રજનીશ, આચાર્ય (જ. 11 ડિસેમ્બર 1931, કુચવાડા, મધ્યપ્રદેશ; અ. 19 જાન્યુઆરી 1990, પુણે) : ક્રાંતિકારી દાર્શનિક અને વિવાદાસ્પદ વિચારક. મૂળ નામ ચંદ્રમોહન જૈન. પિતા મધ્યપ્રદેશના ગાડરવારા ગામમાં કાપડનો વેપાર કરતા હતા. બાલ્યાવસ્થાની શરૂઆતનાં સાત વર્ષો તેઓ મોસાળમાં ઊછર્યા, પરંતુ 1938માં તેમના નાનાના અવસાન બાદ તેઓ તેમનાં નાની સાથે પોતાનાં માતા-પિતા પાસે રહેવા લાગ્યા. ચૌદ વર્ષની વયે એક વાર ધ્યાનમાં બેઠા હતા ત્યારે તેમને ‘પ્રકાશ’ની અનુભૂતિ થઈ હતી એવું કહેવાય છે. 1952–56ના સમયગાળામાં તેઓ સાગર વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ શિક્ષણ લેતા હતા તે દરમિયાન એકવીસ વર્ષની ઉંમરે 21 માર્ચ 1953ના રોજ પોતાને આત્મજ્ઞાન પ્રાપ્ત થયાનું તેમણે જણાવ્યું હતું. 1954માં તેમણે દર્શનશાસ્ત્ર મુખ્ય વિષય સાથે સ્નાતકની પદવી અને 1956માં તે જ વિષય સાથે એમ.એ.ની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી, જેમાં તેમણે પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યાં હતાં. કૉલેજ-શિક્ષણ દરમિયાન તેમણે અખિલ ભારતીય સ્તરની વક્તૃત્વ-સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ એક વર્ષ રાયપુરની કૉલેજમાં દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે કામ કર્યા પછી આઠ વર્ષ સુધી જબલપુર વિશ્વવિદ્યાલયમાં દર્શનશાસ્ત્ર વિષયમાં પ્રોફેસરના પદ પર કામ કર્યું (1958–66). પોતાનો સંપૂર્ણ સમય પ્રાયોગિક સાધનાનો વિસ્તાર-પ્રચાર તથા ધર્મના પુનરુત્થાન માટે સમર્પિત કરવાના હેતુથી તેમણે પ્રોફેસરના પદ પરથી 1966માં રાજીનામું આપ્યું અને ત્યારથી ‘આચાર્ય રજનીશ’ નામથી દેશ-વિદેશમાં પ્રવચનો અને સાધના-શિબિરોનું આયોજન કરતા રહ્યા. તેમના અનુયાયીઓએ સ્થાપન કરેલા ‘જીવનજાગૃતિ કેન્દ્ર’ દ્વારા આધ્યાત્મિક શિબિરો ઉપરાંત આયાર્ય રજનીશના ગ્રંથો તથા તેમનાં પ્રવચનોની કૅસેટોનું પ્રકાશન-પ્રસારણ પણ થાય છે, જેનું મુખ્ય કાર્યાલય શરૂઆતનાં વર્ષો દરમિયાન મુંબઈમાં હતું. જુલાઈ 1970માં આચાર્ય રજનીશ પણ કાયમી નિવાસ માટે જબલપુરથી મુંબઈ આવી ગયા હતા. ત્યારથી તેમના જીવન-જાગૃતિ આંદોલનને આંતરરાષ્ટ્રીય રૂપ પ્રાપ્ત થયું હતું.

