રજનીશ ગોવિંદ (જ. 10 સપ્ટેમ્બર 1938, વીહ, જિ. ભરતપુર, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે 1963માં રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ.; 1967માં અને 1977માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુક્રમે પીએચ.ડી. અને ડી.લિટ્.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેમણે આગ્રા ખાતે કે. એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિંદી સ્ટડીઝ ઍન્ડ લિંગ્વિસ્ટિક્સના નિયામક તરીકે સેવા આપી તેમજ લેખનકાર્ય કર્યું.

તેઓ 1974–75 દરમિયાન રાજસ્થાન સાહિત્ય અકાદમીના ભાષાનિષ્ણાત અને સભ્ય રહ્યા. વળી લખનઉ ખાતે ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાનના પણ તેઓ સભ્ય રહ્યા. 1991–94 દરમિયાન પ્રોફેસર તથા ઉત્તર પ્રદેશ સરકારના ભાષા સલાહકાર રહ્યા.

તેમણે હિંદીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સમસામયિક હિંદી કવિતા’, ‘વિવિધ પરિર્દશ્ય’, ‘નયી કવિતા’, ‘પરિવેશ પ્રવૃત્તિ ઔર અભિવ્યક્તિ’ (1975); ‘રંગેય રાઘવ કા રચનાસંસાર’ (1982), ‘સમકાલીન કવિતા કી સંવેદના’ (1992) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. ‘ફાગુકાવ્ય’, ‘પરિવેશ પ્રવૃત્તિયાં ઔર અભિવ્યક્તિ’ (1977) તેમના સંશોધન-ગ્રંથો છે. ‘સાહિત્ય કા સામાજિક યથાર્થ’ (1992) અને ‘પુનશ્ચિંતન’ (1993) જાણીતા નિબંધસંગ્રહો છે. જ્યારે ‘હરદૌલ’ (1994), ‘લોક મહાકાવ્ય : અલ્હા’ (1995) અને ‘અભિનવ હીર રાંઝા’ (1996) તેમનાં સંપાદિત લોકગીતોના સંગ્રહો છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન ઍવૉર્ડ; સત્યનારાયણ સ્મારક સમિતિ ઍવૉર્ડ; અને ઉત્તર પ્રદેશ સરકારી ઍવૉર્ડ વગેરે આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા