રણજિતસિંહ, મહારાજા

January, 2003

રણજિતસિંહ, મહારાજા (જ. 13 નવેમ્બર 1780, ગુજરાનવાલા; અ. 27 જૂન 1839, લાહોર, હાલ પાકિસ્તાન) : પંજાબના શીખ મહારાજા (શાસન : 1801–1839). તેઓ ‘પંજાબકેસરી’ કહેવાતા હતા. તેમના પિતા મહાસિંહનું 1792માં અવસાન થવાથી શીખ મિસલ (બંધુત્વની ભાવના પર રચાયેલ સૈન્યની ટુકડી) સુકર ચકિયાના મુખી (નાયક) બન્યા. શીખોની બાર મહત્વની મિસલો (misls) હતી. તેમાં સુકર ચકિયા મિસલ રાવી અને ચિનાબ નદીઓ વચ્ચેના પ્રદેશ પર સત્તા ધરાવતી હતી. તેમાં ગુજરાનવાલા નગર તથા આસપાસના પ્રદેશોનો સમાવેશ થતો હતો. જુલાઈ 1799માં તેમણે પંજાબનું પાટનગર લાહોર જીતી લીધું. અફઘાનિસ્તાનના અમીર (શાસક) ઝમાનશાહે તેમને ગવર્નર તરીકે નીમ્યા; પરંતુ રણજિતસિંહે પોતાને પંજાબના મહારાજા જાહેર કર્યા. તેમણે શીખ ગુરુ નાનક તથા ગુરુ ગોવિંદસિંહના નામના સિક્કા પડાવ્યા અને શીખ રાષ્ટ્રમંડળના નામથી રાજ્યનો વહીવટ કરવા માંડ્યો. ઈ. સ. 1802માં શીખોનું પવિત્ર તીર્થધામ અને ઉત્તર ભારતના વેપારનું કેન્દ્ર અમૃતસર તેમણે જીતી લીધું. ત્યારબાદ પંજાબમાં આવેલી શીખ તથા અફઘાનોની જાગીરો તેમણે કબજે કરવા માંડી. તેથી પૂર્વ તરફની તેમની આગેકૂચ અંગ્રેજોએ અટકાવી. 1806માં અંગ્રેજો સાથે કરવામાં આવેલી સંધિ મુજબ પંજાબમાં રાખેલું મરાઠા સૈન્ય ત્યાંથી દૂર કરવા તે કબૂલ થયા. તેમને 25 એપ્રિલ 1809ના રોજ અંગ્રેજો સાથે અમૃતસરની સંધિ કરવી પડી; તેથી દિલ્હી સુધીના બધા શીખ પ્રદેશોને પોતાની સત્તા હેઠળ ભેગા કરી દેવાની તેમની મહત્ત્વાકાંક્ષા અપૂર્ણ રહી. આ સંધિ મુજબ, સતલજ નદીની પૂર્વના પ્રદેશો ઉપરનો દાવો તેમણે જતો કર્યો. સતલજની દક્ષિણે આવેલી 45 જાગીરો તેમણે અંકુશમાં લીધી હતી. અંગ્રેજોએ તેના ઉપર રણજિતસિંહનો અધિકાર માન્ય રાખ્યો. સતલજ નદીને રણજિતસિંહ તથા અંગ્રેજોના  પ્રદેશો વચ્ચેની સીમા તરીકે સ્વીકારવામાં આવી.

