રણજી ટ્રૉફી : પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી રણજિતસિંહની સ્મૃતિમાં આપવામાં આવતી ટ્રોફી. ‘રણજી ટ્રૉફી’ રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધાનું પ્રતીક છે. ભારતના પાંચ ક્રિકેટ વિભાગો–પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય–માં આવેલા વિવિધ ક્રિકેટ-સંઘો વચ્ચે દર વર્ષે રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધા રમાય છે અને વિજેતા ટીમને પ્રતિષ્ઠાવાન અને મૂલ્યવાન રણજી ટ્રૉફી એનાયત થાય છે.

રણજી ટ્રૉફી

193334માં ઇંગ્લૅન્ડની ક્રિકેટ-ટીમે ભારતનો સૌપ્રથમ સત્તાવાર ટેસ્ટ-ક્રિકેટ પ્રવાસ ખેડ્યો તે પછી ભારતમાં ક્રિકેટની રમત પ્રત્યે ભારે ઉત્સાહનું વાતાવરણ પેદા થયું હતું અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ મંડળે રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ-સ્પર્ધા યોજવાનો વિચાર કર્યો હતો.

રણજી ટ્રૉફી સ્પર્ધા : વિજેતાઓ

1935 મુંબઈ 1969 મુંબઈ
1936 મુંબઈ 1970 મુંબઈ
1937 નવાનગર 1971 મુંબઈ
1938 હૈદરાબાદ 1972 મુંબઈ
1939 બંગાળ 1973 મુંબઈ
1940 મહારાષ્ટ્ર 1974 કર્ણાટક
1941 મહારાષ્ટ્ર 1975 મુંબઈ
1942 મુંબઈ 1976 મુંબઈ
1943 વડોદરા 1977 મુંબઈ
1944 પશ્ચિમ ભારત 1978 કર્ણાટક
1945 મુંબઈ 1979 દિલ્હી
1946 હોળકર 1980 દિલ્હી
1947 વડોદરા 1981 મુંબઈ
1948 હોળકર 1982 દિલ્હી
1949 મુંબઈ 1983 કર્ણાટક
1950 વડોદરા 1984 મુંબઈ
1951 હોળકર 1985 મુંબઈ
1952 મુંબઈ 1986 દિલ્હી
1953 હોળકર 1987 હૈદરાબાદ
1954 મુંબઈ 1988 તામિલનાડુ
1955 ચેન્નાઈ 1989 દિલ્હી
1956 મુંબઈ 1990 પં. બંગાળ
1957 મુંબઈ 1991 હરિયાણા
1958 વડોદરા 1992 દિલ્હી
1959 મુંબઈ 1993 પંજાબ
1960 મુંબઈ 1994 મુંબઈ
1961 મુંબઈ 1995 મુંબઈ
1962 મુંબઈ 1996 કર્ણાટક
1963 મુંબઈ 1997 મુંબઈ
1964 મુંબઈ 1998  
1965 મુંબઈ 1999 કર્ણાટક
1966 મુંબઈ 2000 મુંબઈ
1967 મુંબઈ 2001 વડોદરા
1968 મુંબઈ 2002 રેલવે

સિમલામાં ભારતીય ક્રિકેટ નિયંત્રણ મંડળના વડા સિકન્દર હયાતખાનના અધ્યક્ષપદે એક બેઠક યોજાઈ, જેમાં મંડળના માનાર્હ મંત્રી ઍન્થની ડિ’મેલોએ રણજી ટ્રૉફી માટે રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધા યોજવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનો સર્વાનુમતે સ્વીકાર થયો અને એ માટે પતિયાળાના મહારાજા ભૂપેન્દ્રસિંહબહાદુરે મહાન ક્રિકેટર જામ રણજિતસિંહજીની સ્મૃતિમાં સોનાની રણજી ટ્રૉફી એનાયત કરવાની ઘોષણા કરી હતી, જેની કિંમત અંદાજે 500 પાઉન્ડની હતી. રાષ્ટ્રીય ક્રિકેટ-વિજેતા ટીમને રણજી ટ્રૉફીની પ્રતિકૃતિ આપવાનો નિર્ણય લેવાયો હતો.

તદનુસાર, રણજી ટ્રોફી માટેની સૌપ્રથમ મૅચ 4થી નવેમ્બર 1934ના રોજ ચેન્નાઈ ખાતે ચેન્નાઈ અને મૈસૂર વચ્ચે રમાઈ હતી. એક જ દિવસમાં પૂરી થયેલી આ મૅચમાં મૈસૂરના બે દાવ પૂરા થયા હતા અને ચેન્નાઈએ એક જ દાવ લઈને 1 દાવ, 23 રને વિજય મેળવ્યો હતો. એ વર્ષની ફાઇનલમાં મુંબઈએ નૉર્ધર્ન ઇન્ડિયાને 208 રને હરાવીને સૌપ્રથમ રણજી ટ્રોફી-વિજેતા બનવાનું માન મેળવ્યું હતું.

1934–35થી 1956–57 સુધી રણજી ટ્રોફીની મૅચો નૉકઆઉટ-પદ્ધતિથી (એટલે કે હારેલી ટીમ સ્પર્ધામાંથી બહાર નીકળી જાય) રમાતી હતી. પરંતુ 1957–58માં રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધાના માળખામાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા. સ્પર્ધા માટે મંડળ સાથે સંલગ્ન સંઘોને પાંચ વિભાગોપૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્યમાં વહેંચવામાં આવ્યા હતા અને દરેક વિભાગમાં શરૂઆતમાં લીગ-પદ્ધતિથી (દરેક ટીમ બીજી ટીમ સામે રમે) મૅચો રમાવાની શરૂઆત થઈ અને દરેક વિભાગની ટોચની બે ટીમો પૉઇન્ટ એટલે કે ગુણના આધારે નૉકઆઉટ તબક્કામાં રમેએવું માળખું ઘડાયું હતું. લીગ-પદ્ધતિમાં વિજય કે ડ્રૉ માટે પૉઇન્ટ આપવાનું નક્કી થયું હતું.

રણજી ટ્રોફી ક્રિકેટ-સ્પર્ધાના માળખામાં વધુ સુધારા અમલમાં આવતાં તેમાં વન-ડે મૅચ પણ દાખલ કરવામાં આવી. આમ તો રણજી ટ્રોફીની મૅચ પાંચ દિવસની હોય છે – જે ચાર દિવસની બની.

1934–35માં સૌપ્રથમ રણજી ટ્રોફી જીતનારા મુંબઈએ 1999–2000 સુધીમાં 33 વાર રણજી ટ્રોફી જીતી છે. મુંબઈએ રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધામાં પોતાનું વર્ચસ્ જાળવી રાખતાં 1958–59થી 1972–73 સુધીમાં લાગલગાટ 15 વાર રણજી ટ્રોફી જીતી હતી.

જગદીશ બિનીવાલે