રણદ્વીપ (oasis) : ચારેબાજુ રણના અફાટ વિસ્તારથી ઘેરાયેલો, રણના શુષ્ક લક્ષણથી અલગ તરી આવતો, વનસ્પતિજીવન સહિતનો ફળદ્રૂપ મર્યાદિત વિભાગ. સામાન્ય રીતે તો રણની જમીનો બંધારણની ર્દષ્ટિએ ફળદ્રૂપ અને ઉપજાઉ હોય છે, પરંતુ તેમાં વનસ્પતિ કે ખેતીવિકાસ માટે જરૂરી ભેજનો જ માત્ર અભાવ વરતાતો હોય છે. રણોમાં જ્યાં નદીઓ કે ઝરણાં અસ્તિત્વ ધરાવતાં હોય ત્યાં ઊગી નીકળતી વનસ્પતિવાળા મર્યાદિત વિસ્તારો માટે પણ ક્યારેક આ શબ્દનો પ્રયોગ થાય છે. અમુક વર્ષો પહેલાં, આ શબ્દ જ્યાં ઝરાઓ દ્વારા અને થોડે દૂર રહેલા જળના સ્રાવ દ્વારા જળપુરવઠો મળી રહેતો હોય તેમજ જ્યાં વનસ્પતિ કે વૃક્ષો ઊગી નીકળતાં હોય, ખેતીપાક લઈ શકાતા હોય એવા માત્ર આફ્રિકાના અને એશિયાના કેટલાક સીમિત વિસ્તારો માટે જ વપરાતો હતો. ત્યારપછી આ શબ્દની અર્થવિસ્તૃતિ કરવામાં આવી અને નદીઓ, ઝરણાં કે સિંચાઈપદ્ધતિ દ્વારા ઉપયોગમાં લેવાતાં નાઇલ કે કૉલોરાડો નદીઓનાં મેદાનો જેવા ભેજવાળા રહેતા વિશાળ ભાગો માટે પણ તે વપરાતો થયો.

રણદ્વીપોમાં જ્યાં ભૂગર્ભજળ છીછરી ઊંડાઈના સ્તરે રહેલું હોય ત્યાં ખોદીને તૈયાર કરેલા કૂવાઓમાં જળ એકત્રિત થઈ શકે છે અથવા તો અમુક જગાઓમાં ઝરાઓ ફૂટી નીકળવા માટે અનુકૂળતા ઊભી થાય છે. રણદ્વીપોમાં થતી જળપ્રાપ્તિ ત્યાં પડી જતા વરસાદને આભારી હોય છે. આ જળ ભૂમિમાં સ્રાવ થયા પછી ખડકોમાંથી ગળાઈને ઊતરતું જાય છે, નીચેના સ્તરોમાં પ્રસરે છે અને નજીકના નીચાણવાળા ભાગો સુધી પહોંચે છે. ત્યાં તે ઓછી ઊંડાઈવાળા કૂવાઓમાં ભેગું થાય છે અથવા ઝરાસ્વરૂપે સપાટી પર ફૂટી નીકળે છે.

નદીખીણો રણદ્વીપ તરીકે : મધ્યપૂર્વ એશિયાની ટાઇગ્રિસ-યૂફ્રેટીસ, ચીનની હુઆંગ-હો (પીળી નદી), સોવિયેત મધ્ય એશિયાની અમુદરિયા અને સીરદરિયા જેવી રણપ્રદેશની જાણીતી નદીઓના ખીણવિભાગોનો પણ રણદ્વીપોમાં સમાવેશ કરી શકાય. તેમના નદીપથ નજીકના ભાગો સમૃદ્ધ કે ઓછી વનસ્પતિને નિભાવે છે. દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કિનારા પરના નામિબ અને દક્ષિણ અમેરિકાના પશ્ચિમ ભાગના આતાકામા–પેરૂવિયન જેવાં અતિ શુષ્ક રણોમાં પણ નજીકના પર્વતોમાંથી નીકળીને આવતી અને આરપાર વહેતી નદીઓના ભાગો રણદ્વીપો ગણાય છે. બહોળા અર્થમાં આવી નદીઓને પણ રણદ્વીપ–શબ્દપ્રયોગ હેઠળ સમાવી શકાય. ઍરિઝોનામાંની અતિવિકસિત ‘Salt River Valley’ જ્યાં ફિનિક્સ નગર વસેલું છે તેને પણ વિશાળ વિસ્તારવાળો રણદ્વીપ કહી શકાય. ત્યાંની ખેતીની પેદાશો; તાડ અને અન્ય ફળાઉ વૃક્ષો અને શાકભાજીના સંદર્ભમાં તે સહરાના રણદ્વીપો સાથે ઘણી બાબતોમાં સમાન છે. ઇન્ડિયો (Indio) કૅલિફૉર્નિયાની આજુબાજુના વિસ્તારો પણ આફ્રિકી રણદ્વીપો જેવા જ છે, કારણ કે ત્યાં ઉચ્ચ ગુણવત્તાવાળું ખજૂર પેદા થાય છે. નૈર્ઋત્ય યુ.એસ.નાં કૉલોરાડો અને સોનોરન રણોના તાડના રણદ્વીપોને મધ્યમ કક્ષામાં મૂકી શકાય. તેમનો વિસ્તાર પ્રમાણમાં ઓછો છે. તે મહાકોતરો અને પર્વતતળેટીમાં આવેલા છે અને સ્થાનિક તાડ(‘વૉશિંગ્ટન ફિલિફેરા’)ની લાક્ષણિકતાવાળા છે. તે પૈકીના એક રણદ્વીપનો ‘Palm Springs’ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે અને તે કૅલિફૉર્નિયાના શિયાળુ વિહારધામ તરીકે જાણીતો થયેલો છે.

