રંગ અવધૂત (જ. 21 નવેમ્બર 1898, ગોધરા; અ. 19 નવેમ્બર 1968, હરદ્વાર, ઉત્તરપ્રદેશ) : નારેશ્વરના લોકપ્રિય અવધૂતી સંત. મૂળ નામ પાંડુરંગ. ગોધરામાં સ્થિર થયેલા મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મૂળ વતની રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વર તાલુકાના દેવળ ગામના. પિતાનું નામ વિઠ્ઠલ વળામે અને માતાનું નામ રુક્મિણી. પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં લઈ ઉચ્ચ શિક્ષણ માટે પહેલે વર્ષે અમદાવાદની ગુજરાત કૉલેજમાં અને બીજે વર્ષે બરોડા કૉલેજમાં રહી અભ્યાસ કર્યો. એ દિવસોમાં ગાંધીજી-પ્રેરિત અસહકાર આંદોલને જોર પકડ્યું હતું. તેનાથી પ્રેરાઈને કૉલેજનો અભ્યાસ છેલ્લા વર્ષમાં છોડી દીધો અને આઝાદીની ચળવળોમાં અહિંસક સેનાની તરીકે જોડાયા. દરમિયાનમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થતાં ત્યાં જોડાઈ સ્નાતકોની પ્રથમ ટુકડીના સ્નાતક તરીકે બહાર આવ્યા. 1922માં તેમણે આજન્મ અવિવાહિત રહેવાનો નિર્ણય કર્યો અને ગાંધીચીંધ્યા માર્ગે સમાજસેવા અને રાજકારણને ક્ષેત્રે પ્રવૃત્ત થયા.
‘ગંજેરી’ તખલ્લુસથી વર્તમાનપત્રોમાં સાંપ્રત પ્રશ્ર્નો અંગે કટારલેખન શરૂ કર્યું. 1918થી 1925 દરમિયાન ‘ત્યારે કરીશું શું ?’ (ટૉલ્સ્ટૉય કૃત What Shall We Do Then ?નો ગુજરાતી અનુવાદ), ‘ટૉલ્સ્ટૉય અને શિક્ષણ, ‘સદબોધ-શતક’, ‘બાલબોધિની’, ‘રેંટિયાનું રહસ્ય’, ‘સ્વરાજ-કીર્તન’, ‘અહિંસા એટલે શું ?’, ‘ભાંગનો લોટો’ની કટારો, ‘ઉપનિષદની વાતો’, ‘ગીર્વાણભાષા પ્રવેશ 1, 2’ જેવી નાની-મોટી કૃતિઓ પાંડુરંગ વળામેએ લખી. ગાંધીજીનો અંગત સંપર્ક પામેલા હોઈ પંચમહાલ જિલ્લામાં મામાસાહેબ ફડકે, વામનરાવ, ચંદ્રશંકર શુક્લ, અંબાલાલ વ્યાસ, અમૃતલાલ મોદી વગેરે સાથે રહી આઝાદીના આંદોલનમાં એક અગ્રણી સૈનિક તરીકેની ફરજ નિષ્ઠાથી બજાવી. અમદાવાદના રાષ્ટ્રીય વિનયમંદિરમાં જોડાઈ થોડો વખત સંસ્કૃતના શિક્ષક તરીકેની સેવા પણ આપી. સમાજસેવામાં પ્રવૃત્ત રહેવા છતાં તેમના અંત:કરણમાં આત્મખોજની જાગૃતિ સતત રહેતી હતી. વિદ્યાર્થીકાળથી જ તેમણે યથોચિત આત્મસાધના આરંભી હતી. છેવટે 1925ના ડિસેમ્બરમાં નર્મદાકાંઠે નારેશ્વરના રમણીય સ્થાનમાં આવી વસ્યા અને દત્તસાધનાને માર્ગે પ્રયાણ આરંભ્યું. સદગુરુના આંતરિક આદેશને સમજીને તેમણે શ્રી વાસુદેવાનંદ સરસ્વતી રચિત ‘શ્રી દત્તપુરાણ’નાં 108 પારાયણ કર્યાં. તેના ઉદ્યાપન નિમિત્તે પોતે અકિંચન હોવાથી એક સો આઠ દિવસમાં નર્મદા પરિક્રમા કરી. ત્યારબાદ તેમણે ઉગ્ર તપસ્યા આદરી. દત્તમંત્રનો શ્વાસજપ કરતા અને ધ્યાનમાં એટલા તલ્લીન થતા કે તેમને પોતાના દેહનું અને આસપાસના વાતાવરણનું જરાયે ભાન રહેતું નહિ. કહેવાય છે કે દત્ત ભગવાનનાં તેમને દર્શન થયાં હતાં અને ત્યારપછી તેમની આંતરદશા એકદમ બદલાઈ ગઈ હતી. તેમના આ તપની ખ્યાતિ દૂર દૂર ફેલાવા લાગતાં દૂરદૂરથી લોકો દર્શન, સત્સંગ અને આશીર્વાદ માટે નારેશ્વર આવવા લાગ્યા. તેથી નારેશ્વરનો તીર્થસ્થાન તરીકે વિકાસ થતો ગયો. રંગ અવધૂત અહીં ખરેખર અવધૂતી જીવન ગાળતા. બહુ ઓછું બોલતા અને તે પણ મુદ્દાસર. તેઓ મુમુક્ષુઓને પવિત્ર અને દૈવી જીવન ગાળવા બોધ આપતા અને સંસારી જનોને દવાઓ અને દુઆ આપતા. તેઓ દુનિયાની સ્તુતિનિંદાથી પર, નિજાનંદમાં મસ્ત રહેતા.