આચાર્ય રજનીશ
સપ્ટેમ્બર 1970માં હિમાચલ પ્રદેશના મનાલી પર્યટન-નગરમાં દસ દિવસના તેમના સાધના શિબિરમાં તેમણે સંન્યાસ લીધાની જાહેરાત કરી તથા તેમના ઘણા દેશ-વિદેશના અનુયાયીઓને સંન્યાસની દીક્ષા આપી. તેમનો આ પ્રકલ્પ ‘અભિનવ સંન્યાસ આંદોલન’ નામથી ઓળખાય છે. આ શિબિર પછી તેમના અનુયાયીઓ આચાર્ય રજનીશને ‘ભગવાન રજનીશ’ના નામથી સંબોધતા થયા. હવે તેમની ખ્યાતિ વિદેશમાં અને ખાસ કરીને યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન જેવા પ્રદેશોમાં ફેલાતી રહી.
1974માં તેમણે પુણે ખાતે આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમમાં ઉપર્યુક્ત દશકના અંત સુધી તેમની પ્રવચન તથા ધ્યાનશિબિરોની પ્રવૃત્તિ પુરજોશથી ચાલતી રહી અને તેમના દેશવિદેશના અનુયાયીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થતો રહ્યો. એક ગણતરી મુજબ 1980ના અરસામાં તેમના સંન્યાસી અનુયાયીઓ કે શિષ્યોની સંખ્યા પાંચ લાખ સુધી પહોંચી ગઈ હતી.
1 મે 1981થી તેમણે મૌન ધારણ કર્યું. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય બગડતું ગયું, જેને કારણે તેમને ઇલાજ માટે અમેરિકા લઈ જવામાં આવ્યા. ત્યાં તેમના અમેરિકન શિષ્યોએ ઑરેગૉન રાજ્યના મધ્યમાં લગભગ બંજર ગણાય તેવા પ્રદેશમાં 64,000 એકર વિસ્તાર ધરાવતું એક પશુ ફાર્મ (ranch) ખરીદ્યું. સમય જતાં આચાર્ય રજનીશની ઉપસ્થિતિમાં તે સ્થળ પર એક કૃષિ કમ્યૂન આકાર લેવા લાગ્યું. આ ‘રજનીશપુરમ્’માં રોજના આશરે 5,000 માણસોના ભરણપોષણની ક્ષમતા હતી. વળી રજનીશના શિષ્યોના ગ્રીષ્મકાલીન વાર્ષિક સંમેલન વખતે ભેગા થતાં આશરે 20,000 માણસોના ઉતારાની વ્યવસ્થા પણ ત્યાં કરી શકાતી હતી.
ઑરેગૉનમાં ઊભા કરવામાં આવેલા આ કમ્યૂનના નમૂના પર આચાર્ય રજનીશના શિષ્યોએ પોતપોતાના દેશમાં પણ આવાં કમ્યૂન ઊભાં કર્યાં હતાં.
મે 1984માં તેમની હત્યા કરવાનો એક નિષ્ફળ પ્રયાસ થયો હતો. ઑક્ટોબર 1984માં રજનીશજીએ મૌન તોડ્યું. જુલાઈ 1985માં તેમનાં પ્રાત:કાલીન પ્રવચનો ફરી શરૂ થયાં.