રણદ્વીપો – રણના બગીચા તરીકે : રણદ્વીપ શબ્દ પ્રથમ ર્દષ્ટિએ તો સહરા અને અરબી રણોના છૂટાછવાયા રણ-બગીચાઓ હોવાનો ખ્યાલ પ્રેરે છે. આવાં સ્થળો સામાન્ય રીતે તાડવૃક્ષો, પ્રવાહીધારક રસાળ વનસ્પતિ (lush), આરબો અને ઊંટો સાથે સંકળાયેલાં હોવાનું સમજાય છે. આ પ્રકારના રણદ્વીપો નદીખીણોથી થતી સિંચાઈવાળા રણદ્વીપોથી લાક્ષણિકતામાં સ્પષ્ટપણે અલગ તરી આવે છે. જૂના વખતમાં એક એવો ખ્યાલ પ્રવર્તતો હતો કે રણદ્વીપો તદ્દન જૂજ વસ્તીવાળા જ હોય, પરંતુ આવા રણદ્વીપો વિશાળ હોઈ શકે. કેટલાક તો 5 લાખથી વધુ વસ્તી ધરાવતા માલૂમ પડ્યા છે; દા.ત., સીરિયાનું દમાસ્કસ. વળી તે નાના પણ હોઈ શકે છે અને તેમનો વિસ્તાર માત્ર એક એકર કે તેથી પણ ઓછો હોઈ શકે. જ્યાં જળપ્રાપ્તિ સુલભ હોય એવા રણદ્વીપોમાં તો ખેતી પણ કરી શકાય છે તથા તેમને વસવાટને યોગ્ય પણ બનાવી શકાય છે. આવા રણદ્વીપોમાં અગાઉના સમયમાં ઊંટની વણજાર દ્વારા પહોંચી શકાતું, પરંતુ હવે તો પાકા ધોરી માર્ગે, રેલ કે હવાઈ માર્ગે પહોંચી શકાય છે. કેટલાક રણદ્વીપો તેમની જળજરૂરિયાત નજીકનાં ઝરણાં કે નદીઓ દ્વારા તો કેટલાક પાતાળકૂવાઓના સ્રોત દ્વારા મેળવે છે. કેટલાક રણદ્વીપોને ઊંડા કૂવાઓ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, અથવા તો આરબો જેને ‘ફ્રૉગર્સ’ (froggers) તરીકે ઓળખાવે છે તે ક્ષિતિજસમાંતર કૂવાઓ દ્વારા પહોંચાડાય છે. અગ્નિ એશિયાના લોકો તેને kanats અથવા ganats પદ્ધતિ કહે છે, તો મૉંગોલિયાના લોકો તેને કારેઝ પદ્ધતિ તરીકે ઓળખે છે.

