રણથંભોર (જિ. જયપુર, રાજસ્થાન) : ઐતિહાસિક દુર્ગ. સવાઈ માધોપુર નગરથી 10 કિલોમીટર અને અલ્વરથી 37 કિલોમીટર દૂર ગાઢ જંગલો વચ્ચે આ દુર્ગ આવેલો છે. સીધી ઊંચી પહાડી પર લગભગ 15 કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આ દુર્ગને ફરતી ત્રણ કુદરતી ખાઈઓ છે, જેમાં જળ વહ્યા કરે છે. આ કિલ્લો દુર્ગમ છે અને ફરતા મજબૂત પ્રાકારથી સુરક્ષિત છે. આ કિલ્લાના નિર્માણ અંગે કંઈ જાણકારી ઉપલબ્ધ થતી નથી, પરંતુ સંભવત: અન્ય કિલ્લાઓની જેમ એને પણ ચૌહાણોએ કરાવ્યો હોવાનું માનવામાં આવે છે. કિલ્લાની મધ્યમાં પદ્મલા સરોવર છે. અનુશ્રુતિ મુજબ આ સરોવરના કાંઠે પદ્મઋષિનો આશ્રમ હતો. જયંત અને રણવીર નામના રાજકુમારો શિકારનો પીછો કરતાં એ આશ્રમે પહોંચ્યા. અહીં તેઓ ઋષિથી ભારે પ્રભાવિત થયા અને તેમની પ્રેરણાથી એક દુર્ગમ કિલ્લો બંધાવી તેને ‘રણસ્તંભર’ એવું નામ આપ્યું. કિલ્લાની સ્થાપના વખતે ગણેશજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

મધ્યકાલીન ઇતિહાસમાં આ કિલ્લો મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં  શરૂઆતમાં ચૌહાણોની આણ પ્રવર્તતી હતી. તેરમી સદીના અંતમાં અહીં મેવાડનરેશોની આણ પ્રવર્તી. અહીંના રાણા હમ્મીરજી અને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજી વચ્ચે ભયાનક યુદ્ધ થયું, જેમાં રાણા હમ્મીરજી વીરગતિને પ્રાપ્ત થયા (1301). એ વખતે રણથંભોરની ઘણી સ્ત્રીઓએ પોતાના પાતિવ્રત્યનું રક્ષણ કરવા જૌહર કર્યું હતું. ત્યારપછી દિલ્હીના સુલતાનોના તાબામાં આ કિલ્લો લાંબા સમય સુધી રહ્યો. 1563માં બુંદીના સરદાર સામંતસિંહ હાડાએ ચૌહાણોની સહાયથી મુસલમાનોને પરાસ્ત કરી આ કિલ્લો સર કરી લીધો અને ત્યાં બુંદી-નરેશ સુજાનસિંહ હાડાની સત્તા પ્રવર્તાવી. ચાર વર્ષ પછી રાણા માનસિંહને સાથે રાખીને મુઘલ બાદશાહ અકબરે રણથંભોર પર ચડાઈ કરી. તેણે ભારે તોપમારો કરી કિલ્લાને ઘણું નુકસાન પહોંચાડ્યું. હાડાઓએ મુઘલ સેનાનો સબળ સામનો કર્યો, પરંતુ છેવટે રાવ સુરજનને અકબર સાથે સંધિ કરવી પડી. 1754 સુધી રણથંભોર પર મુઘલોની આણ પ્રવર્તી. 1754માં મરાઠા સેનાએ આક્રમણ કરતાં જયપુરના મહારાજ સવાઈ માધોસિંહની સહાયથી એ આક્રમણને મારી હઠાવાયું; પરંતુ સહાયની શરત મુજબ રણથંભોર પર જયપુરનરેશનો કબજો થયો. ત્યારપછી આધુનિક સમય સુધી તે જયપુર રાજ્યના તાબામાં રહ્યો. તાજેતરમાં અહીં વન્ય પ્રાણી સંરક્ષણ યોજના લાગુ કરવામાં આવી છે અને અહીંના અભયારણ્યમાં વાઘ, દીપડા અને વિવિધ પ્રકારનાં હરણો જોવા માટે પ્રવાસીઓ આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