રંધાવા, એન. એસ. (જ. 13 માર્ચ 1927, નવશેરા પાનું, જિ. અમૃતસર; અ. 25 નવેમ્બર 1996) : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કૃષિવિજ્ઞાની અને સંશોધક. તેમણે બી.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની પદવી 1947માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લયાલપુર(જે હાલ પાકિસ્તાનમાં છે)માંથી; એમ.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની 1956માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાંથી અને પીએચ.ડી.ની પદવી જમીનવિજ્ઞાન વિષય સાથે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, અમેરિકામાંથી 1964માં મેળવેલ.

અભ્યાસકાળ પૂર્ણ કરી ડૉ. રંધાવા 1948માં સેન્ટ્રલ પાવર કમિશનમાં સિનિયર રિસર્ચ આસિસ્ટંટ તરીકે જોડાઈને પ્રાધ્યાપક અને વડા, જમીન-વિભાગ, પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લુધિયાણા સુધીની પ્રગતિ 1967માં ફક્ત 19 વર્ષના સમયગાળામાં પ્રાપ્ત કરી. તેમની વિષયવસ્તુની કાબેલિયતને ધ્યાનમાં લઈને 1973માં કૃષિ કૉલેજના ડીન તરીકે અને ત્યારબાદ તે જ યુનિવર્સિટીમાં સંશોધન નિયામકશ્રી તરીકે તેઓ નિમણૂક પામ્યા.

છોડ અને જમીનનાં સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત અને ક્ષેત્રીય પરસ્પર સંબંધ બાબતના; આ ક્ષેત્રના ઉચ્ચ ગુણવત્તા માટેના સંશોધનના ડૉ. રંધાવાને આદ્યસ્થાપક માનવામાં આવે છે. ડૉ. રંધાવાના સંશોધનની સ્વીકૃતિ અને ખ્યાતિને લઈને ભારતીય જમીન-વિજ્ઞાન સમૂહ સંસ્થાના માનાર્હ સભ્ય તરીકેનું સ્થાન તેઓ પામ્યા. તેઓ 1980-81માં આ જ સંસ્થાના પ્રમુખસ્થાને વિરાજેલા. તેમણે આંતરરાષ્ટ્રીય જમીન-વિજ્ઞાન સંસ્થાના ચોથા કમિશનમાં પ્રમુખ તરીકે 1982થી 1986 સુધી સેવાઓ આપેલી.

ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન-સંસ્થા અને રાષ્ટ્રીય કૃષિવિજ્ઞાન સંસ્થામાં તેમણે ફેલો અને સભ્ય તરીકેનું સ્થાન શોભાવેલ. ડૉ. રંધાવાની કદરદાની રૂપે મૉસ્કો ખાતે આવેલ વી. આઇ. લેનીન કૃષિવિજ્ઞાન સંસ્થાએ તેમની વિદેશી માનાર્હ સભ્ય તરીકે વરણી કરેલ હતી. તેમણે તેમની શાખાની વિશેષ ઓળખ ઊભી કરતાં ‘પદ્મભૂષણ’ (1989), ‘કૃષિમિત્ર’ (1989), ‘રફી એહમદ કિડવાઈ મેમૉરિયલ ઇનામ’ (1974-75) અને ‘રાષ્ટ્રીય નાગરિક ઍવૉર્ડ’ (1985) મેળવેલ.

કૃષિ પરત્વે ડૉ. રંધાવાએ આપેલ વિશાળ સેવાઓને ધ્યાને રાખીને તેમને કાનપુર અને પંજાબની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ડૉક્ટરેટની માનાર્હ પદવીથી 1987માં નવાજવામાં આવ્યા હતા.

તેઓશ્રીની અત્યંત ઉજ્જ્વળ કારકિર્દી, ભારતીય કૃષિના ઉત્થાન માટેની તેમની નિષ્ઠા અને ખંતપૂર્વકના અવિરત પ્રયત્નો થકી 1979માં લબ્ધપ્રતિષ્ઠ ભારતીય કૃષિ-અનુસંધાન સંસ્થાન પરિષદ, દિલ્હીના તેઓ જમીન, કૃષિ-ઇજનેરી અને સસ્યવિજ્ઞાન વિભાગમાં નાયબ નિયામક જનરલ તરીકે નિમણૂક પામ્યા. ત્યારબાદ આ જ સંસ્થામાં યશકલગીરૂપ નિયામકશ્રીના સર્વોચ્ચ હોદ્દા પર તેમજ ભારત સરકારના કૃષિ-સંશોધન અને શિક્ષણ-વિભાગના સચિવ તરીકે 1985માં બિરાજમાન થયા. સતત પાંચ વર્ષ સુધી ભારત સરકારના કૃષિવિભાગમાં અવિરત સેવાઓ આપી, માર્ચ 1990માં તેઓ નિવૃત્ત થયા. એમના સમયમાં રાષ્ટ્રીય સંકલિત જળસ્રાવ પ્રબંધ સંશોધન યોજનાનું અમલીકરણ એ રાષ્ટ્રના જળ અને જમીન-સંરક્ષણ-ક્ષેત્રે સંશોધન અને વિકાસની અગત્ય પ્રસ્થાપિત કરતો કૃષિ-વૈજ્ઞાનિકોને સોંપેલો અમૂલ્ય વારસો છે.

રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય અગત્ય ધરાવતી કૃષિનીતિ ઘડવામાં હરહંમેશ તત્પર તેમજ અગ્રેસર એવા ડૉ. એન. એસ. રંધાવા તેમની ઝળહળતી કારકિર્દી થકી અનેક રીતે દેશને ઉપયોગી થયા. અનેક રીતે સન્માનિત ડૉ. રંધાવા એક નિખાલસ, સહૃદય, કર્તવ્યપરાયણ અને સેવાભાવી માનવી તરીકેની તેમની અવિસ્મરણીય છાપ પાછળ છોડતા ગયા છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશભાઈ યશરાજભાઈ પટેલ