મહારાજા રણજિતસિંહ

રણજિતસિંહનો મુખ્ય હેતુ યુદ્ધો દ્વારા પોતાના રાજ્યનો વિસ્તાર વધારવાનો હતો. તેથી તેમણે અફઘાનિસ્તાનની અરાજકતાનો લાભ લઈને મુલતાન સુધીના પ્રદેશો જીતી લીધા. ત્યારબાદ સતલજ નદીના પશ્ચિમ કિનારા સુધીનાં શીખ રાજ્યો તેમણે પોતાના અંકુશ હેઠળ લીધાં. તેમણે ગુરખાઓ પાસેથી કાંગડા તથા અફઘાનો પાસેથી અટક કબજે કર્યાં. જુલાઈ 1819માં તેમણે કાશ્મીર જીતી લીધું. અફઘાનિસ્તાનની રાજકીય અસ્થિરતાનો લાભ લઈને તેમણે તેની સર્વોપરિતા ફગાવી દઈ, પોતે સ્વતંત્ર થઈ ગયા. અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ અમીર (શાસક) શાહ શુજાને તેમણે રાજ્યાશ્રય આપીને તેની પાસેથી જગપ્રસિદ્ધ કોહિનૂર હીરો પડાવી લીધો. તે પછી વાયવ્ય સરહદે પેશાવર જીતી લઈને તેને ખાલસા કર્યું. 1834માં તેમણે લડાખ પણ જીતી લીધું.

આ બધા વિજયો મેળવનાર તેમના લશ્કરમાં શીખ, હિન્દુ અને મુસ્લિમ સૈનિકો તથા સેનાપતિઓ હતા. તેમના મંત્રીઓ પણ વિવિધ ધર્મોના અનુયાયીઓ હતા. પોતાના લશ્કરને આધુનિક પાયદળ તથા તોપદળથી સજ્જ કરવા તેમણે 50 વિદેશી અધિકારીઓ નીમ્યા હતા. તેમાં ફ્રાન્સના ઝાં ફ્રાંસ્વા એલાર્દ તથા ઝાં બાપ્તિસ્ત વેન્ચુરાનો સમાવેશ થતો હતો. આ લશ્કર વાયવ્ય સરહદે વિજયો મેળવવામાં ઘણું ઉપયોગી થતું હતું.

અંગ્રેજો સાથે 1809માં તેમણે કરેલી અમૃતસરની સંધિને વળગી રહીને તેમણે નેપાળ, નાગપુર તથા ભરતપુરના શાસકોને અંગ્રેજો વિરુદ્ધ મદદ કરી નહોતી. ઑક્ટોબર 1831માં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિન્ક સતલજ નદીના પૂર્વ કાંઠે રૂપારમાં રણજિતસિંહને મળ્યો અને 1809ના કરારને તાજો કર્યો હતો. રણજિતસિંહને શિકારપુર (સિંધ) તથા ફીરોઝપુર કબજે કરવાં હતાં, પરંતુ અંગ્રેજોએ તેમ કરવા દીધું નહિ. અંગ્રેજોના દબાણથી તેમને અફઘાનિસ્તાનના શાહ શુજા સાથેના ત્રિપક્ષી કરારમાં જોડાવું પડ્યું હતું; પરંતુ બ્રિટિશ સૈન્યને પંજાબમાં થઈને જવા દેશે નહિ, એવી તેમની શરત અંગ્રેજોએ સ્વીકારવી પડી હતી.

તેઓ સર્વસત્તાધીશ શાસક હોવા છતાં, વહીવટ કરવા તેમણે મંત્રીમંડળ રાખ્યું હતું. તેઓ લોકોની સુખાકારીની કાળજી લેતા હતા. તેમણે લાહોર તથા અમૃતસરમાં ભારે તોપો, બંદૂકો, કારતૂસો તથા દારૂગોળો બનાવવાનાં કારખાનાં સ્થાપ્યાં હતાં, તેઓ ધર્મસહિષ્ણુ હતા, તેમણે અન્યધર્મીઓને રાજ્યમાં ઊંચા હોદ્દા પર નીમ્યા હતા. તેઓ બહાદુર યોદ્ધા અને કુશળ સેનાપતિ હતા. તેઓ પોતે સર્વોપરિ સત્તા ધરાવતા હોવા છતાં, પોતાને ‘ખાલસા’ના પ્રથમ સેવક માનતા હતા.

જયકુમાર ર. શુક્લ