14 સપ્ટેમ્બર 1985ના રોજ રજનીશના અંગત સચિવ તથા કમ્યૂનના વ્યવસ્થા-વિભાગના તેમના કેટલાક શિષ્યો રહસ્યપૂર્ણ રીતે ત્યાંથી અર્દશ્ય થયા. 29 ઑક્ટોબર 1985ના રોજ ન્યૂ કૅરોલીનાના શૉરલાટ શહેરની પોલીસે રજનીશજીને અટકાયતમાં લીધા અને ઓક્લાહામા રાજ્ય બંદીગૃહમાં ‘ડેવિડ વૉશિંગ્ટન’ના ખોટા નામ સાથે તેમને એક એવા ઓરડામાં બંદી તરીકે રાખવામાં આવ્યા, જ્યાં એક ચેપી રોગના ગુનેગારને અગાઉથી રાખવામાં આવ્યા હતા. ત્યારથી જુદા જુદા 34 ગુનાઓ હેઠળ તેમને પોલીસ દ્વારા હેરાન કરવાની પ્રક્રિયા શરૂ થઈ. તેનાથી ત્રાસી ગયેલા આચાર્ય રજનીશે તેમના કાનૂની સલાહકારના સૂચન મુજબ બે ગુનાઓની કબૂલાત આપી, જેના માટે તેમને ચાર લાખ અમેરિકન ડૉલર જેટલો દંડ કરવામાં આવ્યો અને તત્કાલ અમેરિકા છોડી જવાનો આદેશ આપવામાં આવ્યો. ભારત પાછા ફર્યા બાદ તેમણે થોડાક સમય માટે હિમાલયમાં આરામ કર્યો. ડિસેમ્બર 1985માં તેઓ નેપાળ ગયા, જ્યાં કાઠમંડુ ખાતે તેમણે પ્રવચનો આપવાની શરૂઆત કરી. ફેબ્રુઆરી 1986થી જાન્યુઆરી 1987 દરમિયાન તેમણે એકવીસ દેશોની મુલાકાત લીધી; પરંતુ તે દરેક દેશમાંથી ‘અવાંછનીય વ્યક્તિ’ તરીકે તેમને દેશવટો કરવો પડ્યો. જાન્યુઆરી 1987માં તેઓ પુણે ખાતેના આશ્રમમાં પાછા આવ્યા ત્યારે પણ તેમને ત્યાંથી જાકારો આપવાનો પ્રયાસ પોલીસે કરેલો; પરંતુ મુંબઈની વડી અદાલતની દરમિયાનગીરીને કારણે પોલીસને તેમાં સફળતા મળી નહોતી.
આચાર્ય રજનીશના નામ પર તેમનાં પ્રવચનોના આધારે આશરે 650 ગ્રંથો પ્રકાશિત થયા છે, જેનો ત્રીસ જેટલી દેશવિદેશની ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં અનૂદિત થયેલાં તેમનાં પુસ્તકોની સંખ્યા 50 જેટલી છે. તેમનાં પ્રવચનોની કૅસેટો પણ ઉપલબ્ધ છે. તેમનો ‘સંભોગથી સમાધિ સુધી’ (મૂળ અંગ્રેજીમાં : ‘From Sex to Meditation’) ગ્રંથ ખૂબ વિવાદાસ્પદ બન્યો હતો. તેમનાં જાણીતાં પુસ્તકોમાં ‘સત્યની ખોજ’, ‘કૃષ્ણ : મારી દૃષ્ટિએ’, ‘ગાંધીવાદ : વૈજ્ઞાનિક દૃષ્ટિએ’, ‘ગીતાદર્શન’, ‘તાઓ ઉપનિષદ’, ‘મહાવીરદર્શન’, ‘અંતરયાત્રા’, ‘ભજ ગોવિંદમ્’નો સમાવેશ થાય છે. તેમનાં પ્રવચનોમાં બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, શિવ, શાંડિલ્ય, નારદ, જિસસ ક્રાઇસ્ટ, આદિ શંકરાચાર્ય, ગોરખ, કબીર, નાનક, મલૂકદાસ, રૈદાસ, દરિયાદાસ, મીરાં ઉપરાંત યોગ, તંત્ર, તાઓ, ઝેન, હસીદ, સૂફી ઇત્યાદિ મનીષીઓ તથા સાધના-પરંપરાઓ પર વિસ્તારથી અને છતાં મૌલિક રીતનો અર્થપ્રકાશ પાડવામાં આવતો હતો.
આચાર્ય રજનીશે 1985માં અમેરિકા છોડ્યું તે પછી એક જ અઠવાડિયામાં તેમનું ઑરેગૉન ખાતેનું કમ્યૂન વિસર્જિત કરી દેવામાં આવ્યું.
તેમના અનુયાયીઓમાં આચાર્ય રજનીશ માત્ર ‘ઓશો’ નામથી ઓળખાય છે. આ ‘ઓશો’ શબ્દ અંગ્રેજી ‘ઓશનિક’ શબ્દનું ટૂંકાક્ષરી રૂપ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે