રંભામંજરી (1384) : સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી નાટ્યકૃતિ. એક સુંદર સટ્ટક. ત્રણ યવનિકાવાળી નાટિકા છે. કર્તા કૃષ્ણર્ષિગચ્છના નયચન્દ્રસૂરિ. તેઓ જયસિંહસૂરિશિષ્ય પ્રસન્નચંદ્રના શિષ્ય અને ગ્વાલિયરના તોમરવંશીય રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ દ્વારા 1889માં, પ્રાચીન સંસ્કૃત ટિપ્પણી સાથે, પ્રકાશિત. સંપાદક પંડિત રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રી.

આમાં કુલ 106 પદ્યો છે, જેમાં 78 પ્રાકૃતમાં, 21 સંસ્કૃતમાં અને 6 સંસ્કૃત-પ્રાકૃતમાં છે. 12મા પ્રાકૃત પદ્યમાં કવિ પોતાને શારદાદેવીના પ્રૌઢ વરદાનથી છ ભાષાઓમાં કાવ્ય રચવામાં કુશળ, રાજાનો રંજક, પહેલાંના કવિઓનો વિખ્યાત અનુયાયી અને સર્વ વિદ્યાઓનો નિધિ કહે છે. નાટ્યકાર પહેલાં વિષ્ણુભક્ત હતા એ પછી તેઓ જૈનધર્મી બનેલા. વળી 18મા સંસ્કૃત શ્ર્લોકમાં જણાવે છે કે અમરચન્દ્ર (વેણીકૃપાણ અમર) કવિના કાવ્યમાં લાલિત્ય છે અને કવિ શ્રીહર્ષના કાવ્ય(નૈષધીયચરિત)માં વક્રિમા છે; જ્યારે નયચન્દ્રકવિના કાવ્યમાં આ બેઉ ગુણો લોકોત્તર બની ગયા છે !

રાજશેખરની ‘કર્પૂરમંજરી’ની સ્પર્ધામાં આ સટ્ટક રચાયું છે. કથાનો નાયક વારાણસીનૃપ જયચન્દ્ર કે જૈત્રચન્દ્ર છે. તેના જન્મના દિવસે જ તેના પિતામહે દશાર્ણદેશે પ્રબલ યવનસૈન્યને જીત્યું તેથી તેનું આવું નામ રખાયેલું. તે ઇતિહાસમાં કનોજનૃપતિ જયચંદ્ર તરીકે પ્રસિદ્ધ છે.

ભગવાન કાશીવિશ્વનાથની યાત્રામાં એકઠા થયેલા સજ્જનોના વિનોદ અર્થે અને રાજાની પ્રસન્નતા માટે ત્યાં ભજવવા આની રચના કરાઈ હતી. તે શૃંગારરસપ્રધાન સટ્ટક છે. વિપ્રલંભશૃંગારનું વર્ણન પણ સુંદર છે. આમાં જયચંદ્ર રાજાનાં માતાપિતાનાં નામ ચન્દ્રલેખા અને મલ્લદેવ આપેલાં છે. તેને વસન્તસેના વગેરે સાત રાણીઓ હોવા છતાં આઠમી રાણી રંભાને અહીં પરણે છે. લાટના રાજા કિર્મીરવંશીય મદનવર્માની પુત્રી, દેવરાજની પૌત્રી અને હંસરાજની પત્ની છતાં મામા શિવે હરી લાવેલી નાયિકા રંભાની આ કથા છે કે જે સંસ્કૃત નાટિકાઓ અને પ્રાકૃત સટ્ટકોની અનુકૃતિ છે.

આ નાટિકામાં એક વિચિત્રતા એવી છે કે સંસ્કૃતભાષી પાત્રના મુખમાં પ્રાકૃત ગાથાઓ મૂકી છે અને પ્રાકૃતભાષી પાત્રના મુખમાં સંસ્કૃત શ્ર્લોકો !

આના પહેલાં રચાયેલા મેરુતુંગરચિત ‘પ્રબન્ધચિન્તામણિ’, રાજશેખરકૃત ‘પ્રબન્ધકોશ’ તેમજ જિનવિજયજી-સંપાદિત ‘પુરાતનપ્રબન્ધસંગ્રહ’માં આનું વસ્તુ આવી ગયેલું છે. આ નાટિકાની એક ગાથા જયવલ્લભની ‘પ્રાકૃતસુભાષિતાવલી’માં સ્થાન પ્રાપ્ત કરી શકી છે. તેમાં સાહિત્યિક મહારાષ્ટ્રીના શબ્દો પ્રયોજાયા છે.

નયચંદ્રનો બીજો ઐતિહાસિક ગ્રંથ છે ‘હમ્મીર-મહાકાવ્ય’, જેમાં પ્રસિદ્ધ પૃથ્વીરાજનું ચરિત્ર પણ આવે છે; જ્યારે અહીં નાયક જયચન્દ્ર છે. પરંતુ આ બન્ને કૃતિઓમાં ક્યાંય આ બે વચ્ચેનું યુદ્ધ, જયચંદ્રનો રાજસૂય યજ્ઞ કે સંયોગિતાસ્વયંવર ઉલ્લેખ પામ્યાં નથી !

જયન્ત પ્રે. ઠાકર

પ્ર. ઉ. શાસ્ત્રી