આબોહવા અને જમીન : ખેતીની પેદાશો લેવા માટે જ્યાં જરૂરી વરસાદ પડતો ન હોય એવી આબોહવાવાળા વિસ્તારો રણદ્વીપો તરીકે વિકસે છે. તેમને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે : (i) અતિ શુષ્ક – જ્યાં વાર્ષિક વર્ષાપ્રમાણ 50 મિમી.થી ઓછું હોય; (ii) શુષ્ક – જ્યાં વાર્ષિક વર્ષાપ્રમાણ 250 મિમી.થી ઓછું હોય; (iii) અર્ધશુષ્ક – જ્યાં વાર્ષિક વર્ષાપ્રમાણ 500 મિમી.થી ઓછું હોય. મોટાભાગના આફ્રિકી અને એશિયાઈ રણદ્વીપોનો પ્રથમ પ્રકારમાં સમાવેશ થાય છે, બાકીનાને હૂંફાળી આબોહવાના પ્રકારમાં મૂકી શકાય. કેટલાક નિષ્ણાતો જ્યાં ખજૂરનાં વૃક્ષો ઊગતાં હોય અને અન્ય ઉત્પાદન થતું હોય એવા વિસ્તારોને રણદ્વીપ તરીકે ઓળખાવવાની તરફેણમાં નથી. રણદ્વીપોની જમીનો એટલા માટે ઓછી વિકસિત ગણાય છે, કે તે સેન્દ્રિય દ્રવ્યથી સમૃદ્ધ હોવા છતાં મોટેભાગે ક્ષારવાળી હોય છે.

આર્થિક મહત્વ અને ખેતીનો વ્યવસાય : ખજૂરી (ફિનિક્સ ડક્ટિલિફેરા) રણદ્વીપનું, ઘણું અગત્યનું આર્થિક મહત્વ ધરાવતું કલ્પવૃક્ષ ગણાય છે. તેનું જીવંત વૃક્ષ છાંયો પૂરો પાડે છે. આરબો તેનાં ફળ ખોરાકમાં વાપરે છે. તેનાં ફાટેલાં બીજ ઊંટ માટેનો ખોરાક બની રહે છે. શિયાળામાં તેનાં સૂકાં પાંદડાં તોડીને, કાપીને રસોઈના કામ માટે ઇંધન તરીકે ઉપયોગમાં લેવાય છે. જૂનાં વૃક્ષોનાં થડ ઘર બાંધવામાં અને સિંચાઈ-નહેરો પર પુલ બનાવવામાં વપરાય છે. પાંદડાંમાંથી મેળવાતા રેસા દોરડાં અને જાડાં કપડાં બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.

ખેતી : ખજૂરીનાં વૃક્ષ અમુક અંતરના તફાવતે વાવવામાં આવે છે. વચ્ચેની ખાલી જગા ધાન્ય અને શાકભાજી ઉગાડવાના ઉપયોગમાં લેવાય છે. મોટેભાગે ખેતરો નાના કદ(થોડાક ચોમી.)નાં હોય છે. ખેતરોને તેઓ મિલકત ગણે છે. તેની બધી બાજુએ કાદવની દીવાલો બાંધે છે. દીવાલોને મથાળે કાચના ટુકડા જડે છે અથવા થોર વાવે છે; જેથી તેમાં કોઈ પગપેસારો કરે નહિ. ખજૂરીનાં વૃક્ષો નીચે અખરોટ, અંજીર, માલબેરી, પીચ, જમરૂખ, નારંગી, દાડમ અને દ્રાક્ષનું વાવેતર કરે છે. શાકભાજીમાં હાથીચોક, વટાણા, ગાજર, તડબૂચ, બટાટા, મૂળા વગેરે ઉગાડે છે. ધાન્યમાં ઘઉં, જવ, રાઈ અને વિલાયતી ઘાસનું વાવેતર થાય છે. વિવિધ સુશોભનીય છોડ પણ ઉગાડાય છે. ક્યારેક વનસ્પતિ એટલી તો ગીચ થઈ જાય છે કે નીચેની ભૂમિસપાટી સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી.

કુદરતી વનસ્પતિ : પડતર વિસ્તારોમાં અને તજી દેવાયેલાં રહેઠાણોની જગાઓમાં ત્યાંની સ્થાનિક વનસ્પતિ  અધોભૌમજલગ્રાહી વનસ્પતિ, સેજ, રશ જેવી વનસ્પતિ ઊગી નીકળે છે. તેનાથી થોડે દૂર જ્યાં ભેજ ઓછો મળે ત્યાં લવણરાગી વનસ્પતિ ઊગે છે અને તેનાથી પણ દૂર રણદ્વીપોની સીમાઓ પર રણની વનસ્પતિ નજરે પડે છે.

