રણમલ્લ છંદ : જૂની ગુજરાતી સાહિત્યનું વિશિષ્ટ ઐતિહાસિક કાવ્ય. ઈડરના રાવ રણમલ્લની વીરતા દર્શાવતું સિત્તેર કડીનું આ કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં અમૂલ્ય ખજાના સમું છે. મધ્યકાળના ધર્મરંગ્યા સાહિત્યમાં નોખી ભાત પાડતું આ કાવ્ય છે. એનો રચયિતા શ્રીધર વ્યાસ બ્રાહ્મણ છે. આ કાવ્ય તૈમુર લંગના આક્રમણ પછી વિ. સં. 1398 ચૌદમા સૈકામાં (ઈ. સ. 1342 અર્થાત્) રચાયેલું છે, જેની એકમાત્ર હસ્તપ્રત ઉપલબ્ધ થઈ છે, જે સોળમા સૈકાની છે. સંભવત: શ્રીધર રાવ રણમલ્લનો આશ્રિત કવિ છે અને કાવ્યમાં વર્ણિત ઘટનાનો સાક્ષી છે. એ સંસ્કૃત ભાષાનો જાણકાર છે તે કાવ્યની પ્રથમ દસ સંસ્કૃત ભાષાની કડીઓ પરથી જણાય છે. આ કાવ્ય ડિંગળ અર્થાત્ ચારણ-કવિતાની પુરોગામી શૈલીમાં લખાયેલું છે. ડિંગળનો ઉપયોગ ચારણ કે ભાટ કરે છે; જેમાં રાજવી કે વીરપુરુષના પરાક્રમની ગાથા ગાવાનો ઉદ્દેશ રહેલો હોય છે. અહીં પણ ઇડરના રાવ રણમલ્લની વીરતાનું ગાન છે.
ગુજરાતના સુલતાન સામે ઈડરના રાજા રણમલ્લના યુદ્ધની ગાથા એ ‘રણમલ્લ છંદ’નું કથાવસ્તુ છે. કાવ્યની સંસ્કૃત ભાષામાં રચાયેલી પ્રથમ દસ કડીમાં આર્યા છંદનો ઉપયોગ થયો છે. રણમલ્લે ખજાનો લૂંટ્યો છે અને તે પાછો આપવાનું સુલતાને કહેવડાવ્યું. પણ રણમલ્લ એના પ્રત્યે ધ્યાન નથી આપતો. એ रणताली અર્થાત્ યુદ્ધનો શોખીન છે. થાણેદાર એનાથી કાંપે છે. એ શક્તિશાળી છે. ‘રાત્રે ખંભાતનગર ભયથી ધડકી રહે છે, વહેલી પરોઢે ધોળકામાં ગભરાટ થઈ રહે છે, પ્રભાતમાં પાટણમાં ભયના પોકાર પડે છે; જ્યારે રમણલ્લનો ધસારો સંભળાય છે ત્યારે.’ ખાનનો ખજાનો રણમલ્લ પાસે છે. સુલતાન ફરમાન મોકલીને ઈડર પર ચડાઈ કરે છે. રણમલ્લ યુદ્ધનો પ્રતિભાવ આપવા તૈયાર થાય છે. ઈડર પહોંચી ખાન દૂત મોકલીને ખજાનો પાછો મેળવવા પ્રયત્ન કરે છે; પરન્તુ રણમલ્લ ઇન્કાર કરે છે અને લડવાનું આહ્વાન આપે છે. દૂતનો જવાબ સાંભળીને ખાન ઈડરના કિલ્લા પર કૂચ કરે છે ત્યાં રણમલ્લના બાર સરદાર છે. એ સહુનું નામ પણ રણમલ્લ જ છે. મુસ્લિમ સૈનિકો બ્રાહ્મણ, સ્ત્રીઓ અને બાળકોને લઈ જાય છે. ત્યારે રણમલ્લ ગુસ્સે થઈને ઝનૂનથી લડે છે. ખાન કિલ્લા તરફ આગેકૂચ કરે છે. હવે રણમલ્લને તક મળે છે. એ ખાનના સૈન્ય પર ત્રાટકે છે. રણમેદાનમાં લોહીથી એ ઊગતા સૂરજ જેવો લાલચોળ થઈ ગયો છે. એના ઉદગારો છે ‘हणि हणि’ (મારો મારો). દુશ્મનનું લશ્કર નાસભાગ કરે છે. અનેક શરણે થાય છે. રણમલ્લ વિજયી થાય છે. વિજેતા રણમલ્લ પાસે પ્રશ્નો છે. અંતે રણમલ્લ કહે છે — एकछत्र रवितालि कऱु ।
‘રણમલ્લ છંદ’નું ઐતિહાસિક મહત્વ છે. ઇતિહાસની ઘટનાઓ સાથે એનું જોડાણ છે. આ વીરકાવ્યની ભાષામાં પ્રાસ-અનુપ્રાસ (વર્ણસગાઈ કે ઝડઝમક) કાવ્યને ઉપકારક થઈ પડે છે. ફારસી શબ્દો સાહજિક સમાવેશ પામ્યા છે તે એ યુગનું નિદર્શન પૂરું પાડે છે. આ કાવ્યનું સાહિત્યિક સ્વરૂપ ‘છંદ’નું છે. જૂની ગુજરાતીમાં આવા કાવ્યસ્વરૂપની એક પરંપરા હતી તે मयण छंद, अंबिका छंद, भारती छंद, अडयल्ल छंद, राव जेतसीरो छंद જેવાં કાવ્યો પરથી જણાય છે. એમાં અલગ અલગ છંદોનો વિનિયોગ થતો જોવા મળે છે. ‘રણમલ્લ છંદ’માં આર્યા, ભુજંગપ્રયાત અને પંચચામર અથવા નારાચ જેવાં સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ કવિએ કર્યો છે, અને ચોપાઈ, સિંહવિલોકિત, હરિગીત (સારસી), દુમિલા, દુહા, કવિત અથવા છપ્પય જેવા માત્રામેળ છંદો પણ કવિએ પ્રયોજ્યા છે. કેશવ હ. ધ્રુવ એને ‘ખંડકાવ્ય’ કહે છે.
પ્રફુલ્લ રાવલ