1926થી 1968 દરમિયાન રંગ અવધૂતજીએ કરેલ અધ્યાત્મ-ચિંતન અને સાધનાના પરિપાક રૂપે 45 જેટલા ગ્રંથો રચ્યા. અંત:સ્ફુરણાથી રચાયેલ આ ગ્રંથો અવધૂત નિવાસ ટ્રસ્ટ, નારેશ્વર દ્વારા પ્રગટ થયા છે. આ ગ્રંથોમાં ‘નારેશ્વર માહાત્મ્ય’, ‘દત્તનામસ્મરણ’, ‘શ્રીવાસુદેવનામ-સુધા’, ‘અવધૂત આનંદ’, ‘રંગહૃદયમ્’, 19,000 દોહરા ધરાવતો ‘શ્રી ગુરુલીલામૃત’ (ત્રણ ખંડ), ‘સંગીતગીતા’, ‘પત્રગીતા’, ‘વાસુદેવ સપ્તશતી’, ‘રંગતરંગ’, ‘અમર આદેશ’, ‘શ્રી સપ્તશતી ગુરુચરિત્ર’, ‘દત્તયાગ-પદ્ધતિ’, ‘શ્રીરંગપત્રમંજૂષા’ ભાગ 1-2 વગેરે મુખ્ય છે. રંગ અવધૂતજી સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. તેમના આરણ્યક તપસ્વી જીવનની યૌગિક અનુભૂતિઓના અંત:સ્ફુરિત ઉદગારો તેમની કૃતિઓમાં સાહજિકપણે પ્રગટ થયા છે. જીવ-શિવના દ્વૈતને વિલીન કરી અદ્વૈત-અભેદની ઉત્કૃષ્ટ આધ્યાત્મિક જીવનઘડતરની દિશા ચીંધવામાં આધુનિક યુગના મૂર્ધન્ય મહર્ષિ અવધૂત તરીકે તેમની ભારે ખ્યાતિ થઈ છે.
રંગ અવધૂતજી વેદાંતના અજાતવાદના હિમાયતી હતા. તેમના મતે આ કલ્પિત નામરૂપના પડદા નીચે ઢંકાયેલું એક-અનંતાદ્વૈત પરબ્રહ્મ જ આદિ, મધ્ય અને અંતમાં છે, છે અને છે. તેથી નામરૂપનો પડદો ભેદીને નિજરૂપ પરમતત્ત્વને જાણવું અને પામવું એ જ માનવજીવનનું અંતિમ ધ્યેય છે. આ મધ્યમાં ભાસતું વિશ્વ (व्यक्तमध्य) વસ્તુત: બ્રહ્મરૂપ જ છે. કારણ કે એકડા (બ્રહ્મતત્ત્વ) વિના મીંડાની કશી જ કિંમત નથી, જીવ બ્રહ્મરૂપ જ છે અને તેથી તેના અનુભવ માટે બ્રહ્મવત્ જીવન અર્થાત્ બ્રાહ્મી જીવન જીવવું જોઈએ. આત્માનુભવ માટે અધ્યાત્મપ્રેમ, મનને અ-મન કરવું, નામજપ, એકાંતનું સેવન, હર હાલમાં પ્રસન્નતા રાખવી વગેરેને આવદૃશ્યક સાધનો ગણાવ્યાં છે. ‘અવધૂતી આનંદ’, ‘પત્રગીતા’ વગેરે ગ્રંથોમાં તેનું વિશદ નિરૂપણ પ્રાપ્ત થાય છે.
નારેશ્વરમાં તેમજ અન્યત્ર તેમની પ્રેરણાથી અનેક સત્પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. શિક્ષણ, સામાજિક સંસ્કારોત્સવો, અન્નક્ષેત્ર, ઔષધાલય, અધ્યાત્મ અને વિજ્ઞાનની અભિન્નતા પ્રતિષ્ઠિત થાય તેવા આચારપૂત અવસરો વગેરેનું રંગ અવધૂતજીએ આત્મોત્સાહથી સમર્થન કર્યું છે.
નારેશ્વરની તેમની તપોભૂમિ અને ત્યાં તેમની સ્મૃતિમાં બંધાયેલ શ્રીરંગમંદિર હવે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે.
ઈન્દુભાઈ દવે
સુભાષચંદ્ર મણિલાલ દવે
પ્રવીણચંદ્ર પરીખ