રંભા : કશ્યપ અને પ્રાધાની કન્યા. એક અતિ સુંદર અપ્સરા. તે કુબેરની સભામાં નૃત્ય દ્વારા મનોરંજન કરાવતી હતી. કુબેરના પુત્ર નલ-કુબેર સાથે એ પત્ની રૂપે રહેતી હતી. રાવણે એનો ઉપહાસ કરતાં રંભાએ રાવણને શાપ આપેલો કે તે કોઈ પણ સ્ત્રીને એની ઇચ્છા વિરુદ્ધ સ્પર્શ કરશે તો તેણે તેના પ્રાણ ગુમાવવા પડશે. આથી રાવણ સીતાનું હરણ કરવા છતાં કંઈ કરી શક્યો નહિ. બીજી પરંપરા મુજબ રંભાની ઉત્પત્તિ દેવાસુરના સમુદ્રમંથનમાંથી થયેલી હતી અને તે સૌંદર્યના પ્રતીકરૂપ હોવાથી દેવતાઓ પાસેથી ઇંદ્રે પોતાની રાજસભાને માટે રંભાને પ્રાપ્ત કરી હતી. ઇંદ્રની સભામાં અર્જુનના સ્વાગતમાં એણે નૃત્ય કર્યું હતું. એક વાર ઇંદ્રે રંભાને ઋષિ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરવા માટે મોકલી હતી, પરંતુ મહર્ષિએ એનાથી પ્રભાવિત ન થતાં રંભાને એક હજાર વર્ષ સુધી પાષાણ સ્વરૂપે રહેવાનો શાપ આપ્યો હતો. પાછળથી શ્વેતમુનિએ વાયુઅસ્ત્ર છોડીને કપિતીર્થમાં પાષાણ રૂપે રહેલી રંભાનો શાપમાંથી ઉદ્ધાર કર્યો હતો.

પ્રવીણચંદ્ર પરીખ