રઇધૂ (અનુમાને 1457–1536) : અપભ્રંશ ભાષાના મહાકવિ અને વિદ્વાન લેખક. મહાકવિ રઇધૂએ અપભ્રંશ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. તેમનામાં પ્રબન્ધકાર, દાર્શનિક, આચારશાસ્ત્ર-પ્રણેતા અને ક્રાન્તિ-દ્રષ્ટાનાં તત્વોનો સમન્વય જોવા મળે છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને હિન્દી ભાષા પર તેમનું ખૂબ પ્રભુત્વ હતું. રઇધૂનું અપર નામ સિંહસેન હતું. તેઓ સાહ હરિસિંહના પુત્ર અને સંઘપતિ દેવરાજના પૌત્ર હતા. તેઓ ભટ્ટારકીય પરંપરાના વિદ્વાન અને પદ્માવતી પોરવાલ જ્ઞાતિના ધર્મભીરુ ગૃહસ્થ હતા. તેમનું કાર્યક્ષેત્ર ગ્વાલિયર હતું. મૂર્તિપ્રતિષ્ઠા અને ગ્રંથરચના તેમની આજીવિકા હતી. તોમરવંશી રાજા ડુંગરસિંહ, કીર્તિસિંહ અને ચૌહાણવંશી રાજા રુદ્રપ્રતાપના આશ્રયે તેમનું કાવ્યસર્જન થયું. રઇધૂના સાહિત્યના ઊંડા અભ્યાસી ડૉ. રાજારામ જૈને તેમનો સમય 1457થી 1536નો નિશ્ચિત કર્યો છે. તેમના કાવ્યસર્જનમાં નીચેની કૃતિઓ સમાવિષ્ટ છે.

 ‘અપ્પસંબોહકવ્વ’, ‘કોમુઇકહાપબંધુ’, ‘જસહરચરિઉ’, ‘જિમંધર-ચરિઉ’, ‘ણેમેણાહચરિઉ’, ‘તિસટ્ટિમહાપુરિસચરિઉ’, ‘ધણ્ણકુમારચરિઉ’, ‘મેહેસરચરિઉ’, ‘વિત્તીસાર’, ‘પાસણાહચરિઉ’, ‘પુણ્ણાસવકહા’, ‘બલહદ્દચરિઉ’, ‘સમ્મયઇજિણચરિઉ’, ‘સમ્મગગુણારોહણ કવ્વ’, ‘સિદ્ધચક્ક માહપ્પ’,  ‘સિદ્ધન્તત્થસાર’, ‘સુકોસલચરિઉ’,  ‘સોલહકારણ જયમાલ’, ‘સમ્મત્તગુણણિહાણ-કવ્વ’, ‘સંતિણાહચરિઉ’,  ‘દહલક્ખણ જયમાલ’ વગેરે તેમની અપભ્રંશ ભાષાબદ્ધ કૃતિઓ છે. ‘સંબોહપંચાશિકા’ અને ‘અણથમિઉ-કહા’ પ્રાકૃતમાં છે; જ્યારે બારહભાવના હિન્દીમાં અને સિદ્ધચક્રપૂજા સંસ્કૃતમાં છે. ‘કરકંડુચરિઉ’, ‘પજ્જુણ્ણચરિઉ’, ‘ભવિસ્સયત્તચરિઉ’, ‘રયણત્તય’, ‘ઉવએસરયણમાલ’, ‘સમ્મત્તભાવના’ જેવી કૃતિઓ અનુપલબ્ધ છે.

તેમની કૃતિઓ મુખ્યત્વે ત્રણ વિભાગમાં મૂકી શકાય :

(1) પૌરાણિક મહાકાવ્ય, જેમાં તીર્થંકર-ચરિત્રસાહિત્ય, અન્ય મહાપુરુષચરિત્ર અને પ્રબન્ધસાહિત્ય છે.

(2) સિદ્ધાન્ત અને આચારમૂલક સાહિત્ય.

(3) પ્રબન્ધપદ્ધતિએ રચાયેલ આધ્યાત્મિક સાહિત્ય.

તેમનાં પ્રબન્ધાત્મક આખ્યાનોમાં સૌન્દર્યની પવિત્રતા અને માદકતા, પ્રેમની નિશ્ચલતા અને વિવશતા, પ્રકૃતિજન્ય સરળતા અને મુગ્ધતા, શ્રમણસંસ્થાનું કઠોર આચરણ અને દયા, માતા-પિતાનું વાત્સલ્ય, પાપ અને દુરાચારોની નિર્મમ સજા, વાસનાનું પ્રક્ષાલન, આત્માનું નિર્મલીકરણ, શૃંગારના આસવ અને સંસ્કૃતિના અમૃતનું મંગલમય મિશ્રણ, પ્રેયસ-શ્રેયસનું ગઠબંધન અને અંતે સર્વોપરી ત્યાગ અને કષાય-નિગ્રહનું અનુપમ નિદર્શન છે.

સૈદ્ધાન્તિક અને આધ્યાત્મિક કૃતિઓમાં પણ તેમની વિશિષ્ટતા ર્દષ્ટિગોચર થાય છે. સિદ્ધાંતોના સરળ સ્પષ્ટીકરણ માટે આખ્યાનો પ્રયોજાયાં છે. બહુમુખી પ્રતિભાના કારણે તેઓ સિદ્ધાન્તચર્ચા સરળતાથી કરી શક્યા છે. ‘અપ્પસંબોહ’ જેવી કૃતિની રચના કડવકબદ્ધ છે. વળી કથાના આલંબન વગર પણ જીવ-અજીવ તત્વનું સરસ વર્ણન જોવા મળે છે. તેમના સર્જનની કેટલીક મર્યાદાઓ પણ છે; જેમાં સરસ વિષયોનાં વર્ણનોનો અભાવ, વસ્તુ-વર્ણનમાં શિથિલતા, રસ-પરિપાકનો અભાવ, પૌરાણિક પાત્રોનો વ્યામોહ વગેરે જોવા મળે છે.

રઇધૂ-સાહિત્યની અન્ય એક વિશેષતા એ છે કે તેમાં પ્રત્યેક કૃતિના અંતે વિસ્તૃત પ્રશસ્તિ મળે છે જેમાં તત્કાલીન રાજા, નગરશેઠ, તેમના આશ્રયદાતા, ગુરુઓ, મિત્રો, પ્રેરક વગેરેની માહિતી છે. આ ઉલ્લેખો ઇતિહાસ-કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે મહત્વના છે.

સલોની નટવરલાલ જોશી