રજની પારેખ આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત

January, 2003

રજની પારેખ આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત : છઠ્ઠીથી સત્તરમી સદી વચ્ચેના શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સૌર સંપ્રદાયને લગતા પ્રાગ્-ઐતિહાસિક અને મધ્યકાલીન અવશેષો ધરાવતું સંગ્રહસ્થાન. તે 929 ચોમી. વિસ્તાર આવરી લે છે. પ્રારંભમાં 1960થી શિલ્પ-કલાકૃતિઓ શ્રી રજની પારેખ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં સંગૃહીત કરવામાં આવેલી. પાછળથી તેને માટેનું નવું મકાન 1996માં બાંધવામાં આવ્યું.

મુખ્યત્વે નાગર અને કનેવાલ ઉત્ખનનમાંથી મળેલ પાષાણ, મૃદ, અસ્થિ, ધાતુ અને કાષ્ઠની કલાકૃતિઓ, ઓજારો વગેરેને નીચેના વિભાગોમાં પ્રદર્શિત કરાયાં છે : (1) પ્રાગ્-ઐતિહાસિક ઓજાર-વિભાગમાં પાષાણ તેમજ ધાતુનાં ઓજારો, જેવાં કે કુહાડી, ઘંટી, ભાલો, દાતરડું વગેરેનો તેમજ ઘંટડીઓ, કડી બોરિયાં આદિનો સમાવેશ થાય છે. વળી ચિનાઈ માટીનાં પાત્રો, મણકા, થાળી, પ્રાણીઓ, માનવ-આકૃતિઓ તથા દ્વારકાથી આયાત કરેલ ચાંક (chunk) પદાર્થની બંગડી, મણકા, બુટ્ટી, શોભન માટેની કલાત્મક ચીજવસ્તુઓ, રત્નો, અકીક, લાલ માણેક, નીલમ વગેરે આકર્ષણને પાત્ર છે.

(2) મૂર્તિ વિભાગમાં ગણેશ-કાર્તિકેય, ચતુર્ભુજ ગણેશ (અગિયારમી સદી), અન્ય 3 ગણેશની પ્રતિમાઓ (પંદરમી–સોળમી સદી); ચતુર્ભુજ શિવ-પાર્વતીની યુગલ પ્રતિમા (તેરમી–ચૌદમી સદી), મસ્તક પર સર્પના છત્રવટાવાળું ભૈરવ શિવનું રુદ્ર-સ્વરૂપ (દસમી સદી) તથા અન્ય દેવી પ્રતિમાઓ (જેવી કે સૂર્યાણી, દેવી દુર્ગા, ક્ષેમંકરી, સરસ્વતી તથા પાર્વતી, ચામુંડા, મહિષાસુર-મર્દિનીની મૂર્તિઓ) અત્યંત ધ્યાનાર્હ છે.

રજની પારેખ આર્ટ્સ કૉલેજ, ખંભાત

(3) વૈષ્ણવ પ્રતિમા વિભાગમાં લક્ષ્મી-વિષ્ણુ (બારમીતેરમી સદી); દામોદર (બારમી સદી); ત્રિવિક્રમ, વિષ્ણુ, વેણુગોપાલ, કલ્કિ (ચૌદમી સદી); બ્રહ્મા અને બ્રહ્માણીની મૂર્તિઓ શાસ્ત્રોક્ત રીતે કંડારેલી છે. બ્રહ્માની અઢારમી સદીની અને બ્રહ્મા-સાવિત્રીની યુગલ-પ્રતિમા ઈ. સ. 1171ની અત્યંત ઉલ્લેખનીય છે.

(4) જૈન પ્રતિમા વિભાગ ચૌમુખજીનું દિગંબર શિલ્પ (બારમી સદી); યક્ષિણી અંબિકા (દસમી સદી); યક્ષિણી ચક્રેશ્વરી (અગિયારમી અને ચૌદમી સદી); તીર્થંકર પ્રતિમાના પરિકરનો સૂંઢમાં કળશ વડે અભિષેક કરતા હાથીવાળો શિલ્પખંડ, દુંદુભિ વગાડતા દેવો અને મધ્યમાં શંખપાલના સુંદર આલેખનથી શોભે છે. અન્ય સ્વરૂપોમાં અશ્વિનીકુમાર, યક્ષ, અપ્સરાઓ, નંદી, ગરુડ તથા હરણનાં શિલ્પો (અગિયારમીથી તેરમી સદી) સુંદર છે. વળી સ્વર્ગારોહણ, નર્તકો, યોદ્ધાઓ અને મિથુન-શિલ્પો જેવાં પ્રકીર્ણ શિલ્પો અને કાષ્ઠકલાના 25 નમૂનાઓમાં રાજહંસ, પદ્મલતા જેવાં રૂપાંકન-શિલ્પો અને ભિત્તિસ્તંભો, કીર્તિમુખની કોતરણી અતિ કલાત્મક છે.

(5) અભિલેખ અને સિક્કા વિભાગમાં 1388 અને 1865ના 3 ફારસી અભિલેખો, દેવનાગરી લિપિ અને સંસ્કૃત ભાષાનો પ્રતિમાલેખ (ઈ. સ. 1171) સંગ્રહવામાં આવ્યા છે. ક્ષત્રપ રાજાઓના 1,600 વર્ષના પ્રાચીન 4 સિક્કાઓ; ખંભાતના નવાબના કેટલાક સિક્કાઓ તથા વિદેશી સિક્કાઓમાં ચીની નાણું યૂઆન (Yuan) (1934નો); ઑસ્ટ્રિયાનો ‘થોલેર’ (1780નો) અને જહાંગીરના ચાંદીના સિક્કાઓ (1603–1627) તેમજ (1304–1357) ગુપ્તકાળની સુવર્ણ મુદ્રાઓ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત 50 પ્રાકૃત, જૂની ગુજરાતીની મૂલ્યવાન 198 હસ્તપ્રતો, તાડપત્રો અને ભોજપત્રો તેમાં સાચવવામાં આવ્યાં છે. તેમાં 1245નું તાડપત્ર ખાસ ઉલ્લેખનીય છે. અહીં અરબી અને ફારસી ભાષામાં લખેલ મંદિરનાં બારસાખ, ઓતરંગ અને દરવાજા ભગ્નાવસ્થામાં જળવાયાં છે.

આ પ્રાચીન અવશેષો અને શિલ્પો વગેરે એકત્રિત કરીને સંગ્રહવામાં ખંભાતના ખેત-મંડળ, શૈક્ષણિક સંસ્થાઓ, રણજિતરાય શાસ્ત્રી, પુષ્કર ચંદરવાકર, ડૉ. જે. પી. અમીન તથા શેઠ ભગવતીલાલ ડાહ્યારામનો ફાળો અમૂલ્ય છે.

બળદેવભાઈ કનીજિયા