રતન : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1944. ભાષા : હિન્દી. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : જમુના પ્રોડક્શન્સ. દિગ્દર્શક : એમ. સાદિક. કથા : આર. એસ. ચૌધરી, ચી. એન. મધોક. સંવાદ-ગીતો : ડી. એન. મધોક. છબિકલા : દ્વારકા દિવેચા. સંગીત : નૌશાદ. મુખ્ય કલાકારો : સ્વર્ણલતા, કરણ દીવાન, વાસ્તી, મંજુ, ગુલાબ, રાજકુમારી શુક્લા, બદ્રિપ્રસાદ, અઝૂરી, ચંદાબાઈ, અમીરબાનો. સીધીસાદી પ્રણયકથા ધરાવતા આ ચિત્રની સફળતામાં તેનાં ગીતો અને સંગીતનું ખૂબ મોટું યોગદાન હતું અને તે સંગીતપ્રધાન ચિત્ર બની રહ્યું હતું. ચિત્રની કથા એટલી સરળ છે કે આ ચિત્ર વ્યાવસાયિક રીતે સફળ ન થઈ શકે એમ માનીને કોઈ વિતરક તેને ખરીદવા તૈયાર થયો નહોતો. અંતે સાવ નાખી દેવાના ભાવે તેને વેચવામાં આવ્યું હતું, પણ ચિત્રનાં ગીત-સંગીતે દેશભરમાં ભારે ધૂમ મચાવી હતી અને આ ચિત્ર સાથે સંકળાયેલા લગભગ દરેક કલાકાર અને કસબીની કારકિર્દીને આ ચિત્ર પછી વેગ મળ્યો હતો. સંગીતકાર નૌશાદ પણ આ ચિત્ર પછી એકદમ જ સંગીતકારોની અગ્રણી પંક્તિમાં આવી ગયા હતા. ‘રતન’માં તેમણે લોકસંગીતની ધૂનોનો ખૂબ સુંદર ઉપયોગ કર્યો હતો. ચિત્રનાં ગીતો લોકોની જીભે ચઢી જવાનું આ પણ એક કારણ હતું. ચિત્રની કથા ગામડામાં વસતાં બે પ્રેમીઓની છે. ગોવિંદ અને ગૌરી એકમેકને પ્રેમ કરે છે, પણ થોડા જ સમયમાં તેમને વિખૂટાં પડવાનો વારો આવે છે. ગૌરીના પરિવારને આ પ્રેમસંબંધ મંજૂર નથી. તેઓ ગૌરીનાં લગ્ન બાજુના ગામમાં એક વૃદ્ધ સાથે કરી દે છે. બંને પ્રેમી વિખૂટાં પડે છે, પણ તેમના દિલમાં રહેલો એકમેક પ્રત્યેનો પ્રેમ યથાવત્ જ રહે છે. અંતે ખાસ્સા વિરહ પછી બંનેનું મિલન થાય છે. જોહરાબાઈ અંબાલેવાલીએ ગાયેલાં ગીત ‘અખિયાં મિલા કે જિયા ભરમા કે ચલે નહિ જાના’, ‘રૂમઝુમ બરસે બાદરવા મસ્ત ઘટાયેં છાયીં’, ‘પરદેશી બાલમ આ બાદલ આયે’, કરણ દીવાને ગાયેલું ‘જબ તુમ હી ચલે પરદેશ, લગા કે ઠેસ’, મંજુ દીવાને ગાયેલાં ‘અંગડાઈ તેરી હૈ બહાના, સાફ કહે દો હમેં હૈ જાના’, ‘જૂઠે હૈં સબ સપને સુહાને’, જોહરા અને કરણે ગાયેલું ‘સાવન કે બાદલોં ઉન સે યે જા કહો’, અમીરબાઈ કર્ણાટકીએ ગાયેલું ‘મિલ કે બીછડ ગઈં અખિયાં હાય રામા’ તથા અમીરબાઈ અને શામકુમારે ગાયેલું ‘ઓ જાનેવાલે બાલમવા લૌટ કે આ લૌટ કે આ’ ગીતો સદાબહાર બની ચૂક્યાં છે.

હરસુખ થાનકી