રહેઠાણ : રણદ્વીપોમાં બગીચાઓની કિનારીઓ પર અને ભૂપૃષ્ઠના સમતળ ભાગો પર રહેઠાણો કેન્દ્રિત થયેલાં હોય છે. લોકો કાદવનો ઉપયોગ કરીને સપાટ છતવાળા આવાસો બાંધે છે; ચૂનાથી તે ધોળી દે છે અને ચોતરફ કોટ બનાવી લે છે. સહરામાં તો રહેઠાણની મધ્યમાં ચોક રાખે છે અને ત્યાં મસ્જિદ પણ બનાવે છે. વસ્તીવાળા મોટા રણદ્વીપોમાં તો આવાસોની આજુબાજુ દુકાનો પણ બનાવવામાં આવે છે. નાના રણદ્વીપોમાં રહેતા લોકો તેમની જરૂરિયાત માટે અઠવાડિયે એક વાર આવી જતા ફેરિયા પર આધાર રાખે છે.

ભૌગોલિક વિતરણ (મુખ્ય રણદ્વીપો) : અલ્જીરિયા : અલ્જીરિયાની ઈશાને આવેલો બિસ્ક્રાનો રણદ્વીપ ખજૂરી-નિકાસનું કેન્દ્ર અને હવા ખાવાનું સ્થળ બની રહ્યો છે. મધ્ય અલ્જીરિયાનો અલ ગોલિયા તેના બગીચાઓ માટે, ઘાર્ડૈયા (Ghardaia) 91 મીટર ઊંચા મિનારાવાળી મસ્જિદ માટે, લાગ્વાટ (Laghouat) તેની સમૃદ્ધ વનસ્પતિ માટે જાણીતા છે. મધ્ય અલ્જીરિયાની પૂર્વમાં આવેલા વાર્ગ્લા(ouargla)ના રણદ્વીપમાં પ્રાચીન નગર વસેલું, જે તેનાં 5 લાખ ખજૂરીવૃક્ષો માટે ખ્યાત હતું. સૌફ અને આઉદ ર્હીર (Oued Rhir) રણદ્વીપોનો સમાવેશ કરતો ટુગુર્ટ (Touggourt) વિસ્તાર તેના લાક્ષણિક ખજૂર ‘દગ્લેત નૂર’ (Deglet Nur) માટે પ્રખ્યાત છે. મધ્ય અલ્જીરિયામાંના ટીડીકેલ્ટ અને ટુઆટ રણદ્વીપોનો વિસ્તાર ઔલેફ (Aoulef), ઇન-સલા અને ટીટ રણદ્વીપો તેમના ખજૂર-ઉત્પાદન માટે મહત્વના છે.

ઇજિપ્ત : ડાખલાનો રણદ્વીપ તેની 21,000ની વસ્તી અને ખેતી માટેના 104 ચોકિમી. વિસ્તાર માટે જાણીતો છે. મધ્ય ઇજિપ્તની દક્ષિણે આવેલો ખાર્ગાનો રણદ્વીપ ‘Great Oasis’ નામથી ઓળખાય છે. પશ્ચિમ ઇજિપ્તના લિબિયન રણમાં આવેલો સિવા રણદ્વીપ સમુદ્રસપાટીથી 30 મીટર નીચે રહેલો છે.

મોરૉક્કો : તાલફિલાલેટ 518 ચોકિમી. વિસ્તાર ધરાવતો સહરાનો મોટામાં મોટો રણદ્વીપ ગણાય છે.

લિબિયા : અહીંનો કુફ્રાનો રણદ્વીપ ઊંટઉછેરકેન્દ્ર માટે જાણીતો છે.

ટ્યૂનિસિયા : ગાબેસની 177 કિમી. પશ્ચિમે આવેલો ટોઝિયર રણદ્વીપ ખજૂર, ઑલિવ અને શાકભાજીના ઉત્પાદન માટે જાણીતો છે.

સાઉદી અરેબિયા : હાસા રણદ્વીપ આ દ્વીપકલ્પનો મોટામાં મોટો રણદ્વીપ છે. હુકૂફ તેનું મુખ્ય શહેર છે. તે ઈરાનના અખાત પરની કિનારીથી શરૂ થઈ અંદરના ભૂમિભાગ તરફ અમુક અંતર સુધી વિસ્તરેલો છે. કતીફ રણદ્વીપ તેનાથી પ્રમાણમાં નાનો છે, પરંતુ કૃષિવિષયક કેન્દ્ર બની રહ્યો છે.

સિરિયા : દમાસ્કસ અને આજુબાજુનો વિસ્તાર 6 લાખ જેટલી વસ્તી ધરાવે છે અને તે આફ્રો-એશિયાઈ વિસ્તારનો મહત્વનો રણદ્વીપ ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા