રંજુવુલ (શાસનકાળ ઈ. સ. 1થી 15) : મથુરાનો શકક્ષત્રપ (પ્રાંતનો સૂબેદાર કે ગવર્નર) અને ત્યારબાદ મહાક્ષત્રપ. તેણે શરૂઆતમાં કેટલાંક વર્ષ ક્ષત્રપ તરીકે અને તે પછી તેનો પુત્ર શોનદાસ ત્યાંનો ક્ષત્રપ બન્યો ત્યારે મહાક્ષત્રપ તરીકે શાસન કર્યું હતું. રંજુવુલના શરૂઆતના શાસનકાળના સિક્કા ગ્રીક અને ખરોષ્ઠી લિપિમાં કોતરેલા તથા પછીના સમયના સિક્કા બ્રાહ્મી લિપિમાં કોતરેલા મળ્યા છે. તે સમયે મથુરામાં બ્રાહ્મી લિપિ પ્રચલિત હતી. તેથી તેના પુત્ર શોનદાસ તથા મથુરાના પછીના ક્ષત્રપોએ તેમના સિક્કામાં બ્રાહ્મી લિપિનો ઉપયોગ કર્યો છે. તેના સિક્કા પંજાબ અને ઉત્તર પ્રદેશના પશ્ચિમ વિસ્તારમાંથી મળી આવ્યા છે. પહેલાં એ પંજાબમાં રાજ્ય કરતો હતો અને પછી તેણે મથુરામાં પોતાની સત્તા પ્રસારી હતી. તેના સિક્કામાં સ્ટ્રેટો પ્રથમ તથા સ્ટ્રેટો બીજાના સિક્કામાંથી નકલ કરેલી છે, જ્યારે બીજા કેટલાક સિક્કામાં મથુરાના સ્થાનિક રાજાઓના સિક્કાનું અનુકરણ કરેલ છે.

જયકુમાર ર. શુક્લ