામદેવ અંગે રતિએ કરેલ વિલાપથી પ્રસન્ન થઈ શંકરે કામદેવ અન્-અંગ હોવા છતાં જીવિત રહી શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ રૂપે પ્રગટ થશે એવું વરદાન આપ્યું હતું. આથી માયાવતી રૂપે રતિએ પોતાની સખી ચિત્રલેખાના યોગબળની મદદથી કૃષ્ણના પૌત્ર અને કામદેવનો બીજો અવતાર ગણાતા અનિરુદ્ધ સાથે લગ્ન કર્યાં હતાં. અનિરુદ્ધથી એને ‘વ્રજ’ નામે પુત્રની પ્રાપ્તિ થઈ હતી

પ્રવીણચંદ્ર પરીખ