રણદિવે, બી. ટી. : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા અને પૂર્વ મહામંત્રી. આખું નામ ભાલચંદ્ર ત્ર્યંબક રણદિવે. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. શિક્ષણ દરમિયાન આઝાદીની લડતમાં ભાગ લીધો અને તે માટે ચારેક વાર જેલવાસ પણ ભોગવ્યો.
અનુસ્નાતક અભ્યાસ દરમિયાન ડાબેરી વિચારસરણી તરફ ઝૂક્યા અને સામ્યવાદી પક્ષના નેજા હેઠળના ‘આઇટુક’(ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ)માં સક્રિય બન્યા. ભારતીય સામ્યવાદી પક્ષમાં જોડાયા પછી તેના પ્રભાવ હેઠળના ‘સેન્ટર ફૉર ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ’(CITU)ના પ્રમુખપદે ચૂંટાયા. સાથોસાથ સામ્યવાદી પક્ષના મુખપત્ર ‘પીપલ્સ ડેમૉક્રસી’ સામયિકના તંત્રી બન્યા. સમય જતાં સામ્યવાદી પક્ષના પૉલિટબ્યૂરોના સભ્યપદે પણ ચૂંટાયા. આઝાદી
પછી 1948માં સામ્યવાદી પક્ષે જવાહરલાલ નહેરુની રાહબરી હેઠળની ભારતની કેન્દ્ર ખાતેની તત્કાલીન સરકાર રૂઢિપરસ્ત (bourgeois) હોવાનું કહી તેની સામે ઉગ્ર આંદોલન શરૂ કર્યું અને તે માટેની સૈદ્ધાંતિક પૂર્વભૂમિકા રણદિવેની ઉદ્દામવાદી વિચારસરણી(thesis)ને આભારી હતી. ભારતીય સામ્યવાદી પક્ષે આ વિચારસરણીને ટેકો આપતાં પક્ષના તત્કાલીન મહામંત્રી પૂરણચંદ્ર જોશીને સ્થાને રણદિવેની વરણી થઈ હતી. તેમના મહામંત્રી તરીકેના કાર્યકાળ (1948–50) દરમિયાન આખા દેશમાં એકસાથે બળવો કરી લોહિયાળ ક્રાંતિ કરવાનો સામ્યવાદી પક્ષે પ્રયાસ કર્યો હતો, જે સદંતર નિષ્ફળ નીવડ્યો હતો. ત્યારબાદ રણદિવેની રાજકીય કારકિર્દી અસ્ત પામી હતી.
‘વેજિઝ ઍન્ડ ઇન્કમ-પૉલિસી’ એ તેમનો ગ્રંથ જાણીતો છે.
રક્ષા મ. વ્યાસ